લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ડમ્પરે ST બસને ટક્કર મારી

PC: news18.com

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત અનલોકમાં રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુ છૂટછાટ આપી હોવાના કારણે રસ્તા પર લોકોની અવર-જવર વધી રહી છે. જેના કારણે પણ આ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના લીંબડી-સુરેન્દ્રનગર હાઇ-વે પર સામે આવી છે. જેમાં ફૂલ સ્પીડે જતા ડમ્પરે ST બસને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની ન થવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને પગલે તપાસ કરી રસ્તા પર ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર લીંબડી-સુરેન્દ્રનગર હાઇ-વે પર સર્કલ પાસે 11 મુસાફરો ભરેલી એક ST બસ વળાંક લઇ રહી હતી, તે સમયે ફૂલ સ્પીડે સાયલાથી બાવળા જઇ રહેલા એક ડમ્પરે ST બસને ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં ST બસમાં સવાર 11 મુસાફરોના આબાદ બચાવ થયો હતો.

અકસ્માતની ઘટનાની જાણ લીંબડી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. તો બીજી તરફ બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતની ઘટનાને પગલે લીંબડી સુરેન્દ્રનગર હાઇ-વે પર વાહનોની 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી. મહત્ત્વની વાત કહી શકાય કે, લીંબડી સુરેન્દ્રનગર હાઇ-વે સિક્સ લેન કરવાની કામગીરી ચાલી રહી છે અને જેના કારણે સાંકડા રસ્તામાંથી વાહનોને પસાર થવું પડે છે. ત્યારે સાંકડો રસ્તો હોવા છતાં પણ ડમ્પર ફૂલ સ્પીડે પસાર થતા હોવાની અવાર નવાર ફરિયાદ આવતી રહેતા.

જો કે, થોડા દિવસો પહેલા જ નરેન્દ્ર બાપુ સોલંકી જ્યારે પોતાની સરકારી ગાડીમાં ગાંધીનગરથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ જ રસ્તા પર એક ડમ્પરે તેમની કારને ટક્કર મારવાની કોશિશ કરી હતી. જેથી સમગ્ર મામલે નરેન્દ્ર બાપુ સોલંકીએ રસ્તા પર હંગામો કર્યો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ બાબતે ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp