અમરેલી: નગરપાલિકાઓના કરોડો બાકી અને ખેડૂતને વીજ કંપનીના 1 રૂપિયા માટે નોટિસ મળી

PC: news18.com

સૌરાષ્ટ્રના અમરેલીમાં જગતનના તાત સાથે મજાક કરતી એક ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)એ એક ખેડુત પાસે 1 રૂપિયાના બાકી લેણા માટે નોટિસ મોકલાવી છે અને નવાઇની વાત એ છે કે તેની પર 5 રૂપિયાની સ્ટેમ્પ મારવામાં આવી છે. ખેડુતે 1 રૂપિયો ભરવા માટે કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ખેડુતે તેના ગામથી દુર વડિયાની કોર્ટમાં હાજર રહેવું પડશે.

અમરેલીના નાના કુંકાવાવ ગામમાં રહેતા હરેશભાઇ નામના ખેડુતે પોતાના ખેતરમાં ડ્રીપ માટે વીજ કનેક્શન લીધું હતું જે 7 વર્ષ પહેલાં આ કનેક્શન રદ કરાવી દીધું હતું. PGVCL ગ્રાહકોના બાકી લેણા માટે કોર્ટમાં ફરિયાદ કરે છે અને કોર્ટ દ્રારા જેમના બાકી લેણાં હોય તેમને નોટિસ મોકલવામાં આવે છે.

હવે જે કનેક્શન હરેશભાઇએ 7 વર્ષ પહેલાં રદ કરાવી દીધું હતું તેના લેણાં પેટે હરેશભાઇને 1 રૂપિયો ભરવા માટે કોર્ટની નોટિસ મળી છે. સાથે હરેશભાઇને લોક અદાલતાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખેડુતનું કહેવું છે કે 1 રૂપિયાનો સવાલ નથી, પરંતુ તેઓ ક્યારેય કોર્ટના પગથિયા ચઢ્યા નથી ત્યારે આ નોટિસથી તેમને કોર્ટમાં જવાનો ડર લાગે છે.

7 વર્ષ પહેલા રદ કરેલા વીજ કનેકશનના એક રૂપિયાની ઉઘરાણીની PGVCL દ્વારા કોર્ટ મારફતે નોટિસ આપવામાં આવતા ખેડૂત પણ અચરજમાં મુકાયા છે. રદ કરેલા કનેક્શનનું કોઈ જ બાકી લેણું નહોતું છતાં આજે 7 વર્ષ પછી નોટિસ આપવામાં આવી. આ પહેલાં કોઇ નોટિસ આપવામાં નહોતી આવી.

આશ્ચર્ય એ વાતનું છે કે ખેડુતના 1 રૂપિયા માટે PGVCLએ કેસ કર્યો અને પાછી 5 રૂપિયાની સ્ટેમ્પ લગાવી. પાછું નોટિસમાં લખ્યું છે કે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તમારે તમારા ગામથી વડિયાના કોર્ટમાં હાજર રહેવું પડશે. ખેડુત હરેશભાઇને કોર્ટના ચકકર કાપવાનો ડર છે.

PGVCL કઇ હદ સુધી ખેડુતોને પરેશાન કરે છે તેનો આ દાખલો છે. ગુજરાતની 25થી વધારે નગર પાલિકાઓના લાખો કરોડો રૂપિયાની વીજ બિલ ભરવાના બાકી છે તેની સામે વીજ કંપની કશું બોલતી નથી. જાણે કોઇ બહાદુરીનું કામ કર્યું હોય તેમ 1 રૂપિયા માટે ખેડુતને કોર્ટમાં ઢસડી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp