બ્રેઇનડેડ માતાની ત્વચાનું કરાયું દાન, રાજકોટ સિવિલમાં બીજું સ્કીન ડોનેશન

PC: Khabarchhe.com

મૃત્યુ બાદ ચક્ષુદાન તેમજ અન્ય અંગોના દાનની સાથે હવે સ્કીન ડોનેશન અંગે પણ જાગૃતિ આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં બીજું સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, નિરૂપાબહેન જાવિયા (ઉ.50)ને બ્રેઇન સ્ટ્રોક આવતાં વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેઓ તા. 13 મે 2023ના રોજ બ્રેઇન ડેડ થયાં હતાં. નિરૂપાબહેન સેવા અને દાનના કાર્યમાં સદા અગ્રેસર રહેતાં હતાં. તેમનું અવસાન થતાં પરિવારે કોઈપણ વિલંબ કર્યા વિના, આવી મુશ્કેલ ઘડીમાં તેમના અંગદાનનો નિર્ણય કર્યો હતો. તેઓએ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કર્યો હતો. આથી સ્કીન બેન્કની ટીમ તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને સ્કીન હાર્વેસ્ટ કરીને ડોનેશનમાં મેળવી હતી.

સ્વ.નિરૂપાબહેનના સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ તેમની સ્કીન ખૂબ ઉપયોગી થશે. વિશ્વ માતૃ દિને જ નિરૂપાબહેનના બ્રેઇનડેડની સ્થિતિમાં તેમના અંગદાનનો નિર્ણય લઇ માતાને સાચી શ્રદ્ધાંજલિ આપવાના ઉમદા વિચાર અને લોકહિતના કામ માટે સમગ્ર પરિવારને અધિક્ષક ડો. ત્રિવેદીએ બિરદાવ્યો છે.

પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કમાં થયેલું આ દ્વિતીય સ્કીન ડોનેશન છે. પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. આર.એસ.ત્રિવેદી અને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રયત્નશીલ છે.

નોંધનીય છે કે, સ્કીન બેન્કની નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે કે હોસ્પિટલે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે 24 કલાક હેલ્પલાઈન મોબાઈલ નંબર 72111,02500 સક્રિય છે, જેના પર કોલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp