26th January selfie contest

રાજકોટમાં 100 કરોડના ખર્ચે આ જગ્યાએ બનશે નવી જિલ્લા કોર્ટ

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે લોકોને ઝડપી ન્યાય મળી રહે એ માટે કોર્ટને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્યના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન રાજ્ય સરકારનું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર ખાતે રૂ.100 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવાશે. તેમજ ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.

ગોંડલમાં રૂ. 40 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, લોકો જે શ્રદ્ધાથી મંદિરમાં ઇશ્વર પાસે જાય છે, એટલી જ શ્રદ્ધાથી લોકો ન્યાય મંદિરમાં આવે છે. આથી તેમને ઝડપી સરળતાથી અને યોગ્ય ન્યાય મળે એ જરૂરી છે. કારણ કે, વિલંબથી મળતો ન્યાય, ન્યાય ન મળવા સમાન છે, એમ અંગ્રેજી કહેવતને ટાંકતા તેમણે કહ્યું હતું.

કાયદાના રાજ અને સુશાસન માટે કોર્ટની મહત્તા આલેખતા રૂપાણીએ જણાવ્યું કે, લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે અને ત્યારે જ ન્યાયનું રાજ્ય સ્થાપિત થયું હોય એવું લોકોને લાગશે. રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે.

મુખ્યમંત્રીએ મુખ્ય ન્યાયમૂર્તિ રેડ્ડીની પડતર કેસોના નિકાલ માટેની ઝૂંબેશની પ્રશંસા કરી હતી તેમજ કોર્ટને જરૂરી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. હાઇકોર્ટના મુખ્યન્યાય મૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કોર્ટમાં ભૌતિક સુવિધાઓ ઘણી સારી છે. કેટલીક તાલુકા કોર્ટની ઇમારતો તો હાઇકોર્ટ જેવી છે. કોર્ટમાં ભૌતિક સુવિધા આપવા માટે રાજ્ય સરકાર હંમેશાં તત્પર રહે છે.

પડતર કેસોના નિકાલ માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો આપતા રેડ્ડીએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી પડતર હોય એવા 6000 હજાર જેટલા કેસો છે. જેમાંથી મોટા ભાગના નશાબંધીના, જમીન સંપાદનના, વાહન અકસ્માત બાકીના ફોજદારી કેસો છે. હવે જ્યારે, કોર્ટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ વધતા લોકોને વધુ ઝડપથી ન્યાય મળશે. ઝડપી ન્યાય પ્રક્રિયા પર ભાર મૂકતા રેડ્ડીએ એમ પણ જણાવ્યું કે ન્યાયિક અધિકારીઓ, કાયદા અધિકારીઓ, વકીલોના સંકલિત પ્રયાસોથી જ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે, ખાસ કરીએ નશાબંધીના કેસોના નિકાલ માટે વહીવટી તંત્ર સાથે સંકલનની જરૂર છે.

મુખ્ય ન્યાયમૂર્તિએ ગોંડલમાં સારા કોર્ટ બિલ્ડિંગના નિર્માણ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગોંડલમાં રાજવીકાળની ન્યાય વ્યવસ્થા, કન્યા કેળવણી, વહીવટી સુશાસનની પ્રશંસા કરી હતી. રાજ્યના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કાયદા વિભાગ માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂ. 1800 કરોડની બજેટમાં ફાળવણી કરી છે. આજે ગુજરાતના મોટાભાગના તાલુકામાં ન્યાયતંત્રનો પોતાનો સુવિધા સભર કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લોકોને સમય મર્યાદામાં ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, અગાઉ ગુજરાતની કોર્ટમાં કુલ 22 લાખ જેટલા કેસ પેન્ડીંગ હતાં તેને ખુબ જ ટૂંકા ગાળામાં સચોટ કામગીરી કરી 15 લાખ સુધી પહોચાડ્યા હોવાનું ગૌરવ સાથે મંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત પેન્ડીંગ કેસનો ઝડપી ઉકેલ લાવવા માટે દરેક કોર્ટમાં એ.પી.પી. ની નિમણુંક કરવા માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કરેલું છે. જેને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. કાયદામંત્રીએ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે તેમની સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી, ગુજરત હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાય તેમજ રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સુ ગીતા ગોપી, અધિક જિલ્લા ન્યાયાધીશ જે. એન. વ્યાસ તેમજ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ જે. બી. કાલરીયા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. તેમજ મહાનુભાવોના હસ્તે જમીન વળતરના કેસો તથા અકસ્માતના કેસોમાં વળતરના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોને ગોંડલના પરંપરાગત આંટીયાળા સાફા બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યકમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ગીતા ગોપીએ તેમજ આભારવિધિ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ જે. બી. કાલરીયાએ કરી હતી.

આ પ્રસંગે સર્વ ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય લાખા સાગઠીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રેંજ આઈ.જી. સંદીપસીંગ, યાર્ડના પ્રમુખ જેન્તી ઢોલ, અગ્રણી સર્વે ભરત બોઘરા, ડી. કે. સખીયા, ભાનુ મેતા, મગન ઘોણીયા, રમેશ ધડુક, બાવનજી મેતલિયા, ચેતન રામાણી, ગોંડલ સ્ટેટના કુમાર ઉપેન્દ્રસિંહજી, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ દેસાઈ, એ.પી. ઠાકર રજીસ્ટ્રાર તેમજ વિવિધ બાર એસોસિએશનના હોદેદારો, એડવોકેટસઓ, જિલ્લા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp