ભારતભરના એક માત્ર મૂછાળા શ્યામનું ધામ – ઢીમા ધરણીધર

PC: khabarchhe.com

કૃષ્ણ એટલે ચોકલેટી ચહેરો અને નટખટ સૌમ્ય વ્યક્તિત્વ. ભારતભરમાં કૃષ્ણની તસ્વીરો અને પ્રતિમાઓ ક્લીન શેવ્ડ જોવા મળે છે પરંતુ ભારત પાક સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના ઢીમા ખાતે આ કાળીયા શામળીયાની પ્રાચીન પ્રતિમા આંકડીયાળી મૂછોવાળી છે.

ઢીમા ખાતે ધરણીધરના નામે ઓળખાતા આ પ્રાચીન મંદીરની સાથે જોડાયેલી લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ મહાભારતકાળમાં માર્કંન્ડેય ઋષિનો આશ્રમ હતો. યાદવોના આંતર કલહથી વ્યથિત કૃષ્ણએ જ્યારે મથુરા છોડીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં આવતા આ માર્કંન્ડેય ઋષિના આશ્રમમાં રોકાયા હતા. તે કાળથી આ તપોભૂમિમાં કૃષ્ણની યાદ સચવાયેલી છે.

મંદીર તરફથી પ્રસિધ્ધ કરાયેલા ઇતિહાસ પ્રમાણે પ્રાચીન સમયમાં વારાહપુરી વારાહક્ષેત્રના નામે આ સ્થળે વારાહ ભગવાનનું ભવ્ય મંદીર હતું. સંવત 1353માં અલ્લાઉદ્દીન ખીલજીએ આ મૂર્તિ તોડી નાંખી હતી અને મંદીર પણ ધ્વસ્ત કરી નાંખ્યું હતું. 

આ ઘટના પછી સવાસો વરસ સુધી આ સ્થળે ખાલી સિંહાસનની પૂજા થતી હતી. સંવત 1477માં આ સ્થળે શ્રીજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે સમયની આ સ્વયંભૂ પ્રગટ પ્રતિમા છે જે ધરણીધરના નામે ઓળખાય છે. આ જગ્યાએ માર્કંડ ઋષિની યાદ સ્વરૂપ માર્કંડેય તળાવ અને માર્કંડેય વાવ પણ છે. આજે આ તળાવનુ નામ અપભ્રંશ થઇને માદળા તળાવ તરીકે ઓળખાય છે. મંદીરની નજીકમાં ઢીમણનાગનું પણ ભવ્ય મંદીર છે.

ગુજરાત રાજસ્થાનના હજારો કૃષ્ણ ભક્તો દર વરસે અહીં દર્શનાર્થે આવે છે. આસપાસના પંથકમાં નવી ફસલનો પાક આ કાળીયા ઠાકરને ચરણે ધરવાની પરંપરા છે જેના કારણે સિઝનમાં હજારો મણ બાજરી આ મંદીરના પ્રાંગણમાં ઠલવાય છે. આ પંથકમાં આ મૂછાળાં કાનૂડાની ધાક એટલી બધી છે કે, ધરણીધર મહારાજની ખોટી સોગંદ ખાતા તમામ વર્ણ અને વર્ગના લોકો ડરે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp