સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ દિવસમાં 6 લોકોના ડૂબવાથી મોત

PC: gujarattak.in

અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે 5 દિવસ પૂરા થતા કેટલાક લોકો ગણપતિ વિસર્જન કરતા હોય છે. એ જ રીતે 5 દિવસ પૂર્ણ કરી વિસર્જન કરવા દરમિયાન ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી રહી છે. કચ્છના ગાંધીધામના આદિપુરમાં શનિવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન અંતરજાળ પાસે આવેલા તળાવમાં ગણપતિનું વિસર્જન કરતી વખતે 5 લોકો તળાવમાં ડૂબી ગયા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય 2 લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તળાવમાં વિસર્જન કરવા આવેલા લોકોમાંથી 5 લોકો ડૂબ્યાની જાણકારી ફાયર વિભાગને આપતા ફાયર વિભાગની ટીમ, આદિપુર પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ બધાને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 5ને હૉસ્પિટલ લઈ જવામાં હતા, જ્યાં હૉસ્પિટલના ડૉક્ટરોએ 3 લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોની સારવાર ચાલુ છે. આ ઘટનાના કારણે મોટી સંખ્યામાં પરિવારજનો રામબાગ હૉસ્પિટલે દોડી આવ્યા હતા.

3 લોકો તેમના પરિવારની નજરની સામે ડૂબી જતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડૂબી જતા અશોક પાલ ઉંમર 48 વર્ષ, કિશોર સાંખલા ઉંમર 48 વર્ષ, સાહિલ આસિસ પાલ ઉંમર 15 વર્ષના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા હતા. જેમને પૉસ્ટમોર્ટમ માટે આદિપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આદિપુર PSI બી.જી. ડાંગરે લોકોને અપીલ કરતા જણાવ્યુ હતું કે, ગણપતિ વિસર્જન માટે કંડલા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો તમામને ત્યાં ગણેશ વિસર્જન કરવા જવું, અંતરજાળ, શિણાય કે કિડાણા વિર્સજન ન કરવા જણાવ્યું હતું.

ગણેશ વિસર્જન દરમિયાન તંત્રની આ વિનંતીને યોગ્ય રીતે માનવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય તેમ છે. એ જ રીતે રાજકોટમાં પણ શનિવારે 03:00 વાગ્યાની આસઆસ આજી ડેમમાં ગણપતિ વિસર્જન કરતી વખત મામા અને ભાણેજ ડૂબી જતા મોતને ભેટ્યા હતા. તો ભાવનગરના કોળિયાકમાં પણ ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જતા કિશોર ચૂડાસમા નામના યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. આમ શનિવારે એક જ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિ વિસર્જન દરમિયાન 6 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp