કેનેડાથી આવી 4 દિવસ પહેલા લગ્ન કર્યા અને રાજકોટનો ગેમ ઝોન બંનેને ભરખી ગયો

PC: khabarchhe.com

આ તસવીરમાં દેખાતા યુગલને છેક કેનેડાથી મોત ખેચીને રાજકોટ લઈ આવ્યું હોય તેવું કહી શકાય. આ કપલ કેનેડાથી ગુજરાત આવેલા અને ચાર દિવસ પહેલા જ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી ધામધૂમથી પણ મેરેજ કરવાના હતા, પણ રાજકોટનો કાળમુખો ગેમ ઝોન બંનેને ભરખી ગયો. અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ સાવલિયા બંનેએ ચાર દિવસ પહેલા કોર્ટમાં મેરેજ કર્યા હતા, બંને રાજકોટના આ ગેમઝોનમાં ફરવા ગયા હતા, પરંતુ બંને પછી બહાર નહોતા નીકળી શક્યા.

રાજકોટ ઘટના પર વજુભાઈ વાળા પાલિકા પર બગડ્યા

રાજકોટની ઘટના બાદ લોકોમાં ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો છે, પરંતુ થોડા દિવસોમાં આ પણ લોકો ભૂલી જશે, જેમ સુરતના તક્ષશીલાની ઘટના લોકો પાંચ વર્ષમાં ભૂલી ગયા અને તેના આરોપીઓ મસ્ત બહાર ફરી રહ્યા છે. રાજકોટની ઘટના બાદ લોકો તો ગુસ્સે છે જ પરંતુ નેતાઓ પણ ગુસ્સે છે. ભાજપના નેતા વજુભાઈ વાળાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને તંત્ર પર તેમણે પ્રહારો પણ કર્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ રાજકોટ મહાનગર પાલિકા (RMC)પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સ્ટ્ર્ક્ચર ઉભું કરવું હોય તો પાલિકાની મંજૂરી તો જોઈએ. પાલિકાએ આ ભૂલ સ્વીકારવી જોઈએ. રેસિડેન્શીયલ વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવાની જવાબદારી પાલિકાની છે. પહેલા થયેલી ભૂલને નહીં સ્વીકારીએ તો આનું પુનરાવર્તન થતું જ રહેશે, ઓફિસરો સામે પણ પગલા લો. એવું ન કહેવાય કે મંજૂરી નથી આપી એટલે અમારો કોઈ રોલ નથી, મંજૂરી નહોતી છતા ગેમ ઝોનનો હતું ને,તો ધ્યાન શું રાખ્યું છે?

તેમણે ઝાટકણી કાઢતા કહ્યું કે, હું હોવ તો એવી સજા ફટકારું તો એની 7 પેઢી યાદ કરે અને કોઈપણ માણસ આવું કામ કરતા પહેલા સાત વાર વિચારે.

રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે, આગ વીજ કારણોસર લાગી હતી. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી NOC મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.

શનિવારે સાંજે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે, અચાનક ત્યાંના સ્ટાફે આવીને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર પછી ત્યાંથી તમામ લોકો બહાર દોડી આવ્યા હતા પરંતુ કેટલાક લોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.

TRP ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે, આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. આજે એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, 'ગેમ ઝોનમાં આગ લાગવા અંગે સાંજે સાડા ચાર વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગને કારણે માળખું ધરાશાયી થયું હતું, જેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઉનાળાની રજાઓ અને વીકએન્ડના કારણે બાળકો સહિત અનેક લોકો ગેમ રમી રહ્યા હતા અને ઘટનાસ્થળે હાજર હતા.'

આગ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે અને શહેરના તમામ ગેમિંગ એરિયામાં કામગીરી બંધ કરવા માટે સંદેશો મોકલી આપવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp