ભાજપમાં જવાનું મારું મન નથી એવું કહેનારા કનુ લસરિયાએ હવે પલટી મારી

PC: twitter.com/dr_kalsaria

ગુજરાતમાં ભાજપનો ભરતી મેળો ચાલે છે અને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. હજુ બે દિવસ પહેલાં જ કલસરિયાએ એવું કીધું હતું કે ભાજપમાં જોડાવવા મારું મન માનતું નથી. હવે તેમણે પલટી મારી છે. તેમણે કહ્યું કે, જો મને ચૂંટણી લડાવે તો હું ભાજપમાં જવા તૈયાર છું. સિનિયર નેતા કનુ કલસરિયાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરેલો છે.

કનુ કલસરિયા મૂળ ભાજપના છે, પરંતુ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આમ આદમી પાર્ટીમાં મન ભરાઇ ગયા પછી કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેમની ફરી ઘર વાપસીની ચર્ચા ચાલી રહી છે.

કનુ કલસરિયાએ બે દિવસ પહેલાં ભાવનગરની એક સભામાં કહ્યું હતું કે, હું છેલ્લાં ચારેક મહિનાથી કોઇ પણ પાર્ટી સાથે જોડાયેલો નથી. તેમણે કહ્યું કે, ભાજપના આગેવાનોએ મારી સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ ભાજપમાં જવાનું મારું મન માનતું નથી. ખેડુતોના હિતની વાતો કરતા હોય તે પાર્ટીમા જાઉં. એટલે મેં ભાજપમાં જવાનું માંડી વાળ્યું છે. હવે તેમણે પોતાના જ નિવેદન પર પલટી મારીને કહ્યું છે કે, જો મને ચૂંટણી લડાવે તો ભાજપમાં જાઉં.

કલસરિયાએ કહ્યું કે, મારા ઘણા હિતેચ્છુ મને કહેતા કે તમે લોક કલ્યાણના કામો કરો છો તો સત્તા વાળી પાર્ટીમાં જાઓ તો તમારા કામ જલ્દી થાય. લોકોના કામ કરવા માટે સત્તા હોવી જરૂરી છે. એટલે વિચારુ છુ કે ચૂંટણી લડાવે તો ભાજપમાં એન્ટ્રી કરી શકું.

ભાજપમાં જવાની જેમની ઘણા દિવસોથી ચર્ચા ચાલતી હતી તેવા કનુ કલસરિયા કોણ છે તે પણ તમને જણાવીએ. ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર 1998થી સતત 3 વખત ભાજપના ધારાસભ્ય રહેલા ડો. કનુ કલસરિયા વ્યવસાયે ડોકટર છે અને તેમણે એત તબીબ તરીકે ગામડાના અનેક લોકોની સેવા કરેલી છે.

વર્ષ 2008માં કનુ કલસરિયાએ નિરમાના સિમેન્ટ પ્લાન્ટનો જબરદસ્ત વિરોધ કરેલો. તે વખતે ભાજપની સરકાર હતી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતી. કલસરિયાએ પોતાની જ સરકાર સામે મોરચો માંડેલો. મહુવાના સમઢિયાળામાં નિરમાના સિમેન્ટ પ્લાન્ટને મંજૂરી મળેલી. તેમણે લાંબી લડત આપી હતી. એ પછી વર્ષ 2014માં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી અપાવવા માટે કલસરિયાનો ફાળો ઘણો મોટો છે. જો કે, વર્ષ 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp