કંઇ હદ સુધી થશે ભષ્ટાચાર? હવે વિદ્યાર્થીઓની શાળામાંથી કરાશે કટકી

PC: timesofindia.indiatimes.com

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બોદાનાનેસ ગામમાં નવી શાળાના બિલ્ડીંગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તા વાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. નબળું બાંધકામ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે શાળાના બાંધકામને ગામલોકો દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં જો જવાબદાર સામે પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમોની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

પાલીતાણા તાલુકાના બોદાનાનેસ અટલે કે કદંબગીરી ગામમાં શાળાના બિલ્ડીંગની માંગને લઈને સરકાર દ્વારા શાળા માટે નવી બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ શરૂઆતથી જ આ શાળાના બિલ્ડિંગના કામમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ આભડી ગયો હોય તેમ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા નજરે દેખાય તેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

આ બિલ્ડિંગના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે. સિમેન્ટ, રેતી અને લોખંડ વાપરવાનું હોય તે મુજબ વાપરવામાં આવતું નથી. જે બીમ કોલમ ઊભા કરવામાં આવ્યા છે તેમાં તેમજ સ્લેબમાં લોખંડના સળિયા સામે દેખાઈ રહ્યા છે. ત્યારે તેની મજબૂતી કેટલી અને ભવિષ્ય કેવું તે વિચારી શકાય.

બિલ્ડીંગની કામગીરી જોઈને ગામલોકોએ કામગીરી બંધ કરાવી અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટરે ખૂબ જ નફ્ફટાઈથી કહી દીધું કે, જે કરવું હોય તે કરો, જેને ફરિયાદ કરવી હોય તેને કરો. તેવો આરોપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. જો કે આમ છતા ગામલોકો અને સરપંચ દ્વારા કલેકટરથી લઈ ઉપરી અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છતા નબળું બાંધકામ થઈ રહ્યું.

જો કે આખરે કંટાળેલા ગામલોકોએ ભેગા મળીને ચાલી રહેલું નબળું બાંધકામ બંધ કરાવાની ફરજ પડી. અને ઉચ્ચ અધિકારીઓ આ બાંધકામને લઈને તપાસ કરે તાવી માંગણી કરી રહ્યા છે. તો સાથે જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. તો જોવું એ રહ્યું કે, શિક્ષણને પ્રધાનતા આપતું તંત્ર આખરે આ શાળાના નબળા બાંધકામને લઈને કેવા પગલાં ભરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp