સૌરાષ્ટ્રમાં દોઢ વર્ષમાં 254 કરોડની વીજ ચોરી પકડાયા બાદ PGVCL આ રીતે ચોરી પકડશે
PGVCLએ છેલ્લા દોઢ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં લગભગ 254 કરોડ રૂપિયા કરતા વધુની વીજ ચોરી પકડી છે. સૌથી વધુ વીજ ચોરી અંજાર થાય છે, તેવું સામે આવ્યું છે. હવે PGVCLએ દરેક જગ્યાએ ડ્રોનથી વીજ ચોરી પકડવાની ફુલપ્રૂફ યોજના બનાવવામાં આવી છે. એ સિવાય વીજ મીટરના GPS મેપિંગના માધ્યમથી વીજળીની ચોરી પકડવાની પણ યોજની છે. વીજ ચોરી કરતા રોકવા PGVCLએ નવું નેટવર્ક ઊભું કર્યું છે. સાથે જ આખા વિસ્તારના 59 લાખ ગ્રાહકોના મીટરનું GPS મેપિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેની 90 ટકા કામગીરી પૂર્ણ થતા હવે કોઇ ગ્રાહક વીજ ચોરી કરશે તો તેની સીધી માહિતી હેડ ઓફિસે મળી જાશે.
રાજકોટ PGVCLએ રાજકોટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને 12 સર્કલમાં વીજ ચોરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં છેલ્લા દોઢ વર્ષના 254 કરોડ કરતા વધુની વીજ ચોરી પકડાઇ છે, જેમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 5 લાખ 7 હજાર 632 વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 81 હજાર 999 વીજ મીટરમાં ચોરીની જાણકારી મળતા 25382.11 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે એપ્રિલ 2024થી ઑગસ્ટ 2024 સુધીમાં 1 લાખ 13 હજાર 396 વીજ મીટર ચેક કરાયા હતા, જેમાંથી 13 હજાર 636 વીજ મીટરમાં ચોરીવી જાણકારી મળતા 6727.46 લાખ રૂપિયાનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી હતી.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પાવરલોસ ઘટાડવા માટે કોર્પોરેટ કચેરીએ હાઇ લેવલની બેઠક મળી હતી, જેમાં PGVCL દ્વારા ચેકિંગ ટીમોને માસ્ટર પ્લાન તૈયાર કરીને આગામી દિવસોમાં દરોડા અને વીજચોરીનું અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરી હાઇ-લોસવાળા ક્ષેત્રો, ગામો, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોની જુદી જ યાદી તૈયાર કરવામાં આવી છે. વીજ કંપનીએ કયા ફીડરમાં કેટલો લોસ અને લોડ છે તેવા ફીડરોની જાણકારી ભેગી કરી હતી, જેથી આ પ્રકારના ફીડરોમાં લોસ ઘટાડવા માટે નવી ટેક્નિકની મદદથી શું કરી શકાય તે અંગે ચર્ચા કરાઇ હતી. વીજ કંપનીએ જણાવ્યું હતું કે વીજ ચોરીને પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
નોંધનીય છે કે PGVCL અગાઉ કચ્છમાં વીજ ચોરી પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી ચૂકી છે. આ દરમિયાન હવે વધતી જતી વીજ ચોરી પકડવા માટે રાજકોટ શહેર, ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રમા ડ્રોનની મદદથી વીજ ચોરી પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. એ સિવાય જ્યાં સૌથી વધુ વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામા આવશે.
PGVCL કાશી મોડલ અપનાવીને હવે અપગ્રેડ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાઇવેટ પ્રોજેક્ટના ભાગરૂપે હવે રાજકોટ અને ગાંધીનગરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરાશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવાની યોજની છે. જો એમ થશે તો વીજ ચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બની જશે અને વીજ ધારકોની વીજ સંબંધિત સમસ્યાનું કાયમી સમાધાન થઇ જશે. PGVCL હવે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કાશી મોડેલ જેમ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવા જઇ રહ્યુ છે.
અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાના આ પ્રોજેક્ટમાં પ્રાથમિક ધોરણે રાજકોટ અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટના 2 રાજમાર્ગ સહિત 8 વિસ્તારમાં 1,223 કરોડ રૂપિયાના ખર્ચે 1 હજાર કિલોમીટરનું, તો ગાંધીધામમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે 400 કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.
જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામે આવતી સૌથી વધુ વીજ ચોરીની ઘટનાઓ પર રોક લાગી જશે, તેમજ ભારે પવન સાથે વરસાદ કે વાવાઝોડાના સમયે વીજળી જતી રહેવાની સમસ્યા ન બરાબર થઇ જશે. વીજ પોલ પડી જવાની તેમજ ટ્રાંન્સફોર્મર બંધ થવાની ઘટનાઓ જ ન બનતા PGVCLની કામગીરી પણ ઘટી જશે અને મેઇન્ટેનન્સ પાછળ થતા ખર્ચનો પણ બચાવ થશે.
વીજ પોલ પરના જીવતા વીજ તારોને ભૂલથી અડી જતા લોકો અને વીજ પોલ રિપેરિંગ કરવા વીજ કર્મીઓના મોતની ઘટનાઓ પણ બંધ થઇ જશે. નોંધનીય છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં મુખ્ય વીજ લાઇન સાથે અન્ય પેરેલલ બીજી સ્પેરમાં લાઇન પણ નાખવામાં આવશે કારણ કે મુખ્ય લાઇનમાં મેજર ફોલ્ટ થાય તો અન્ય સમાન્તર લાઇન એક્ટિવ કરી થોડા જ સમયમાં વીજ પુરવઠો ચાલુ કરી શકાશે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આખા રાજકોટ શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવા માટે 7,000 કરોડ રૂપિયાનું પ્રપોઝલ કેન્દ્ર સરકાર સામે મુકવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp