દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવાનો PM નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે: રૂપાલા

PC: Khabarchhe.com

કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં ‘સાગર પરિક્રમા પુસ્તક તથા વીડિયો’ લોન્ચ કર્યો હતો. અને દેશના વિવિધ રાજ્યોના દરિયામાં 7986 કિલોમીટરની પોતે કરેલી ‘સાગર પરિક્રમા’ની ફલશ્રુતિ વર્ણવી હતી. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રાલયના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્યોના સહયોગ અને જહેમતથી આ સાગર પરિક્રમા સંપન્ન થઈ છે. જે દરમિયાન દેશના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોની મુશ્કેલી જાણવા મળી છે. આ ‘સાગર પરિક્રમા’ એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતો. 44 દિવસની આ યાત્રામાં તમામ રાજ્ય સરકારો, માછીમાર એસોસિએશન તેમજ સમુદાયનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. આ માટે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.

મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, અનેક જગ્યાઓએ માછીમારોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો છે. તથા કેન્દ્ર સરકારે માછીમારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે અમલી બનાવેલી યોજનાઓ જેવી કે PM મત્સ્ય સંપદા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી દેશના તમામ માછીમાર સમુદાયો અને એસોસિએશન સુધી પહોંચાડવા અધિકારીઓને સૂચના પણ આપી છે.

આ તકે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો કે, દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવાનો PM નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે, ત્યારે 21મી સદીમાં બ્લૂ રિવોલ્યૂશન ખૂબ મહત્વનું છે. આ આ દિશામાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાએ ‘સાગર પરિક્રમા’ થકી ભગીરથ પુરુષાર્થ કર્યો છે. ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે રૂ. 1300 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. તથા ડીપ-સી ફિશિંગ, કેજ કલ્ચર પ્રોસેસિંગ અને અન્ય અનેક યોજનાઓમાં સબસિડી સ્વરૂપે માછીમારોને મળતી સહાયના કારણે મત્સ્ય ઉત્પાદન વધ્યું છે.

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ કહ્યું હતું કે, પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ મંત્રીએ દેશના કુલ 8118 કિલોમીટરના દરિયાઈ માર્ગમાંથી 7986 કિલોમીટરની સાગર પરિક્રમા કરી છે. ગરીબોના ઉદ્ધારના સિદ્ધાંત સાથે શરૂ કરાયેલી આ ‘સાગર પરિક્રમા’ સૌ માટે પ્રેરણારૂપ છે.

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રાલયના સંયુક્ત સચિવ નીતુકુમારી પ્રસાદે ‘સાગર પરિક્રમા’ની ભૂમિકા આપતાં કહ્યું હતું કે, દેશના મત્સ્યોદ્યોગની ક્ષમતા પારખતા PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં મત્સ્ય, પશુપાલન મંત્રાલયની સ્થાપના કરી હતી. દેશભરના માછીમારો, મત્સ્ય ઉત્પાદકો સાથે સીધો સંપર્ક-સંવાદ સ્થાપિત કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ માર્ચ 2022માં ગુજરાતના માંડવીથી આ પરિક્રમા શરૂ કરી હતી અને પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં વિરામ પામી હતી. આ દરમિયાન દેશના સાગરકાંઠાના 82માંથી 80 જિલ્લા, 3477 ગામોમાંથી 3071 ગામો અને દેશના 8118 કિલોમીટર સમુદ્રી ક્ષેત્રમાંથી 7986 કિલોમીટરની યાત્રા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp