PMએ રેખાબેનને કહ્યું- મને ક્યારેક ચા-પાણી, ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરવા તો બોલાવો
PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન PMએ PM આવાસ યોજના (PMએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
PM નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરબી જિલ્લાના નાના ખિજડિયાના લાભાર્થી ગીતાબેન છગનભાઈ ચૌહાણ સાથે વાત કરી હતી. ગીતાબેન અને પરિવારજનોએ પણ PM મોદી સાથે વાતચીત કરવાની તક મળવાની ખુશી વ્યક્ત કરી હતી.
PM સાથે વાતચીત કરતા ગીતાબેને કહ્યું હતું, ‘મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો, PM આવાસ યોજના અંતર્ગત મારું મકાન બન્યું છે અને અમે ખુશીથી રહીએ છીએ. મારો દીકરો શિક્ષક છે અને એક દીકરી ડેન્ટલનો કોર્સ કરી રહી છે અને ઘરનું ઘર બનતા હવે તો દીકરીના માગા પણ સારી જગ્યાએથી આવવા લાગ્યા છે.’
દરમિયાન PM મોદીએ કહ્યું કે ગીતાબેન, તમે તમારા બાળકોને ભણાવીને જે કામ કર્યુ એ તમારા ભવિષ્યનો પાયો છે.
ગીતાબેને વધુમાં ભારત સરકારનો આભાર માનતા કહ્યું હતું કે સરકાર તરફથી રાશન, પાણી, આયુષ્માન કાર્ડની સુવિધા મળી છે. એટલું જ નહીં, અનાજ પણ સરકાર તરફથી નક્કી કર્યા મુજબ મફતમાં મળે છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે.
અગાઉ કાચા મકાનમાં રહેતા હતા, હવે સરકારની મદદથી ઘરના ઘરનું સપનું પુરું થયુઃ વાપીના હેમાબેન પટેલ
PM મોદીએ વાપીના હેમાબેન જગદીશ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. એ દરમિયાન હેમાબેને ખુશાલી વ્યક્ત કરતા કહ્યું હતું કે સૌને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે અને આજે એ સ્વપ્ન પુરુ થયું છે. હેમાબેને કહ્યું, ‘અગાઉ કાચા મકાનમાં રહેતા અને ખૂબ મુશ્કેલી પડતી હતી. આજે PM આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર બની જતા દીકરી માટે માગા સારા આવવા લાગ્યા છે અને પરિવારજનો ખૂબ ખુશ છે.’
PM મોદીએ પૂછતા હેમાબેને કહ્યું હતું કે રાશન પણ મફતમાં સરકાર તરફથી મળી રહ્યું છે. દરમિયાન PM મોદીએ હેમાબેનને કહ્યું કે આટલું તમને સમાજે આપ્યું છે તો તમે સમાજને શું આપી શકો. PM મોદીએ કહ્યું કે આપણને સમાજે આટલું આપ્યું તો આપણે પણ ગરીબો માટે શક્તિ બનીને ઊભા રહેવું જોઈએ. આમ કરશો તો મારી પણ તાકાત પણ વધશે, તમે મને એમાં મદદ કરજો.
ભાડાના મકાનમાંથી ઘરના ઘરમાં રહેવા આવ્યાથી ખૂબ ખુશ છીએઃ રાજકોટના લાભાર્થી રેખાબેન
રાજકોટના લાભાર્થી રેખાબેન અનિલ ચૌહાણ સાથે PM મોદીએ એકદમ હળવાશથી વાત કરી હતી અને કહ્યું હતું કે મને ક્યારેક ચા-પાણી અને ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરવા તો બોલાવો ત્યારે રેખાબેને કહ્યું કે આપ ગમે ત્યારે અમારા નવા ઘરે પધારો.
લાભાર્થી રેખાબેને કહ્યું હતું, ‘અમે માયાણીમાં ભાડે રહેતા હતા અને હવે ઘરનું ઘર મળ્યું છે. આયુષ્માન, આભા કાર્ડનો લાભ મળ્યો છે. હું ઈમિટેશનનું કામ ઘરેથી કરું છું.’ રોજ 250 રૂ.નું કામ કરતા રેખાબેને કહ્યું કે PM આવાસ યોજનાના લાભથી ખૂબ મદદ મળી છે. 3 લાખ રૂપિયાની આર્થિક મદદ પણ મળી છે. આવી સુવિધા મળશે એનો સપનેય ખ્યાલ નહોતો. ઈ-શ્રમ કાર્ડ અને રાશન કાર્ડનો પણ લાભ મળ્યો છે. મારા બે દીકરા ઓટોપાર્ટ્સનું કામ કરે છે.
અગાઉ ઝૂંપડામાં રહેતા હતા, હવે સરકારે પાકું મસ્ત મકાન આપતા ખુશ છીએઃ બનાસકાંઠાના કુંભારિયા ગામના લાભાર્થી આશાબેન ભરથરી
PM મોદીએ બનાસકાંઠાના કુંભારિયા ગામના લાભાર્થી આશાબેન ભેરાભાઈ ભરથરી સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન આશાબેને કહ્યું હતું કે અમે અગાઉ ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા, હવે પાકા મકાનમાં રહીએ છીએ અને ખૂબ આનંદથી રહીએ છીએ. ખૂબ મસ્ત મકાન બન્યું છે.
દરમિયાન PMએ પુછ્યું કે ભરથરી ભાઈઓ બધા રાવણહથ્થો વગાડે છે કે કેમ અને એમ કરીને એક યુવકને રાવણહથ્થો સંભળાવવા કહ્યું હતું. એ પછી ફરી લાભાર્થી આશાબેન સાથે વાતચીત શરૂ કરી હતી. એ દરમિયાન આશાબેને કહ્યું કે સરકારી યોજનાઓના લાભ મળ્યા છે, પાણી, ગેસની સુવિધા પણ મળી છે. PMએ એમ પણ પૂછ્યું કે એ માટે કોઈને પૈસા આપવા પડ્યા તો આશા બેને કહ્યું કે ના, આ યોજનાઓનો લાભ મેળવવા માટે એક પણ પૈસો કોઈને આપવો પડ્યો નથી. ત્યારે PMએ આ સાથે આશાબેને કહ્યું હતું કે તમારા વિસ્તારમાં વૃક્ષો ઓછા છે તો વૃક્ષો વાવવામાં મદદ કરજો.
કાચા મકાનમાં વરસાદ વખતે પાણી પડતા તકલીફ થતી, આજે પાકું મકાન મળતા ખુશ છીએઃ જાલોતરાના લાભાર્થી અલકાબેન
બનાસકાંઠાના જાલોતરા ગામના લાભાર્થી અલકા મહેશ બારોટે PM મોદી સાથે વાતચીત દરમિયાન ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે અગાઉ કાચા મકાનમાં રહેતા. વરસાદ વખતે ખૂબ તકલીફ પડતી. ઘરમાં પાણી પડતું ને અનાજ ખરાબ થતું, ખૂબ નુકસાન થતું પરંતુ હવે PM આવાસ યોજનામાં ઘરનું ઘર બન્યું. સરકાર તરફથી 1.20 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ મળી છે. સપનાનું ઘર મળતા અમે ખૂબ ખુશ છીએ.
અલકાબેને કહ્યું હતું કે ગેસ જોડાણ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડની સુવિધા પણ મળી છે.
દરમિયાન, PM મોદીએ જનઔષધિ કેન્દ્રો વિશે પણ લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. PM મોદીએ સ્ત્રી શક્તિ કેન્દ્રમાં બહેનોને વિવિધ કામ શીખવા મળે છે અને એમ આવક મેળવી રહી છે એ જાણીને ખુશી વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp