રાજકોટના 100થી વધુ મંદિરોમાં લાગ્યા પોસ્ટર–ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું

PC: gujarati.news18.com

મંદિર પવિત્ર સ્થળ છે, ત્યાં મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. આજના સમયમાં મંદિરોમાં પણ મર્યાદા ન જળવાતી હોય તેમ જોવા મળતું હોય છે. ત્યારે હવે રાજકોટમાં વિભિન્ન મંદિરોમાં કપડાંઓ મામલે મર્યાદામાં રહેવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કેટલાક યુવાનો કપડાની ફેશનમાં માન મર્યાદા ભૂલવા લાગ્યા છે, ત્યારે હવે એવી નોબત આવી ગઇ છે કે, રાજકોટના મંદિરોમાં પણ સૂચના સાથેના પોસ્ટરો લગાવવાની નોબત આવી ગઇ છે.

શહેરમાં ‘ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં ન પ્રવેશ કરવો’ જેવા પોસ્ટરો 100 કરતા વધુ મંદિરોમાં લાગ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘કડક સૂચના, મંદિર પરિષદની જગ્યામાં કોઇ પણ વ્યક્તિએ ટૂંકા વસ્ત્રો જેમ કેસ કેપ્રિ, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહીં કરવો.’ આ પોસ્ટર સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે.

પોસ્ટર લગાવનારા કાર્યકરોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણાં સમયથી વિભિન્ન મંદિરોમાં જઈને ધ્યાન રાખી રહ્યા હતા કે, મંદિરમાં મર્યાદા જળવાય છે કે નહીં. જો કે, તેમને ઘણી જગ્યાએ મંદિરમાં મર્યાદા ન જળવાતી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ પંચનાથ મંદિરના સંચાલકે જણાવ્યું કે, યુવાનોની આ કામગીરી પ્રશંસનીય છે. તેમણે પણ મંદિરમાં આ પોસ્ટર મારવાની મંજૂરી આપી હતી.

મંદિરમાં આવતા ભક્તોએ પણ કહ્યું હતું કે, મંદિર એ પવિત્ર જગ્યા છે, કોઈ ફરવાલાયક સ્થળ નથી. અહીં આવતા ભક્તોએ ખાસ કપડાંની મર્યાદા જાળવવી જ જોઈએ. એક સમય હતો કે, લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન-મર્યાદા જળવાય રહે એમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું ખાસ ધ્યાન રાખતા. જો કે, બદલાતા સમય સાથે પહેરવેશમાં પણ અવનવી ફેશન આવી. તેમાં પણ ખાસ કરીને આજકાલના યુવાનો પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીને ટૂંકા વસ્ત્ર વધારે પહેરવાનો પસંદ કરી રહ્યું છે. ત્યારે હવે રાજકોટના વિભિન્ન મંદિરોમાં પણ પોસ્ટરો લાગ્યા છે.

આ અંગે ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ જણાવ્યું હતું કે, અનાદિકાળથી જે પરંપરા ચાલતી આવી છે તે પરંપરાને આપણે જાળવી રાખી, ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ભારતીય વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. તેનાથી આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બનશે. મોર્ડન જમાનાની બહેનો એવું કહેતી હોય કે, ટૂંકા વસ્ત્રો પહેરવાથી શું થાય, પરંતુ ટૂંકા કપડા પહેરવાથી માણસની દૃષ્ટિ પણ વિકારિત થતી હોય છે. ભક્તિમાર્ગ પણ વિધ્ન આવે છે. તેથી પરંપરાને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ. વસ્ત્રો ટૂંકા પહેરવાથી લોકોની દૃષ્ટિ વિકારિત બને છે. સાધના માર્ગમાં પણ વિધ્ન આવે છે. ધોતી-સાડીમાં પૂજા કરવાથી તેની ઉર્જા અલગ હોય છે. વસ્ત્રોનો પણ પ્રભાવ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp