સત્તામાં આવ્યા તો અમે કરાવીશું સંપત્તિની વહેચણીનો સરવેઃ રાહુલનું નવું વચન

PC: twitter.com/RahulGandhi

તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના 'જીતની આબાદી ઉતના હક'ના નારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે એક નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરાવશે એ જાણવા માટે કે દેશની મોટાભાગની સંપત્તિ પર કોનું નિયંત્રણ છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા પછી તેલંગણામાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, જો અમારી પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ વસ્તગણતરી ઉપરાંત વેલ્થ સર્વે પણ કરાવશે.તાજેતરમાં જ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં 25 ગેરંટી આપવાની વાત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતી સમુદાયમાંથી કેટલા લોકો છે તે નિર્ધારિત કરવા માટે અમે સૌપ્રથમ દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરીશું. તે પછી, સંપત્તિના સમાન વિતરણની ખાતરી કરવા માટે એક ઐતિહાસિક પગલામાં, અમે નાણાકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ પણ કરાવીશું. પાર્ટી તમામ ક્ષેત્રોમાં તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે તે વાત પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે તે લોકોને તેમનો યોગ્ય હિસ્સો અપાવે.

રાહુલ ગાંધીએ કહ્યું કે SC, ST, OBC અને લઘુમતીઓની સંખ્યા દેશની કુલ વસ્તીના 90 ટકા છે. તેમણે કહ્યું, પણ, તમે તેમને નોકરીમાં જોશો નહીં. સત્ય એ છે કે આ વસ્તીના 90 ટકા લોકો પાસે કોઈ હિસ્સો નથી. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યુ કે,90 IAS અધિકારીઓ છે જે દેશનો વહીવટ ચલાવે છે. પરંતુ તેમાંથી માત્ર 3 OBC,1 આદિવાસી અને 3 દલિત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશની સંપત્તિ, નોકરીઓ અને અન્ય જન કલ્યાણ યોજનાઓને સમુદાયોની વસ્તી અનુસાર વ્હેંચવાનું કામ કરશે.

કોંગ્રેસે શુક્રવારે ન્યાયના પાંચ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેના મેનિફેસ્ટોમાં, પાર્ટીએ દેશમાં OBCના પ્રતિનિધિત્વને મજબૂત કરવા જાતિની વસ્તી ગણતરી અને અન્ય પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેલંગાણામાં 17 લોકસભા સીટો માટે 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. તેલંગાણામાં જ્યાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે જ જગ્યાએ સોનિયા ગાંધીએ ગયા વર્ષે કોંગ્રેસની 6 ગેરંટીની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp