રાજકોટમાં શ્રાવણમાં લીધેલા ફરાળી લોટના નમૂનાનો મહિનાઓ પછી આવ્યો ફેઈલ રિપોર્ટ

PC: purewow.com

ભેળસેળિયાઓ દ્વારા લોકોની આસ્થા સાથે ચેડાં કર્યા હોવાનું સામે આવ્યુ છે. તો શ્રાવણમાં ઉપવાસનો અનેરો મહિમા હોવાથી હજારો લોકો ઉપવાસ કરે છે, પરંતુ ભેળસેળિયા તત્વોના કારણે ઉપવાસ કરનારાઓને નથી મળતું ઉપવાસનું ફળ. રાજકોટથી સામે આવેલા એક રિપોર્ટે ઉપવાસીઓને તો આઘાત પહોંચાડ્યો છે. સાથે જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં લેવામાં આવેલા ફરાળી લોટના નમુના પરીક્ષણમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે.

ફરાળી પેટીસના લોટમાં પણ મકાઈનો લોટ મળી આવ્યો હતો. ત્યારે સવાલએ પણ થાય છે કે, વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોની આસ્થા સામે ચેડાં કરવામાં આવે છે. તો તંત્ર સામે પણ અનેક સવાલો થઇ રહ્યા છે. રાજકોટના રૈયા રોડ પરથી લેવામાં આવેલા ફરાળી પેટીસના લોટના નમૂનામાં મકાઈના સ્ટાર્ચની હાજરી જોવા મળી છે. જેથી તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે જ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કેસર શ્રીખંડનો નમુના પણ તપાસમાં ફેઇલ થયો છે. શિખંડમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી છે. તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ નિયમો કરતા ઓછું હોવાના કારણે નમૂનાને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા મનહર પ્લોટ-10મા મંગળા મેઇન રોડ પર આવેલા ‘મંત્ર મહેલ’ નામની દુકાનમાં મોહિતભાઈ ખીમજીભાઇ પરમાર પાસેથી ફરાળી લોટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેની તપાસ કરાવતા તેમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. રૈયા રોડ પર નાગરિક બેંક સામે રેડિયન્સ અપાર્ટમેન્ટમાં આવેલ રાધે કેટરર્સમાં પણ ધંધાર્થી ચેતનભાઈ નવીનચંદ્ર પારેખ પાસેથી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ફરાળી લોટનો નમૂનો લેવાયો હતો. જેના રિપોર્ટમાં પણ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

આમ ચાર નમૂના રિપોર્ટમાં ફેલ થતા તમામ એકમો વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા એજ્યૂડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચનાર ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. એ સિવાય વિમલ નમકીન, રાધે કેટરર્સ, RS ગૃહ ઉદ્યોગના નમૂનાઓ પણ ફેઇલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી લેબમાં ટેસ્ટ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા, પરંતુ લેબમાં વર્કલોડના કારણે ટેસ્ટનો રિપોર્ટ આવવામાં વિલંબ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp