શ્રી ખોડલધામ ટ્રસ્ટ આ જગ્યાએ બનાવશે કેન્સર હોસ્પિટલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ.. જે અંતર્ગત આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું છે.
21 જાન્યુઆરી, 2024ના રોજ અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. આ ભૂમિપૂજન સમારોહ શ્રી ખોડલધામ મંદિરેથી વર્ચ્યૂઅલી સવારે 7.00 કલાકથી કરવામાં આવશે. જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 9.30 થી બપોરના 11.30 સુધી રહેશે.
આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર-ઘર સુધી પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આગામી તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ દેવાધિ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરશે અને 6 જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન નરેશ પટેલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન નરેશ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા શ્રી ખોડલધામ પરિવારના તમામ ભાઇઓ-બહેનોને રૂબરૂ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગે માહિતગાર કરશે અને દાતાઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્વાન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp