છેવાડાના નાગરિક સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની નેમ છે: CM ભૂપેન્દ્ર પટેલ

PC: twitter.com

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ 10 દિવસીય જળ ઉત્સવ 2023ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ જ જીવન છે. જળ વગર ખેતીવાડી, પશુપંખી, જીવસૃષ્ટિ, સચરાચરની કલ્પના થઈ શકે નહીં. આગામી દિવસોમાં રાજ્યને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો CMનો સંકલ્પ છે. આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજા પ્રદેશની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે.

અમરેલીમાં થયેલા જળસંચયના ભગીરથ કાર્યને ટૂરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો વિચાર વ્યક્ત કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે, અહીં સરકારી ખરાબાની જમીન પરથી બાવળ દૂર કરીને વિવિધ વૃક્ષો ઉછેરીને જંગલને હર્યું ભર્યું બનાવવાનું કાર્ય કરી શકીએ. જેનાથી વરસાદ વધશે. સાથે પર્યાવરણ પણ સુધરશે.

રાજ્યપાલે કહ્યું હતું કે, વિકસિત રાજ્યની સંકલ્પના સાકાર કરવા ઔદ્યોગિક ક્રાંતિની ઝડપ વધારવામાં આવશે. તેનો આધાર વીજળી અને પાણી છે. તેના અભાવને કાયમ માટે રાજ્યમાંથી દૂર કરવામાં આવશે.

આ અવસરે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે, તેવું સરસ આયોજન રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થયું છે.

CMએ કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. નરેન્દ્ર મોદી CM બન્યા પછી નર્મદાના પાણીનો એવો ઉપયોગ થયો છે કે, ગુજરાત હરિયાળું બન્યું છે. એ પછી રાજ્યમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા ઊભી કરી છે. સેવા અને સુશાસન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર રહ્યો છે.

CMએ કહ્યું હતું કે, 2006માં ધોરડોમાં રણોત્સવના પ્રારંભ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અહીં દેશ દુનિયાના લોકો આવશે. હાલમાં જ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટૂરિઝમ જાહેર કર્યું છે. અહીં પણ જળ ઉત્સવ શરૂ થયો છે ત્યારે અનેક લોકો અહીં આવશે. CMએ કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. આ માટે નાનામાં નાના, છેવાડાના માણસને સરકારી મળવાપાત્ર બધી યોજનાઓનો લાભ મળે તેવા સેચ્યુરેશન પોઈન્‍ટ સાકાર કરવાના પ્રયત્નો આ યાત્રામાં કરાઈ રહ્યા છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ ગુજરાત વિકસિત બનશે.

સરકારના પ્રયાસોના કારણે આજે લોકોને પાણી મળતું થયું છે પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ના સર્જાય તે માટે જળસંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની યોજના અમલમાં મુકી છે. જેને ગુજરાત સરકારે સાકાર કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જળ સંચય અને જળ સંરક્ષણ સાથે જળ જતન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીને પ્રસાદની જેમ વાપરવા કરેલા આગ્રહનો ઉલ્લેખ કરતા CMએ બધાને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની પણ અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp