TRP ગેમ ઝોનમાં કામ કરતી યુવતીના પિતાએ કહ્યું- એ મારી દીકરી નહીં, દીકરા જેવી હતી

PC: twitter.com

રાજકોટના નાના મવા ગામમાં આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે થયેલી ભીષણ આગની દુર્ઘટનામાં 32 લોકો બળીને ભડથું થઇ ગયા છે. કોઇકે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે તો કોઇ કે પોતાનો ભાઇ તો કોઇકે પરિવારના મોભીને ગુમાવ્યા છે. આ ઘટનાને આજે બીજો દિવસ થયો, પરંતુ જે લોકોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમના આંસુ હજુ રોકાતા નથી.પરિવારની એ સંવેદનાઓ બહેરાં કાનોને સંભળતી નથી. TRP ગેમ ઝોનમાં કામ કરતી એક યુવતીના પિતાએ કહ્યું કે, મારી દીકરી 7 મહિનાથી અહીં કામ કરતી હતી, પરંતુ હજુ અમને અમારી દીકરી મળી નથી. એ મારી દીકરી નહીં, પરંતુ મારા દીકરા જેવી હતી. આવી વેદના અનેક લોકોની છે કારણ કે આગની ગંભીરતા એટલી બધી હતી કે સ્વજનોના મૃતદેહો ઓળખતા પણ નથી. DNA ટેસ્ટ કરાવ્યા પછી સ્વજનોને મૃતદેહો મળશે.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના TRP ઝોનમાં આશા કાથળ નામની 19 વર્ષની યુવતી છેલ્લાં 7 મહિનાથી નોકરી કરતી હતી. આગની ઘટના પછી હજુ આશાનો કોઇ પત્તો લાગ્યો નથી. મીડિયા સાથેની વાતચીતમાં આશાના પિતાએ કહ્યું હતું કે, મારી દીકરી સાથે શનિવારે બપોરે સવા એક વાગ્યે ફોન આવ્યો હતો કે તમને મોબાઇલની જરૂર પડશે મારી પાસે આવીને મોબાઇલ લઇ જાવ. હુ સાંજે મોબાઇલ લેવા માટે TRP પહોંચ્યો તો મેં ધુમાડા જોયા હતા. મને ધ્રાસ્કો પડ્યો કે TRPમાં જ આગ લાગી લાગે છે. હું ભાગતો ગયો મેં ગેમ ઝોનમાં 3 ચક્કર માર્યા પરંતુ મારી દીકરી આશા મને ન મળી.પળવારમાં તો આખું ગેમ ઝોન ભસ્મીભૂત થઇ ગયું હતું.

પિતાએ ચોધાર આંસુએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, મારી દીકરીને બાળકો બહુ વ્હાલાં હતા અને મારા માટે તો એ દીકરા જેવી હતી.મારા પગ પર માથું રાખીને સુવાની તેને ટેવ હતી.પરિવારના લોકોએ કહ્યું તે, 24 કલાક થયા છતા હજુ આશાનો કોઇ પત્તો નથી, અમે DNA ટેસ્ટ કરાવ્યો છે.

આશાની માતાએ કહ્યું હતું કે, મારી દીકરી મારા ઘરે જ ખુશ રહી શકે. ભલે અમે ગરીબ છીએ, પરંતુ આશાને અમે ક્યારેય કોઇ વાતની આંચ આવવા દીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp