જામનગર તંત્રએ રેસ્ટોરાં સીલ મારેલું, માલિકોએ તોડી ધંધો ચાલુ કરી દીધો પછી...

PC: sandesh.com

રાજકોટમાં TRP ગેમ ઝોનની આગની ઘટના પછી ગુજરાત સરકારે કલેકટરોને આદેશ આપ્યા હતા કે મોલ, ગેમિંગ ઝોન, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો કે એવી તમામ જગ્યાઓ જ્યાં તપાસ કરીને જો ફાયર NOC ન લીધું હોય તો તાત્કાલિક ગુનો દાખલ કરવો.

સરકારના આદેશના પગલે દરેક શહેરોમાં તંત્ર કામે લાગી ગયું છે અને ઘણી બધી જગ્યાઓ સીલ કરી દેવામાં આવી રહી છે. જામનગરમાં પણ તંત્રએ કડક હાથે પગલાં લઇને હોટલ રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફુડની દુકાનો સીલ કરી દીધી છે. પરંતુ કેટલાંક એવા માથા ભારે લોકો પણ છે, જેમણે સીલની ઐસી તૈસી કરીને ફરી ધંધો ચાલું કરી દીધો હતો. જો કે, પોલીસે આવા લોકોની સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટની ગેમિંગ ઝોનની ઘટના પછી જામનગરમાં તંત્રએ 21 જેટલી રેસ્ટોરન્ટ, ફુડ શોપને સીલ મારી દીધા છે. જામનગરમાં ઠેબા ચોકડી નજીક આવેલા રેસ્ટોરન્ટના સંચાલકોએ સીલ તોડીને ધંધો શરૂ કરી દેતા પોલીસ સંચાલક સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળેલી વિગત મુજબ ફાયર NOC વગર ચાલતા ગેમ ઝોન, વોટર પાર્ક, મનોરંજન મેળા, સિનેમા હોલ, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ પર કાર્યવાહી કરવા માટે જામનગરના SP પ્રેમસુખ ડેલુ અને સિટી DY.SP. જયવીર સિંહ ઝાલાની સુચના મુજબ પોલીસે આ બધી જ્ગ્યાઓ પાલિકા કર્મચારીઓને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં બેઠક રેસ્ટોરન્ટ, રાધે રાધે ફાસ્ટ ફુડ, ખોડિયાર હોટલ, સનમ રેસ્ટોરન્ટ, વિજયરાજ ડિલક્સ હોટલ, વૃંદાવન રેસ્ટોરન્ટ,સુપર ફેમિલી રેસ્ટોરન્ટ સહિત અનેક જગ્યાએ પગલાં લીધા હતા અને તેમને સીલ મારી દીધા હતા.

ઠેબા રોડ પર આવેલી સુપર ફેમિલી રેસ્ટોરન્ટને પણ સીલ મારી દેવામાં આવી હતી, પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ જાતે જ સીલ તોડી નાંખ્યું હતું અને ધંધો પણ ચાલું કરી દીધો હતો. પાલિકાને જ્યારે જાણ થઇ તો જામનગર પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર નિતિન રવીશરણની ફરિયાદને આધારે પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકો જીતેન્દ્ર કગથરા, વિશાલ કોટલ અને વિરેન બોરા સામે ગુનો દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp