ગુજરાતમાં વધુ એક કૌભાંડ, મગફળી બાદ હવે તુવેરની બોરીઓમાંથી નીકળી માટી-કાંકરા

PC: facebook.com

રાજયમાં ગયા વર્ષે ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીની બોરીઓમાંથી માટી અને કાંકરા નીકળી આવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જૂનાગઢમાં તુવેરની બોરીઓમાંથી માટી-કાંકરા નીકળતા ખળભળાટ મચી ગયો છે. તુવેરની ખરીદી કરી નાફેડ દ્વારા ગોડાઉનમાં ભરવામાં આવી હતી.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની જેમાં જ તુવેરની ખરીદી કરવામાં આવી હતી. નાફેડ દ્વારા તુવેરની બોરીઓ ગોડાઉનમાં રાખવામાં આવી છે. માણાવદર ગોડાઉનમાં તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીઓએ તપાસ કરતા બોરીઓમાંથી માટી-કાંકરા અને હલકી ગુણવત્તાવાળી હોવાનું ખૂલ્યું હતું. જેથી વેપારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમજ માલ ઉપાડવાનો ઈન્કાર કરીને રિફન્ડની માંગણી કરતા સમગ્ર ઘટના સામે આવી છે.

એક વેપારીએ જણાવ્યું હતું કે, નાફેડ પાસેથી 85 ટકા તુવેરની ખરીદી કરી છે. આ માટે 35 લાખ પહેલાં જ ભરી દીધા છે. માલ સારો ન હોતો એટલે નાફેડની ડિસ્ટ્રિક્ટ ઓફિસનાં મેનેજરને ફોન કર્યો હતો. તેમણે મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી છે. માટી-કાંકરા પ્રોસેસિંગ માટેનાં મશીનો ને જ નુકસાન કરે, કચરો-નબળો માલ નિકળી જાય પછી વજન 85 ટનથી ઘટીને ક્યાંય ઓછું થઇ જાય, ટ્રકનાં ભાડાય ન નિકળે, જાહેર આરોગ્યને નુકસાન તો ખરુંજ, પ્રોસેસ થયેલો માલ પણ બગડી જઇ શકે.

ગયા વર્ષે સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી ખરીદીને ગોડાઉનમાં રાખી હતી. દરમિયાન રાજકોટના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ ઉપર કાબુ મેળવાયા બાદ તપાસ કરવામાં આવતા મગફળીની બોરીઓમાંથી માટી અને કાંકરા મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય મગફળીના ગોડાઉનમાં પણ આગ હતી. આ બનાવને પગલે ખળભળાટ મચી ગયો હતો. તેમજ સરકારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ કર્યા હતા. દરમિયાન જૂનાગઢમાં તુવેરની બોરીઓમાં માટી-કાંકરા મળી આવતા ચકચાર મચી ગયો છે. એટલું જ નહીં તુવેરની ખરીદીમાં કૌભાંડ થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp