ભાવનગરમાં ઉછીના લીધેલા 500 રૂપિયા ન ચૂકવ્યા તો 2 વર્ષની છોકરીને મારી નાખી

PC: gujarati.news18.com

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં જ્યાં વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોક દરબાર લગાવી રહી છે, તો બીજી તરફ રાજ્યના ભાવનગર જિલ્લાથી એક હૃદયકંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. 500 રૂપિયાનું દેવું ન ચૂકવવા પર એક ભિખારીએ પોતાના પાડોશીની 2 વર્ષની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી.

નિલમબાગ પોલીસે 62 વર્ષીય છગન પરમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કાન્તાબેન ચારોલિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેની દીકરી સોનલ 26 ડિસેમ્બરના રોજ ગુમ થઇ ગઇ હતી. CCTV કેમેરાની તપાસ કરવા દરમિયાન છોકરીને લઇ જતો છગન મળ્યો હતો. બંને પરિવાર ફૂટપાથ પર રહે છે. બુધવારે પોલીસે આરોપીને છોકરી બાબતે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન છગને પોલીસને જણાવ્યું કે, તેણે થોડા વર્ષ અગાઉ છોકરીની માતા કાન્તાબેનને 5,000 રૂપિયા ઉધાર આપ્યા હતા.

તેણે 4,500 રૂપિયા પાછા આપી દીધા હતા, પરંતુ બાકી 500 રૂપિયા ચૂકવી રહી નહોતી. તેના માટે બંને વચ્ચે મોટા ભાગે ઝઘડો થતો રહેતો હતો. એટલે બદલો લેવા માટે તેણે સોનલનું અપહરણ કર્યું. તેને નવા બંદર રોડ પાસે એક સૂમસામ જગ્યા પર લઇ ગયો અને પ્લાસ્ટિકના દોરડાથી ગળું દબાવીને હત્યા કરી દીધી અને શબને ઝાડીઓમાં નાખી દીધું. બુધવારે શબને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું. આરોપીને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરમાં હાલમાં જ રેન્જ IG અને SP દ્વારા લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ સામે વ્યાજ ખોરીની ફરિયાદ થતા જ કોન્સ્ટેબલ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોધાવી હતી અને પોલીસે ગણતરીની ક્ષણોમાં વ્યાજ ખોર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરમાં કોન્સ્ટેબલની ધરપકડ કરવાથી વ્યાજખોરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરના પોલીસ દ્વારા યોજાયેલા લોકસંવાદમાં લોકોએ નીડર થઇને વ્યાજ ખોરો સામે ફરિયાદ કરી હતી. સુરતમાં પણ પોલીસે વ્યાજ ખોર તરફ કડક પગલાં લઇ રહી છે. સુરતના અડાજણ પોલીસે 7 અને પાલ પોલીસે 3 વ્યાજખોર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. બીજી તરફ શહેરના અમરોલી, ઉતરાણ, જહાંગીપુરા પોલીસ પણ શરૂ કરશે તપાસ. પોલીસના અભિયાનથી લોકોની ફરિયાદ કરવાની હિંમત વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp