221KM રેન્જ, જબરદસ્ત ઝડપ! ખાસ ફીચર્સ સાથે આ 'ઈલેક્ટ્રિક બાઇક' પ્રથમ વખત થઈ લોન્ચ

PC: swadeshnews.in

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં નવા ખેલાડીઓ સતત પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે આ સેગમેન્ટ વધુ વિકસતું જણાય છે. જ્યાં એક તરફ, અગ્રણી ટુ-વ્હીલર કંપનીઓ સતત નવા મોડલ લોન્ચ કરી રહી છે, તો બીજી તરફ, સ્ટાર્ટ-અપ્સે આ સેગમેન્ટને એક અલગ ગતિ આપી છે. હવે બેંગલુરુ સ્થિત Orxa Energiesએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ Orxa Mantis લોન્ચ કરી છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 3.60 લાખ નક્કી કરવામાં આવી છે.

તેના પ્રાઇસ સેગમેન્ટમાં, આ બાઇક મુખ્યત્વે અલ્ટ્રાવાયોલેટ F77 ના બેઝ વેરિઅન્ટ સાથે સ્પર્ધા કરે છે. કંપનીનું કહેવું છે કે, આ એક પરફોર્મન્સ ઇલેક્ટ્રિક બાઇક છે, જેને ખાસ કરીને રેસિંગ તત્વોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ મોટરસાઇકલનો દેખાવ અને ડિઝાઇન ખૂબ જ અદભૂત છે, ખાસ કરીને બાઇકની હેડલાઇટ દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.

આ ઈલેક્ટ્રિક બાઇકની ડિઝાઈન એક ખાસ પ્રકારના જંતુ (Mantis)થી પ્રેરિત છે, જે ખૂબ જ ચપળ અને ઝડપી છે. તમે તેના ચહેરાની ડિઝાઇન એટલે કે હેડલાઇટમાં તેની ઝલક સ્પષ્ટપણે જોઈ શકો છો. કંપનીએ આ બાઇકને ખૂબ જ શાર્પ ડિઝાઇન આપી છે, જે બાઇકને હાઇ સ્પીડમાં ચલાવવામાં મદદ કરે છે.

તે હાલમાં દેશની સૌથી ઝડપી ઈલેક્ટ્રિક મોટરસાઈકલમાંની એક છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બાઇકનું એક્સિલરેશન અને સ્પીડ આ પ્રમાણે છે : 8.9 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ, 2.7 સેકન્ડમાં 0-20 kmphની સ્પીડ, 6.2 સેકન્ડમાં 20-100 kmphની સ્પીડ.

તેમાં આક્રમક ફ્રન્ટ ફેસ, શાર્પ ફેયરિંગ, સ્કલ્પ્ટેડ ફ્યુઅલ ટેન્ક, સ્પ્લિટ સીટ છે. આ સિવાય ડ્યુઅલ ટોનમાં શણગારેલી આ બાઇકને બે રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં અર્બન બ્લેક અને જંગલ ગ્રેનો સમાવેશ થાય છે.

મોટી બેટરી પેક બાજુઓ પર સરળતાથી જોઈ શકાય છે. કંપનીએ બેટરીને હાઇબ્રિડ એલ્યુમિનિયમ કેસની અંદર મૂકી છે જેમાં IP67-રેટેડ સેફ્ટી આપવામાં આવી રહી છે. એટલે કે તે ધૂળ, સૂર્યપ્રકાશ કે પાણીથી સુરક્ષિત છે.

સાઈઝની વાત કરીએ તો, કંપનીએ Orxa Mantisને બહેતર પરફોર્મન્સ બાઈકનો આકાર આપ્યો છે. તેની અદ્યતન ડિઝાઇન તેને બાકીના કરતા અલગ બનાવે છે. દેખાવમાં જોઈએ તો, આ બાઇક તમને અમુક હદ સુધી KTM ડ્યુકની યાદ અપાવી શકે છે. તેના પરિમાણો નીચે મુજબ છે : વ્હીલબેઝ-1450 mm, સીટની ઊંચાઈ-815 mm, કર્બ વજન-182 Kg, ગ્રાઉન્ડ ક્લિયરન્સ-180 mm.

Mantis પાસે 5-ઇંચનું ફુલ-ડિજિટલ TFT ડેશબોર્ડ છે, જે કંપનીની Linux-આધારિત ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોનને પણ આ બાઇક સાથે કનેક્ટ કરી શકો છો. યૂઝર્સે બાઇક ચલાવતી વખતે ફોન નોટિફિકેશન, રાઇડ એનાલિટિક્સ અને નેવિગેશન એક્સેસ કરવા માટે મેન્ટિસ એપનો ઉપયોગ કરવો પડશે.

આ ઇલેક્ટ્રિક બાઇકમાં ઓલ-LED સેટઅપ છે, જેમાં મેન્ટિસ-પ્રેરિત ટ્વિન પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ પણ છે. અહીં તમને જણાવી દઈએ કે, તેની ડિઝાઇન મેન્ટિસ (એક જંતુ)થી પ્રેરિત છે અને તેનું નામ પણ તેના પરથી રાખવામાં આવ્યું છે.

બેટરી વિશે વાત કરીએ તો, કંપનીએ Orxa Mantisમાં 8.9 kWh ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે, જે લિક્વિડ-કૂલ્ડ BLDC મોટરને પાવર આપે છે. લિક્વિડ-કૂલ્ડ સેટઅપ સાથેનું આ દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે.

આ ઇલેક્ટ્રિક મોટર 20.5 kW (27.5 hp) મહત્તમ પાવર અને 93 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 135 Km/કલાક છે, જ્યારે તે 0 થી 100 Km/કલાકની ઝડપમાં 8.9 સેકન્ડ લે છે.

આ ઇલેક્ટ્રિક બાઇકમાં બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવ્યું છે, આ સિવાય તેમાં રિજનરેટિવ બ્રેકિંગ અને સાઇડ સ્ટેન્ડ સેન્સર પણ છે. બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm અને વજન 182 kg છે. તે થોડું ભારે લાગે છે, પરંતુ તેમ છતાં તે અલ્ટ્રાવાયોલેટ F77 કરતા હલકું છે, જેનું વજન 197 Kg છે. કંપનીનો દાવો છે કે મેન્ટિસ સિંગલ ચાર્જમાં 221 Kmની રેન્જ આપે છે.

Orxa Mantisની કિંમતમાં 1.3 kW સ્ટાન્ડર્ડ ચાર્જરનો સમાવેશ થાય છે. વપરાશકર્તાઓ પાસે 3.3 kW બ્લિટ્ઝ ચાર્જર ખરીદવાનો વિકલ્પ છે. ફાસ્ટ ચાર્જરની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. બંને ચાર્જરનો ઉપયોગ પોર્ટેબલ યુનિટ અથવા વોલ માઉન્ટેડ તરીકે કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ બાઇકની બેટરીને 1.3 kW ચાર્જરથી 0 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં 5 કલાકનો સમય લાગે છે. જ્યારે, 3.3kW બ્લિટ્ઝ ચાર્જર સાથે, તેની બેટરી માત્ર 2.5 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

સિંગલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ આ બાઇકમાં 17-ઇંચનું એલોય વ્હીલ છે. તેના આગળના ભાગમાં 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં 230 mm ડિસ્ક બ્રેક છે. આ બાઈકનું બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા 10,000 રૂપિયામાં કરી શકાય છે. ત્યાર પછી તેની બુકિંગ રકમ વધારીને 25,000 રૂપિયા કરવામાં આવશે, કંપની એપ્રિલ 2024થી આ બાઇકની ડિલિવરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની Orxa Mantis ઇલેક્ટ્રિક બાઇકની મોટર અને બેટરી પર 3 વર્ષ અથવા 30,000 કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp