MG Cyberster EV સ્પોર્ટ્સ કાર ભારતમાં,580Kmની રેન્જ, જાણી લો કિંમત

PC: aajtak.in

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. EV સેગમેન્ટમાં ટાટા મોટર્સ પછી દેશની બીજી સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક તરીકે ઉભરી રહેલી MG મોટરે ગઈ કાલે JSW ગ્રુપ સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. હવે કંપની JSW MG મોટર ઇન્ડિયા તરીકે ઓળખાશે. આ સંયુક્ત સાહસની જાહેરાત સાથે, કંપનીએ તેની નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર MG Cyberster પણ પ્રદર્શિત કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં, કંપનીએ પહેલીવાર MG Cybersterનું અનાવરણ કર્યું હતું, ત્યારપછી તેણે 2023માં આયોજિત ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં આ કારનું પ્રોડક્શન રેડી વર્ઝન રજૂ કર્યું હતું. હવે કંપનીએ આ કારને ભારતમાં પહેલીવાર બતાવી છે. આ કાર વર્ષના અંત સુધીમાં વિદેશી બજારમાં લોન્ચ થવાની આશા છે. તો ચાલો જાણીએ આ લક્ઝરી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર વિશે...

MG Cyberster સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનેલ છે, જો કે તે મોટે ભાગે 2017 e-Motion coupe જેવું જ દેખાય છે. ડિઝાઈનની વાત કરીએ તો, કારમાં DRL સાથે સ્મૂધ LED હેડલાઈટ છે અને તળિયે એર ઈન્ટેક આપવામાં આવ્યું છે. તે ઉપરની તરફ સ્વૂપિંગ (આગળની તરફ વળાંકવાળું) સ્પ્લિટ એર ઇન્ટેક અને એક શિલ્પવાળી બોનેટ મેળવે છે.

પાછળના ભાગમાં, કંપનીએ એરો ડિઝાઇનની LED ટેલલાઇટ્સ અને સ્પ્લિટ રિયર ડિફ્યુઝર આપ્યા છે. આકર્ષક લાલ રંગમાં પ્રસ્તુત, આ સ્પોર્ટ્સ કારનો દેખાવ અને ડિઝાઇન ઘણી પરંપરાગત સ્પોર્ટ્સ કાર જેવો જ મળતો આવે છે. જો કે અમે અહીં તેના વિશે વાત કરીશું નહીં. આ કારમાં સિઝર (Scissor) ડોર ઉપલબ્ધ છે, જે ખાસ કરીને હાલમાં સ્પોર્ટ્સ કારમાં ટ્રેન્ડમાં છે.

આ કારની સાઈઝની વાત કરીએ તો તેની લંબાઈ 4,533 mm, પહોળાઈ 1,912 mm, ઊંચાઈ 1,328 mm અને તેનું વ્હીલબેસ 2,689 mm છે. માત્ર બે સીટ સાથે આવતી આ સ્પોર્ટ્સ કારની કેબિનમાં તમને પૂરતી જગ્યા મળશે. આ સિવાય કારમાં 19 થી 20 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. MG Cyberster કાર પર ઘણી સ્લીક્સ, કટ અને ક્રિઝ જોવા મળે છે, જે તેને વધુ આક્રમક દેખાવ આપે છે.

કારની કેબિનની વાત કરીએ તો, તેને ખાસ રેડ કલર થીમથી સજાવવામાં આવી છે. સીટો પર મેટ રેડ લેધર અપહોલ્સ્ટરી અને કારીગરી તેને વધુ સુંદર બનાવે છે. મોટી મોટી સ્ક્રીનથી સજ્જ તેની કેબિન એકદમ પ્રીમિયમ છે. પરંપરાગત સ્પોર્ટ્સ કારની તર્જ પર, સીટોને સિલ્વર હેડ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય ડ્રાઇવર અને કો-ડ્રાઇવરના ડબ્બાને સેન્ટર કન્સોલથી અલગ કરવામાં આવ્યા છે.

તેના ઈન્ટિરિયરમાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે ડ્રાઈવરની બાજુમાં વર્ટિકલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ત્રણ સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સુવિધા પણ છે. આ સિવાય ઈન-બિલ્ટ 5G સિમ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ચાર્જર, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ સીટ્સ, મલ્ટિપલ ડ્રાઈવિંગ મોડ્સ, પ્રીમિયમ બોસ ઓડિયો સિસ્ટમ, ક્વોલકોમ સ્નેપડ્રેગન 8155 ચિપ, રિજનરેટિવ બ્રેકિંગ, મલ્ટીપલ એરબેગ્સ, લેવલ- 2 ADAS જેવા ફીચર્સ મળે છે.

સાયબરસ્ટર બે બેટરી પેક અને મોટર વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે. એન્ટ્રી-લેવલ મૉડલને 64kWh બૅટરી પૅક સાથે 520 Kmની દાવા કરેલી રેન્જ સાથે સિંગલ 308 HP રીઅર એક્સલ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર મળે છે.

તે બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે એક મોટો 77kWh બેટરી પેક પણ મેળવશે, જે સંયુક્ત રીતે 535hp અને 725Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 580 Kmની રેન્જ આપશે. કંપનીનું કહેવું છે કે, આ સ્પોર્ટ્સ કાર માત્ર 3.2 સેકન્ડમાં 0-100 Km પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

એવું માનવામાં આવે છે કે, MG મોટર આ વર્ષના મધ્ય સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં MG સાયબરસ્ટરની કિંમતોની જાહેરાત કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, આ એક સસ્તી સ્પોર્ટ્સકાર હશે જેની કિંમત 50,000 GBP પાઉન્ડ હોઈ શકે છે. જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 53 લાખ રૂપિયા હશે. જો કે ભારતીય બજાર માટે આ કિંમત અલગ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp