નાસાને ઉલ્કા પર પાણી મળ્યું જે 2182માં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે

PC: twitter.com/NASA

બેન્નુ એસ્ટરોઇડ પર ખુબ મોટા પ્રમાણમાં કાર્બન અને પાણી મળી આવ્યા છે. નાસાના સેમ્પલ રિટર્ન મિશનમાં જાણવા મળ્યું છે કે OSIRIS-REx દ્વારા લાવવામાં આવેલા માટી અને ધૂળના નમૂના વિશ્વ માટે ખૂબ જ ઉપયોગી છે. નાસાના આ સ્પેસક્રાફ્ટે 1650 ફૂટ પહોળા એસ્ટરોઇડનો સેમ્પલ લીધો અને તેને પૃથ્વી પર મોકલ્યો. તપાસ કર્યા પછી નાસાએ કહ્યું કે, આ સેમ્પલનો પહેલો રિપોર્ટ સામે આવ્યો છે.

નાસાના વડા બિલ નેલ્સને કહ્યું કે, ઓસિરિસ-રેક્સમાંથી મેળવેલા નમૂના દર્શાવે છે કે, બેન્નુ એસ્ટરોઇડમાં કાર્બન સંયોજનો અને પાણીનો જથ્થો ખુબ મોટા પ્રમાણમાં છે. આ બતાવે છે કે આ ઉલ્કા એક સમયે પૃથ્વી જેવા ગ્રહનો ભાગ રહી હશે. સાથે સાથે તે પણ જાણી શકાશે કે પૃથ્વી પર જીવન અને પાણી શું કોઈ ઉલ્કાની અથડામણથી આવ્યા છે કે કેમ.

બિલ નેલ્સને કહ્યું કે, નાસા અને તેના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે, બેન્નુ પર આટલું પાણી ક્યાંથી આવ્યું. મુદ્દો એ છે કે, જે એસ્ટરોઇડથી પૃથ્વીને ખતરો છે તેમાં એટલી ઘણી માત્રામાં પાણી છે કે, કોઈ વૈજ્ઞાનિક તેના વિશે વિચારી પણ ન શકે.

અહીં તમને જણાવી દઈએ કે, બેન્નુ ઉલ્કા 159 વર્ષમાં એટલે કે 24 સપ્ટેમ્બર 2182ના રોજ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેની અથડામણથી 22 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલો વિનાશ થશે. આનાથી બચવા માટે જ નાસાએ OSIRIS-REx મિશન શરૂ કર્યું હતું. જેથી તેના માટીના નમૂના પરથી જાણી શકાય કે, તે કેટલી મજબૂત ઉલ્કા છે. તેને મિસાઈલ વડે અવકાશમાં જ ઉડાવી શકાય છે કે કેમ, અથવા દિશા બદલવા માટે અવકાશમાં અંતરિક્ષ વાહન કે હથિયાર મોકલવાની જરૂર છે.

OSIRIS-RExનું પૂરું નામ ઓરિજિન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન અને સિક્યુરિટી રિગોલિથ એક્સપ્લોરર છે. આ અમેરિકાનું પહેલું મિશન છે, જેને ઉલ્કાના સેમ્પલ લાવવા માટે મોકલવામાં આવ્યું હતું. તેણે ત્રણ વર્ષ પહેલા બેન્નુથી સેમ્પલ લીધા હતા. ત્યારથી તે પૃથ્વી તરફ પરત ફરી રહ્યું હતું. 45 કિલોની કેપ્સ્યુલમાં લગભગ 250 ગ્રામ સેમ્પલ હતું.

OSIRIS-REx પ્રોજેક્ટ મેનેજર રિચ બર્ન્સે જણાવ્યું હતું કે, અમે આ વાહન સાત વર્ષ પહેલા બેન્નુથી સેમ્પલ લાવવા માટે મોકલ્યું હતું. એ અલગ વાત છે કે, બેન્નુની ટક્કરથી જે નુકસાન થશે તે ખૂબ જ ભયંકર હશે. પરંતુ તેની શક્યતા 2700માં માત્ર એક જ છે. બેન્નુ એ ઉલ્કાપિંડ કરતા 20 ગણું ઓછું પહોળું છે, જેણે પૃથ્વી પરથી ડાયનાસોરને ખતમ કરી નાખ્યા હતા. પરંતુ જો તે અથડાશે તો ભારે વિનાશ થશે. ભલે તે જમીન સાથે અથડાય કે દરિયામાં પડે.

જેના કારણે દુનિયાભરમાંથી અનેક જીવોની વસ્તીનો નાશ થઈ શકે છે. તેની ટક્કરથી બનેલો ખાડો લગભગ 10 કિલોમીટર પહોળો હશે. આ કારણે, જે જગ્યાએ ટક્કર થઇ હશે તે સ્થળની આસપાસ લગભગ 1000 કિલોમીટર સુધી કંઈપણ બચી શકશે નહીં. પરંતુ જો તે સમુદ્રમાં પડશે તો તબાહી વધારે ભયંકર થઈ શકે છે, કારણ કે તેની અથડામણથી ઉદભવેલી સુનામીની લહેર નજીકના ટાપુઓ કે દેશમાં ભયંકર તબાહી મચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp