3 કરોડની ઈલેક્ટ્રિક કાર, તેમ છતા બૂકિંગ માટે પડાપડી

PC: landrover.in

સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે, અગ્રણી વાહન ઉત્પાદક કંપનીઓ પણ ઇલેક્ટ્રિક મોડલ રજૂ કરી રહી છે. દરમિયાન, રેન્જ રોવરની પ્રથમ ઇલેક્ટ્રિક SUVની રાહ જોવાઈ રહી છે. વૈશ્વિક સ્તરે, આ SUV બ્રાન્ડનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન હશે, અને તેના લોન્ચિંગ પહેલા જ, આ SUV માટેના બુકિંગે સંકેત આપ્યો છે કે તે હિટ રહેશે. આ કારની કિંમતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કારની  કિંમત ભારતમાં 3 કરોડને પાર હશે એવું કહેવાય છે.

મીડિયા અહેવાલો અનુસાર, રેન્જ રોવરની આગામી ઇલેક્ટ્રિક SUVની જાહેરાત થતાંની સાથે જ તેણે 16,000 યુનિટનું બુકિંગ નોંધાવ્યું છે. આ આંકડો વિશ્વભરના કાર ખરીદદારો દ્વારા દર્શાવવામાં આવેલી રસના આધારે જણાવવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં 16,000થી વધુ લોકોએ રેન્જ રોવર ઇલેક્ટ્રિક SUVમાં રસ દર્શાવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ SUVનું પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું અને રેન્જ રોવર ઇલેક્ટ્રિક વાહનમાં કેટલા લોકો રસ લઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. V8 પાવરટ્રેનથી સજ્જ અને 523Bhp ધરાવતી આ SUVના ઇલેક્ટ્રિક અવતારની રાહ આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થશે. કંપની આ વર્ષના અંતમાં તેને વેચાણ માટે લોન્ચ કરી શકે છે.

રેન્જ રોવરની પ્રથમ બેટરી-ઇલેક્ટ્રિક SUV હાલના ICE મોડલ પર આધારિત હશે. જગુઆર લેન્ડ રોવરના પ્રોડક્ટ એન્જિનિયરિંગ બોસ થોમસ મુલરે દાવો કર્યો છે કે તે 'અત્યાર સુધીનું સૌથી શાંત અને સૌથી શુદ્ધ રેન્જ રોવર હશે.' દેખીતી રીતે, ઇલેક્ટ્રિક હોવાને કારણે, તે સાયલન્ટ વાહન હશે. કંપની દ્વારા જાહેર કરાયેલી તસવીરોના આધારે એવું કહી શકાય કે, તે હાલની સ્ટાઇલને જાળવી રાખશે, તે 800V આર્કિટેક્ચરનો ઉપયોગ કરશે, જે અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગને સક્ષમ કરશે.

જો કે, કંપનીએ હજી સુધી તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV વિશે કોઈ તકનીકી માહિતી શેર કરી નથી. પરંતુ કંપનીનું કહેવું છે કે તેના ICE મોડલ્સની જેમ તે તમામ પ્રકારની રોડ સ્થિતિમાં સરળતાથી દોડી શકશે. આનો અર્થ એ છે કે તમે તેના ઇલેક્ટ્રિક સંસ્કરણથી પણ સમાન કઠોર અને રફ ડ્રાઇવિંગની અપેક્ષા રાખી શકો છો. આ સિવાય SUVમાં લક્ઝરી ફીચર્સ પણ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં 850 mmની વોટર વેડિંગ ક્ષમતા પણ હશે, જે ICE વર્ઝનમાં ઉપલબ્ધ છે.

નિષ્ણાતો માને છે કે, તેની ઇલેક્ટ્રિક મોટર 500Bhp કરતાં વધુ પાવર આઉટપુટ પણ આપશે, જે ટ્વીન મોટરમાંથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ઓલ-વ્હીલ ડ્રાઇવિંગ ક્ષમતા તેને વધુ સારી ઓફ-રોડિંગ ઇલેક્ટ્રિક SUV બનાવશે. તાજેતરમાં, જગુઆર લેન્ડ રોવરે તેના પ્રોટોટાઇપ મોડેલનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે, જે સ્વીડન અને દુબઈમાં કેટલીક જગ્યાએ જોવામાં આવ્યું છે.

રેન્જ રોવર હાલના હળવા અને પ્લગ-ઇન હાઇબ્રિડ વેરિઅન્ટની સાથે તેના સોલિહુલ પ્લાન્ટમાં તેની EVનું ઉત્પાદન કરશે. શરૂઆતમાં તે થર્ડ પાર્ટી સપ્લાયર્સ પાસેથી મેળવેલી બેટરીનો ઉપયોગ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાર પછી આ SUVને ટાટાની ગીગાફેક્ટરીમાં ઉત્પાદિત બેટરી પેક પર સ્વિચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp