Royal Enfieldએ Goan Classic 350 શાનદાર બાઇક રજૂ કરી, વ્હાઇટ ટાયર...બોબર સ્ટાઇલ!
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક Royal Enfieldએ તેની બહુપ્રતિક્ષિત બાઇક Goan Classic 350 પરથી પડદો ઉઠાવ્યો છે. આ એક બોબર સ્ટાઇલ બાઇક છે, જે મૂળભૂત રીતે કંપનીના સૌથી વધુ વેચાતા મોડલ Classic 350 પર આધારિત છે. જો કે, આ બાઇકમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે, જે તેને ક્લાસિકથી સંપૂર્ણપણે અલગ કરે છે.
હાલમાં કંપનીએ માત્ર નવી ગોઆન ક્લાસિક 350ને માત્ર દેખાવ માટે પ્રદર્શિત કરી છે. પરંતુ તેને સત્તાવાર રીતે 23 નવેમ્બરે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. આ મોટરસાઇકલ કુલ ચાર ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. જેમાં રેવ રેડ, ટ્રિપ ટીલ, પર્પલ હેઝ અને શોક બ્લેક કલર વેરિઅન્ટ્સ સામેલ છે.
જેમ કે અમે બતાવ્યું કે ગોઆન ક્લાસિક 350 રેગ્યુલર ક્લાસિક 350 પર આધારિત છે. પરંતુ બોબરના વલણ અને અપીલને જાળવી રાખવા માટે ડિઝાઇન અને ઉપકરણોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ક્લાસિકની જેમ જ આ બાઇકને ડબલ ડાઉન-ટ્યુબ ચેસિસ પર બનાવવામાં આવી છે. બાઇકમાં સબફ્રેમ નથી, પરંતુ તેના બદલે બદલી શકાય તેવી પિલિયન સીટ (પાછળ બેસનારા મુસાફર માટેની સીટ)ની સાથે એક બોબર-શૈલીની ઓવરહેંગ સીટ આપવામાં આવી છે.
બાઇકના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ અને ક્લાસિક 350 જેવા સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે. જોકે, બાઇકનું હેન્ડલબાર ક્લાસિકથી બિલકુલ અલગ છે. તેમાં APE હેન્ડલબાર આપવામાં આવ્યું છે. આ સિવાય, ફોરવર્ડ-સેટ ફૂટપેગ્સ અને 750 mmની નીચલી સીટની ઊંચાઈ આ બાઇકને યોગ્ય બોબર સ્ટાઇલ આપે છે.
વર્તમાન રેગ્યુલર ક્લાસિક 350 મોડલમાં, કંપનીએ આગળના ભાગમાં 19 ઈંચ અને પાછળના ભાગમાં 18 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. જ્યારે આ નવી ગોઆન ક્લાસિકમાં આગળના ભાગમાં 19 ઇંચ અને પાછળના ભાગમાં 16 ઇંચના વ્હીલ્સ છે. જેના કારણે બાઇકનો પાછળનો ભાગ એકદમ નીચો દેખાય છે. પરંતુ વ્હીલ્સનું આ સંચાલન બોબર શૈલી માટે એકદમ યોગ્ય છે.
તેના ટાયર પર વ્હાઇટ વોલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય, સ્લેશ-કટ સાયલેન્સર પણ બાઇકની સાઇડ પ્રોફાઇલને સુધારે છે. સફેદ રંગના ટાયર અને સ્ટાઇલિશ સીટ આ બાઇકની સ્પોર્ટીનેસને વધારે છે. રોયલ એનફિલ્ડે ગોઅનને ટ્યુબલેસ વાયર-સ્પોક વ્હીલ્સથી સજ્જ કર્યું છે, જે પંચરની મુશ્કેલીને પણ દૂર કરે છે.
તેનું એન્જિન મિકેનિઝમ ક્લાસિક 350 જેવું જ છે. ગોઅનમાં પણ તે જ પ્રકારની J-સિરીઝ 349 cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 20 bhpનો પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
મોટરસાઇકલમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર સસ્પેન્શન સેટઅપ છે. બ્રેકિંગની વાત કરીએ તો, બંને છેડે ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. જે ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. બાઇકનું વજન 197 કિલો છે.
અત્યારે આ બાઇકના લોન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કશું કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, કંપની નવી Goan Classic 350ને રૂ. 2.10 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી શકે છે. વર્તમાન ક્લાસિક 350ની કિંમત રૂ. 1.93 લાખથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 2.25 લાખ સુધી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp