TATAએ રજુ કરી દેશની સૌપ્રથમ કૂપ-શૈલીની SUV 'CURVV', પેટ્રોલ-ડીઝલ સાથે EVની મજા
ભારતીય SUV ડિઝાઇનની દુનિયામાં એક નવી શરૂઆત કરતા, દેશની અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે સત્તાવાર રીતે તેની નવી Tata Curvv રજૂ કરી છે. કંપનીએ ટાટા કર્વના ICE (પેટ્રોલ-ડીઝલ) અને ઇલેક્ટ્રિક (EV) વર્ઝનનું અનાવરણ કર્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, આ દેશની પહેલી કૂપ-સ્ટાઈલની SUV છે અને હાલમાં માર્કેટમાં આ SUVનો કોઈ સીધો હરીફ નથી. કંપનીએ હમણાં જ તેનું પ્રદર્શન કર્યું છે અને તે સત્તાવાર રીતે 7 ઓગસ્ટ, 2024ના રોજ વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમતો પણ તે જ સમયે જાહેર કરવામાં આવશે.
ટાટા મોટર્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની પહેલા Tata Curvv EV એટલે કે ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે. આ પછી તેના પેટ્રોલ-ડીઝલ (ICE) વર્ઝનની કિંમતો જાહેર થશે. સ્પોર્ટી સિલુએટ સાથે કૂપ સ્ટાઈલમાં ડિઝાઈન કરાયેલી આ SUV ઘણી રીતે ખાસ છે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, 'ટાટા મોટર્સે ભારતીય SUV સેગમેન્ટમાં પહેલ કરી છે, વધુમાં, અમે આ સેગમેન્ટમાં નવા મોડલ્સ દ્વારા વારંવાર અમારી મજબૂત હાજરી દર્શાવી છે, ઓરીજીનલ Sierra, Safari, Nexon, Punch અને Harrier આનો પુરાવો છે અને આ પરંપરાને આગળ વધારવા અને અમારા SUV પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે, અમે ફરી એકવાર Tata Curvvના રૂપે દેશની પ્રથમ કૂપ-સ્ટાઈલની SUV રજૂ કરી છે.'
Tata Curvvની કૂપ બોડી સ્ટાઇલ પરંપરાગત બોક્સી ડિઝાઇનથી વિપરીત છે, જે મધ્યમ કદની SUV માર્કેટમાં સામાન્ય છે. તેની એરોડાયનેમિક્સ ઘણી અલગ છે, જે તેને નવી સ્પીડ આપવામાં મદદ કરશે. વળાંકની ઢાળવાળી છત તેને પવન સામે ઝડપથી આગળ વધવામાં મદદ કરશે. જ્યારે તેના મોટા વ્હીલ્સ, વધેલી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને ઊંચી ઝડપે પણ સંતુલિત ડ્રાઇવિંગ પ્રદાન કરવામાં મદદ કરશે. કંપની તેને બે નવા કલર શેડ્સમાં ઓફર કરી રહી છે, જેમાં ઇલેક્ટ્રિક વર્ઝનમાં વર્ચ્યુઅલ સનરાઇઝ અને પેટ્રોલ વર્ઝનમાં ગોલ્ડ એસેન્સનો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સનું કહેવું છે કે, ટાટા કર્વ વ્યવહારીક રીતે ભારતીય પરિવાર માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ લોંગ ડ્રાઈવ માટે બહાર જવાનું પસંદ કરે છે. કર્વ તેની SUV કૂપ ડિઝાઇન સાથે આકર્ષક અને આધુનિક ડિઝાઇન સાથે આવે છે. તેની પ્રીમિયમ અપીલ પર ભાર મૂકવામાં આવ્યો છે અને કેબિનમાં ફર્સ્ટ-ઇન-ક્લાસ ટેક્નોલોજી અને સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેનોરેમિક સનરૂફની સાથે, તે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ સારી બૂટ સ્પેસ પણ મેળવશે.
કંપની પેટ્રોલ-ડીઝલ અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં ટાટા કર્વ પણ ઓફર કરી રહી છે. કંપનીનો દાવો છે કે, તેનું ઇલેક્ટ્રિક વર્ઝન શ્રેષ્ઠ ઇન-ક્લાસ ડ્રાઇવિંગ રેન્જ આપશે. જો કે, તેના એન્જિન મિકેનિઝમ વિશે સત્તાવાર રીતે હજી સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, કંપની આ SUVને 1.2-લિટર પેટ્રોલ (125 PS પાવર અને 225 Nm ટોર્ક) અને 1.5 લિટર ડીઝલ એન્જિન (115 PS પાવર અને 260 Nm ટોર્ક) સાથે બજારમાં ઉતારશે.
ઇલેક્ટ્રિક વર્ઝન વિશે વાત કરીએ તો, કંપની તેમાં હાલના Nexon EV કરતાં વધુ મોટું બેટરી પેક આપશે. એવી અપેક્ષા છે કે, આ કાર સિંગલ ચાર્જ પર 500 Km સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. ટાટાએ અગાઉ જાહેરાત કરી છે તેમ, તે સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડ્રાઇવિંગ રેન્જ આપશે. Tata Nexon એક ચાર્જ પર 452 Km સુધીની રેન્જ આપે છે.
જોકે, લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, કંપની તેનું પેટ્રોલ-ડીઝલ (ICE) વર્ઝન લગભગ રૂ. 10 લાખની પ્રારંભિક કિંમતે ઓફર કરી શકે છે. જ્યારે તેનું ઇલેક્ટ્રિક વર્ઝન લગભગ 18 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. જો કે, તેની કિંમત પણ 7મી ઓગસ્ટે લોન્ચ સમયે જ જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp