ટાટા મોટર્સે 726 કરોડમાં ગુજરાતનો ફોર્ડનો પ્લાન્ટ ખરીદી લીધો, હવે આ કાર બનાવશે
ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક વાહનોની પેટાકંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) એ ગુજરાતમાં ફોર્ડનો સાણંદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રૂ. 725.6 કરોડમાં ખરીદી લીધો છે. દર વર્ષે 4 લાખથી વધુ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાં ટાટાની ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવામાં આવશે. છેલ્લાં ઘણા સમયથી ટાટા મોટર્સ ફોર્ડનો પ્લાન્ટ ખરીદી રહી છે તેની ચર્ચા ચાલતી હતી. ટાટા મોટર્સના અધિકારીઓએ ફોર્ડના પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી, હવે આખરે મંજૂરીની મહોર લાગી ગઇ છે.
ગુજરાતના સાણંદમાં ફોર્ડ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચે લાંબા સમયથી ચાલતી ડીલ આખરે ફાઈનલ થઈ ગઈ છે અને ટાટા મોટર્સ ઈવી પેટાકંપનીએ લગભગ રૂ. 726 કરોડમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ખરીદ્યું છે. અમેરિકન ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટર્સે સપ્ટેમ્બર 2021માં ભારત છોડ્યાના લગભગ એક વર્ષ બાદ ડીલની મંજૂરીના સમાચાર આવ્યા છે. ટાટાનું સાણંદમાં બીજું ઉત્પાદન એકમ છે, જ્યાં ટાટા નેનોનું ઉત્પાદન થયું હતું અને આ પ્લાન્ટ ફોર્ડ પ્લાન્ટની બરાબર સામે છે.
આ ડીલની એક મહત્ત્વની વાત એ પણ છે કે ફોર્ડ ઇન્ડિયામાં ડાયરેક્ટ અને ઇન-ડાયરેક્ટ લગભગ 23000 કર્મચારીઓ છે. ટાટા મોટર્સે સાણંદમાં ફોર્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓને નોકરી આપવાની વાત કરી છે, જે ટાટાની ઉદારતા છે અને તેનાથી લાખો લોકોને ફાયદો થશે. ટાટા મોટર્સે રાજ્ય સરકારને ફોર્ડના પ્લાન્ટની ખરીદી બાદ જમીન ટ્રાન્સફર રેટ માફ કરવા વિનંતી કરી છે. ટાટા મોટર્સે જંત્રી દરના 20 ટકા એટલે કે રૂ. 66 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગુજરાત સરકારે ટાટા મોટર્સની વિનંતીઓ સ્વીકારી લીધી છે.
વર્ષ 2011માં ફોર્ડે સાણંદમાં આશરે રૂ. 8000 કરોડનું રોકાણ કરીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો. લગભગ 10 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં 2 બિલિયન ડોલરનું નુકસાન સહન કર્યા પછી, ફોર્ડે આખરે સપ્ટેમ્બરમાં ભારત છોડવાનું નક્કી કર્યું અને પછી ફોર્ડની તમામ કારનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું. ફોર્ડ ઇકોસ્પોર્ટનું છેલ્લું યુનિટ ગયા મહિનાના અંતમાં સાણંદ પ્લાન્ટમાંથી બહાર થયું અને થોડા મહિનાઓ પછી, ટાટાએ પ્લાન્ટ ખરીદ્યો હતો. સાણંદ પ્લાન્ટ દર વર્ષે 3 લાખથી 4.2 લાખ કારનું ઉત્પાદન કરી શકે છે. હવે અહીં ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp