સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ: અવસર કે આપદા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પરિચય: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આજકાલ ખૂબ ચર્ચામાં છે. દરેક ક્ષેત્રનું દરેક જણ જાણે તેના વિશે જ વાત કરી રહ્યું હોય તેમ લાગે છે. AI એ એક વ્યાપક શબ્દ છે, સામાન્ય રીતે માનવ બુદ્ધિથી જેવાં કર્યો થાય તેવા કાર્યો કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર સંચાલિત મશીનથી થાય એવી એક નવી જ શક્યતા ઉભી થઇ છે. AI ના ઘણા પ્રકારો છે, અને આ ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે. AI એ વિશ્વને બદલવાની ક્ષમતા સાથેનું એક વાસ્તવિક અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક પ્રકાર કે સ્વરૂપ છે જે ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં મહત્વની ભૂમિકા ભજવીને ઉથલપાથલ મચાવી મૂકે એવી સંભાવનાઓ અને ચિંતાઓ વર્તાઈ રહી છે તે LLM એટલે લાર્જ લેંગ્વેજ મોડલ. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક પ્રકાર છે જે માનવ બુદ્ધિની નકલ કરી શકે છે. એલ એલ એમ ડીપ લર્નિંગ નામની ટેકનિકનો ઉપયોગ કરીને કામ કરે છે. ડીપ લર્નિંગએ મશીન લર્નિંગનો એક પ્રકાર છે જે ડેટામાંથી શીખવા માટે કૃત્રિમ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. ન્યુરલ નેટવર્ક માનવ મગજ દ્વારા પ્રેરિત છે, અને તે ડેટામાંથી જટિલથીયે જટિલ પેટર્ન શીખવામાં સક્ષમ હોય છે. LLM લખાણ (ટેક્સ્ટ) અને કોડના વિશાળ ડેટાસેટ્સ પર કાર્ય કરે છે.
LLMએ સર્જનાત્મક લેખન કાર્ય કરી શકે છે, આ ઉપકરણ થકી સર્જાયેલ લેખન સંબંધિત, સંદર્ભિત અને અર્થપૂર્ણ તેમજ વ્યાકરણની રીતે પણ સાચું હોય છે. આનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં જે પ્રકારના લખાણો આવશ્યક અને અનિવાર્ય હોય છે તે તમામ એટલે કે સંશોધન પ્રકલ્પ કે પી.એચ.ડી ના થીસીસમાં આવતી દરેકે દરેક વસ્તુ, સંશોધનનું ટાઇટલ નક્કી કરવાથી લઇ હેતુઓ, હાયપોથીસિસ, લિટરેચર રીવ્યુ, ફિલ્ડમાં ગયા વગર ડેટાનું સર્જન અને તેનો એનાલિસિસ, તારણો સમાપન, સૂચનો વગેરે જે કાંઈ પ્રકારનું લેખન કાર્ય રિસર્ચમાં કરવાનું થાય એ તમામ કરી શકે. લાંબા લચક લખાણનો સારાંશ પણ એ ક્ષણોમાં લખી કાઢે છે. ટૂંકમાં કહીએ તો એક માનવનું મગજ કામ કરે અને જે આઉટ્પુટ આપે અને અનેક માનવીના મગજો કામે લાગે અને જે આઉટ્પુટ આપે તેમાં જે ફરક દેખાય તેવો ફરક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી મળતા આઉટપુટમાં દેખાઈ શકે છે.
સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે ચાલતી ચર્ચા અને ચિંતા: ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા દેવો કે પ્રતિબંધિત કરવો એ નક્કી કરવામાં પ્રશ્ન એ આવે કે આખરે શિક્ષણની સંસ્થાઓમાં જે સંશોધન થાય છે તેનો હેતુ શું છે? વિદ્યાર્થીઓને સંશોધન કેવી રીતે કરાય તે શીખવાડવાના હેતુ માત્રથી સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવવાનો કે પછી વાસ્તવમાં અર્થસભર સંશોધન કરીને સંશોધન થકી વાસ્તવિક યોગદાન આપવાનો. બીજો મહત્વનો સવાલ એ પણ છે કે જે બાબતે ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ હોય તે કૌશલ્યો અને આવડત મનુષ્યમાં વિકસાવવાના પ્રયત્નો થવા જોઈએ કે ન થવા જોઈએ. કેલ્ક્યુલેટર રૂપી ઉપકરણ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવાં કૌશલ્યો મનુષ્યમાં વિકસાવવા જોઈએ કે કેલ્ક્યુલેટરથી જ કામ ચલાવવું જોઈએ. કોમ્પ્યુટરના ઉપયોગ વગર સાચું અંગ્રેજી, સાચી જોડણી અને સાચું વ્યાકરણ શીખવાની ક્ષમતા વિકસાવવી જોઈએ કે ન વિકસાવવી જોઈએ. પાણી જયારે નળમાં આવી ગયાં હોય તેવા જમાનામાં કૂવેથી કે નદીએ થી પાણી ભરીને લાવવાની ક્ષમતા માનવ સમુદાયમાં વિકસાવવી જોઈએ કે ન વિકસાવવી જોઈએ.
ટેક્નોલોજીની મદદથી જે પરિણામો મળે તે પરિણામો ટેકનોલોજીની મદદ વગર મેળવી શકાય તેવી માનવીય ક્ષમતા (જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યો) વિકસાવવા પ્રયત્નો થવા જોઈએ કે ન થવા જોઈએ, જો આવા પ્રયત્નો ન થાય અને માત્ર ટેક્નોલોજીથી મળતાં પરિણામો મેળવી ને ચલાવી લેવામાં આવે તો કાળક્રમે માનવવંશમાંથી આવી ક્ષમતા લુપ્ત તો નહિ થઇ જાય ને. આવા પ્રશ્નો અને ચિંતાઓની દિશામાંજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્વરૂપે આપણને એક ટેકનોલોજી મળેલી છે. જેમ આપણે કેલ્ક્યુલેટરથી કરેલી ગણતરી અને કોમ્પ્યુટરની મદદ વડે લખેલું સાચું અંગ્રેજી સ્વીકારી લીધું એ સહજતાથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી કરેલ સંશોધન સ્વીકારવું કે નહિ એ એક ગંભીર ચર્ચા અને મનોમંથન માંગી લે તેવો મુદ્દો છે.
જે સર્જવામાં દિવસો, મહિનાઓ કે વર્ષો લાગે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષણોમાં સર્જી કાઢે છે. પરંતુ ઉચ્ચ શિક્ષણમાં યુનિવર્સિટીઓ વ્યક્તિએ કરેલ સર્જનનું મૂલ્યાંકન કરીને સર્જનને પ્રમાણિત કરી પદવી એનાયત કરવાની જે પ્રાથમિક જવાબદારી અને ભૂમિકા નિભાવે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થયેલ સર્જનને વદ્યાર્થીઓ પોતે કરેલ સર્જન તરીકે રજૂ કરી પદવીઓ મેળવે તેની ચિંતા અને મનોમંથનમાં લાગેલી છે.
સંશોધનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના ફાયદાઓ અને ગેરફાયદાઓ: ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં થતા સંશોધનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મંજૂરી આપવાની તરફેણમાં અને વિરુદ્ધમાં બંને પ્રકારની ઘણી દલીલો છે:
ફાયદા: 1. કાર્યક્ષમતામાં વધારો: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલ્સ સંશોધન સાથે સંકળાયેલા ઘણા કાર્યોને સ્વચાલિત કરી શકે છે, જેમ કે સંબંધિત સંશોધન પત્ર ની શોધ કરવી, લેખોનો સારાંશ આપવો અને સંશોધન પત્રો લખવા. આ સંશોધકોનો સમય બચાવી શકે છે જેથી તેઓ તેમના સંશોધનના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, જેમ કે પ્રયોગો કરવા અને ડેટાનું વિશ્લેષણ કરવું વગેરે.
2. સંશોધનમાં ચોકસાઈ લાવે છે: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલ્સનો ઉપયોગ સંશોધન સંબંધિત અન્ય સંશોધનને ઓળખવા, જટિલ સંશોધનના ખ્યાલોને સમજવા અને નવા સંશોધન માટેના વિચારો પ્રેરવા માટે થઈ શકે છે. ભાષાકીય પ્રભુત્વ અને સચોટતા દ્વારા તેમજ સંક્ષિપ્ત પરંતુ સચોટ લેખનપધ્ધતિને કારણે સંશોધનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે.
3. ઉપલબ્ધતામાં વધારો: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલ્સ સંશોધન પેપર અન્ય ભાષામાં અનુવાદિત કરી શકે છે, જે સંશોધનને વિશાળ પ્રેક્ષકો માટે વધુ સુલભ બનાવી શકે છે. સંશોધન થકી સર્જન થયેલા જ્ઞાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં ડેટા જનરેટ અને એનાલિસિસ કરવા માટે થઈ શકે છે જે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને એકત્રિત કરવું ખુબ મુશ્કેલ લાગે. આ ડેટાનો ઉપયોગ પૂર્વધારણાઓ ચકાસવા, નવા સિદ્ધાંતો વિકસાવવા અને માનવ વર્તનની વધુ સારી સમજ મેળવવા માટે ચોક્કસ થઈ જ શકે છે.
5. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ડેટાનું વિશ્લેષણ કરવા માટે એવી રીતે કરી શકાય છે જે તેનો ઉપયોગ વગર અવઘડ હોય છે. ઉદાહરણ તરીકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ડેટામાં પેટર્ન અને સહસંબંધોને ઓળખવા માટે થઈ શકે છે જે માનવ સંશોધકો માટે સંભવતઃ અદ્રશ્ય હોય અથવા તો સંશોધનકર્તા પોતાની સહસંબંધોને ઓળખવાની ક્ષમતા સુધી સીમિત હોય, આ રીતે જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક નવી આંતરદૃષ્ટિ અને શોધો તરફ દોરી શકે છે. જો આ દ્ર્ષ્ટિએ વિચારીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન ને વધુ અર્થસભર બનાવે છે.
6. એલ એલ એમ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ માનવ વર્તનનું અનુકરણ કરવા માટે થઈ શકે છે. આ માનવ વર્તન વિશેના સિદ્ધાંતોના પરીક્ષણ માટે ઉપયોગી થઈ શકે છે.
7. સંશોધનાર્થી માત્ર ટોપિક કે ટાઇટલ આપે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને અનુરૂપ હાયપોથીસિસ, ઓબ્જેકટીવ, સંશોધન પ્રશ્નો અને સંશોધન પદ્ધતિ મિનિટમાં તૈયાર કરી આપે છે. જે ભલે બેઠી ન લેવામાં આવે પરંતુ વિચાર ઉત્તેજક કે વિચાર ઉદ્દીપક કે વિચારપ્રેરક તરીકે માત્ર રીફર કરવામાં આવે તો પણ સંશોધન ચોક્કસ વધુ અર્થસભર બને જ એમાં કોઈ શંકાને સ્થાન ના હોઈ શકે.
ગેરફાયદા: 1. પૂર્વગ્રહ ગ્રસ્ત સંશોધન: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સને ટેક્સ્ટ અને કોડના મોટા ડેટા સેટ પર તાલીમ આપવામાં આવે છે, તેમાં પૂર્વગ્રહો હોઈ શકે છે. અને તેથી આનાથી આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સનો ઉપયોગ સંશોધનમાં પક્ષપાતી પરિણામો પેદા કરી શકે છે.
2. પારદર્શિતાનો અભાવ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાધનો ઘણીવાર જટિલ અને અપારદર્શક હોય છે. ખાસ કરીને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ પોતે કેવી રીતે કાર્ય કરે છે અને આ કાર્ય કેવીરીતે શક્ય બન્યું છે તે સંશોધનકર્તા સહિતનાઓ માટે રહસ્યમય હોય છે અને તેથી તે સમજવું અને તેમના પરિણામોનું અર્થઘટન કરવું મુશ્કેલ બનાવી શકે છે અને કેટલીકવાર પ્રક્રિયા ની જાણકારી વગર માત્ર પરિણામ મળે છે જે રહસ્યમય બની જાય છે. સંશોધન વિશ્વાસપાત્ર હોવા અંગેનો વિશ્વાસ જીતવો મુશ્કેલ થઇ શકે છે.
3. દુરુપયોગની સંભાવના: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સનો ઉપયોગ નકલી સમાચાર, સ્પામ અથવા હાનિકારક સામગ્રીના અન્ય સ્વરૂપો બનાવવા માટે થઈ શકે છે અને આવા સ્ત્રોતોનો સંદર્ભ તરીકે અથવા માહિતી તરીકે સંશોધન માં થયેલ ઉપયોગ હાનિકારક નીવડી શકે છે.
સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા દેવો કે નહીં: આખરે, ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા દેવો કે નહીં તેનો નિર્ણય મનોમંથન માંગી લે છે. જો તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવે તો ટેક્નોલોજી સાથે તાલ મિલાવવાની તક હાથથી સરી ના જાય અને જો તેનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે તો કદાચ સંશોધનની પ્રક્રિયા થકી થનાર કૌશલ્ય વર્ધનની તક સરી ના જાય તેની પણ ચિંતા કરવા જેવી જ રહી.
જો યુનિવર્સિટીઓમાં થતાં સંશોધનોનો હેતુ અર્થપૂર્ણ અને સમાજ, દેશ, જ્ઞાન-વિજ્ઞાન અને દુનિયાને ખરેખર ઉપયોગી થાય તે માટે સંશોધન કરવાનો હોય, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મંજૂરી આપવી જોઈએ. કારણ કે આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ સંશોધકોને સંબંધિત સંશોધનને ઓળખવામાં, જટિલ એવા સંશોધન ખ્યાલોને સમજવામાં અને નવા સંશોધનો માટે પ્રેરિત કરવામાં ઉપયોગી થાય છે. આ સંશોધનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. માત્ર સારું સંશોધન જ નહિ પરંતુ નવીનતમ સંશોધન તારણો ને સારી રીતે લખવામાં અને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે પણ ખુબ ઉપયોગી થઇ શકે છે.
જો કે, જો પીએચડીની ડિગ્રી મેળવવા માટે કરવામાં આવતા સંશોધનનો હેતુ ભવિષ્યમાં અર્થપૂર્ણ સંશોધન કરવા માટે ઉમેદવારોની કૌશલ્ય, ક્ષમતાઓ અને યોગ્યતા વિકસાવવાનો હોય, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ સાધનોનો ઉપયોગ પ્રતિબંધિત થવો જોઈએ. આ સાધનો વિદ્યાર્થીઓ માટે તેમની પોતાની નિર્ણાયક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવવા ની તક છીનવી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાહિત્યચોરી કરવાનો માર્ગ મોકળો કરી આપે છે અને એટલું જ નહીં પણ સાહિત્ય ચોરી કરી હોય તે પાછી પકડાઈ જાય નહિ તેની ગોઠવણ પણ કરી આપવાની ક્ષમતા ધરાવે છે કારણ કે કોઈક દ્વારા લખાયેલ લખાણ વિદ્યાર્થીઓ તેમના સ્ત્રોતોને યોગ્ય રીતે ટાંક્યા વિના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ પ્રયોગો દ્વારા બદલી કાઢીને કોઈપણ પ્રકારના પલગેરિઝ્મના સોફ્ટવેરમાં પકડાય નહિ તેવું જાણે ઓરીજીનલ હોય તેવું કરી શકે છે.
ટૂંકમાં, પીએચડી કરવાના ભાગ રૂપે કરવામાં આવતાં સંશોધનમાં જો સંશોધનનો હેતુ અર્થપૂર્ણ સંશોધન કરવાનો છે, તો આ સાધનો મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. જો કે, જો સંશોધનનો હેતુ વિદ્યાર્થીઓની કૌશલ્ય અને યોગ્યતા વિકસાવવાનો હોય, તો આ સાધનોને પ્રતિબંધિત અથવા મર્યાદિત કે નિયંત્રિત કરવા જોઈએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બેધારી તલવાર બની શકે છે: એક તરફ, સંશોધકોને સમય બચાવવા અને તેમના સંશોધનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. બીજી બાજુ, સાહિત્યચોરી અને વિવેચનાત્મક વિચાર કૌશલ્યનો અભાવ તરફ દોરી શકે છે.
સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રતિબંધિત કે નિયંત્રિત કરવો હોય તો તેની વ્યવસ્થા અને પ્રક્રિયા: વળી જો ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રતિબંધિત કરવો હોય તો તેની વ્યવસ્થા અને પ્રક્રિયા કેવી ગોઠવવી જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને થયેલ સંશોધન/સર્જનને ઓળખી કઢાય અને તેને અમાન્ય કરી શકાય તથા જો સજાની જોગવાઈ રાખવી હોય તો સજા કરી શકાય.
કદાચ એવું પણ બને કે આવી દેખરેખ રાખવાની વ્યવસ્થામાં મૂળ સંશોધનમાં લાગતો સમય, શક્તિ અને બૌદ્ધિકતા કરતા વધુ સમય, શક્તિ અને બૌદ્ધિકતાની આવશ્કયતા હોય. અને જો એમ હોય તો આખી ગાળી આડે પાટે ચડે જ ચડે અને અમૂલ્ય સંસાધનોનું અપ્રમાણસર ડાયવર્ઝન અથવા વ્યય જ થાય, તે અંગે પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ વિચારવું રહ્યું.
ઉચ્ચ શિક્ષણમાં સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રતિબંધિત અથવા નિયંત્રિત કરવા કેટલીક જોગવાઈઓ કરી શકાય તથા આવી જોગવાઈઓને જો વાસ્તવમાં અમલમાં મૂકવી હોય તો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નીચે મુજબની અમલીકરણ વ્યવસ્થા ગોઠવી શકે:
1. યુનિવર્સિટી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે જેમ યુનિવર્સિટીઓએ પ્લગેરિઝમ અંગે અલાયદા નીતિ નિયમો બનાવ્યા છે તેવા નીતિ નિયમો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે બનાવી શકે. આ નીતિ સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની મંજૂરી મેળવવા થી લઇ સંશોધનમાં તેનો ઉપયોગ કરવા અને કઈ જગાએ શા માટે કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો વગેરે સંપૂર્ણ વિગતો એકદમ પારદર્શી રીતે રિપોર્ટમાં રજૂ કરી શકે તેની રૂપરેખા તૈયાર કરે. આવી નીતિ સ્પષ્ટ અને સંક્ષિપ્ત હોવી જરૂરી છે, અને સંશોધકો માટે તેને સમજવું સરળ હોવું અત્યંત જરૂરી છે. પોલિસીને નિયમિતપણે અપડેટ કરવાની પણ જરૂર પડશે, કારણ કે એલ એલ એમ ટેકનોલોજી સતત વિકસિત થઈ રહી છે.
2. યુનિવર્સિટી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતી સંશોધન દરખાસ્તની સમીક્ષા કરવા નિષ્ણાતોની સમિતિ બનાવી શકે છે. આ સમિતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ જે તે વિષયના નિષ્ણાતની બનેલી હોવી જોઈએ. આ સમિતિ સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંભવિત જોખમો અને લાભનું મૂલ્યાંકન કરે અને યોગ્ય જણાય તે શરતો સાથે સંશોધન અંગેની દરખાસ્તો અને ખાસ કરીને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાના ઉપયોગની અનિવાર્યતા અનુસાર પરવાનગી આપવાનું કામ કરે. કોઈપણ સંશોધન કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે તે નિષ્ણાતોની સમિતિ દ્વારા મંજૂર થયેલ હોવું આવશ્યક છે.
3. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા તમામ સંશોધન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિશે સંપૂર્ણ પારદર્શક હોવા જોઈએ. ક્યાં કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનું વાજબીપણું સહિતની વિગતો જાહેર કરવાની જોગવાઈ કરી શકાય. ઉચ્ચ શિક્ષણની સંસ્થા જે સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે તેવાં સંશોધનોનો નવો ડેટાબેઝ બનાવી શકે છે. આ ડેટાબેઝમાં મંજૂર કરવામાં આવી છે તેવી સંશોધન દરખાસ્તો, હાથ ધરવામાં આવ્યા હોય તેવાં સંશોધનો અને આવા સંશોધનના પરિણામો વિશેની માહિતી શામેલ કરી શકાય.
4. કોઈપણ સંશોધન કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ સંશોધન peer review ને આધીન હોવું જોઈએ.
5. પીએચડી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો કે નહીં તેનો નિર્ણય કેસ-ટુ-કેસ લેવો જોઈએ: સંશોધનનો ચોક્કસ હેતુ, અભ્યાસનું ક્ષેત્ર અને વિદ્યાર્થીનાં કૌશલ્યો અને વિદ્યાર્થીની યોગ્યતાને ધ્યાનમાં લઈને પીએચડી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો કે નહીં તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવો જોઈએ.
6. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભવિત મર્યાદાઓથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજી ડેવલપમેન્ટ સ્ટેજ પર છે માટે તે હજી સંપૂર્ણ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલીકવાર ભૂલો કરી શકે છે, અને તે તમામ પ્રકારના સંશોધન ને સમજી જ શકે એ જરૂરી નથી. તેનો ઉપયોગ કરતા પહેલા તેની મર્યાદા થી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે.
ઉપસંહાર: ટૂંકમાં આવી જોગવાઈ એ સુનિશ્ચિત કરતી હોવી જોઈએ કે સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય તો ખરો પરંતુ સભાનતાપૂર્વક, ઈરાદાપૂર્વક અને પારદર્શી રીતે થાય જેથી સંશોધન સમૃદ્ધ, અર્થસભર, સલામત, નૈતિક, પારદર્શક અને ઉપયોગી પુરવાર થાય. માત્ર સંશોધનના પરિણામોજ નહીં તે હાથ ધરવાની પ્રક્રિયાની વૈજ્ઞાનિકતા અને પ્રામાણિકતા પણ સુનિશ્ચિત થાય. વળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ નો ઉપયોગ મૂલ્યવાન સાધન તરીકે ચોક્કસ થઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ માનવ સંશોધકોના વિકલ્પ તરીકે કરી શકાય નહીં. આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ દ્વારા થયેલા સંશોધનના પરિણામોનું અર્થઘટન કરવા અને તેનો નૈતિક રીતે ઉપયોગ થાય છે તેની ખાતરી કરવા માટે માનવ સંશોધકોની હજુ પણ જરૂર છે.
નોંધ: ડો. પ્રકાશચંદ્ર બચારવાલા હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મદદનીશ કુલસચિવ તરીકે કાર્યરત છે, આ લેખમાં પ્રદર્શિત થયેલ વિચારો અને મંતવ્યો તેઓના વ્યક્તિગત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp