26th January selfie contest

પ્રેમિકાને મુંબઇ ફેરવવા સુરતમાં યુવકે કરી ધોળા દિવસે કારની લૂંટ, નવસારીથી પકડાયો

PC: youtube.com

પ્રેમમાં પાગલ બનેલા યુવકો તેની પ્રેમિકાની ફરમાઈશ પૂરી કરવા અથવા તો પ્રેમિકાની સામે પોતે પૈસાવાળો છે તેવું બતાવવા માટે ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિઓને પણ અંજામ આપી દે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે કે, જેમાં પોતે પૈસાવાળો છે તેનો પ્રભાવ તેની ગર્લફ્રેન્ડ પર પાડવા માટે 19 વર્ષના યુવકે ધોળા દિવસે એક કારની લૂંટ ચલાવી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ ઘટનાને લઇને ભોગ બનનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં કારની લૂંટ કરનારા ઈસમની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ યુવકની ઉંમર માત્ર 19 વર્ષની છે.

રિપોર્ટ અનુસાર બુધવારે સવારે 11:30 વાગ્યા આસપાસ આગમ આર્કેડ પાસે 60 વર્ષના એક વૃદ્ધ કારમાં બેઠા હતા અને તેમનો દીકરો કાર રસ્તા પર પાર્ક કરીને મેડિકલ પર દવા લેવા ગયો હતો. ત્યારે એકાએક જ એક યુવક આ વૃદ્ધની કારમાં આવીને બેસી ગયો હતો અને વૃદ્ધને બંદૂક બતાવી તેમને કારમાંથી નીચે પાડીને કારની લૂંટ કરીને ભાગી ગયો હતો. ત્યારબાદ ભોગ બનનાર આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિનું નામ કપૂરચંદ જૈન છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીને પકડવા માટે સક્રિય બની હતી અને તે સમયે જ પોલીસને CCTV કેમેરાની મદદથી એવી માહિતી મળી હતી કે, કારની લૂંટ કરનાર ઈસમ મુંબઈ તરફ રવાના થયો છે. જેથી સુરત પોલીસે નવસારી પોલીસને આ કારની તમામ વિગતો આપી હતી અને જ્યારે લૂંટ કરનાર ઈસમ કારની લૂંટ કરીને મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે નવસારી પોલીસે કારની માહિતીના આધારે તેને પકડી લીધો હતો. નવસારી પોલીસે માહિતીના આધારે આ ઈસમની કાર ઉભી રાખી ત્યારે કારમાં એક યુવતી પર બેસેલી હતી અને યુવતી પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગી હતી. તેને ખબર ન હતી કે તેનો બોયફ્રેન્ડ આ કાર ચોરી કરીને લાવ્યો છે. યુવતી લગભગ 20 મિનિટ સુધી પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પોલીસે તેને સમજાવતા તે શાંત થઈ હતી અને ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, કારની લૂંટ કરનાર ઈસમનું નામ કશ્યપ ભેસાણીયા છે અને તેની ઉંમર 19 વર્ષની છે અને તે સુરતના પુણા વિસ્તારમાં રહે છે. કશ્યપ ભેસાણીયાએ પોલીસને કહ્યું હતું કે, તેને પોતે પૈસાવાળો છે તેવું ગર્લફ્રેન્ડને બતાવવા માટે તેને આ કારની લૂંટ કરી હતી. તે પોલીસને કારમાંથી એક લેપટોપ, એર ગનની સાથે 2.26 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

આ ઘટનાને લઇને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. પરમારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી મળતા જ કારની માહિતી તાત્કાલિક પોલીસ ગ્રુપ પર બ્રોડકાસ્ટ કરી દેવામાં આવી હતી અને તેના આધારે નવસારી ટોલ પ્લાઝા પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી લીધો હતો અને ઉમરા પોલીસ દ્વારા ટોલ પ્લાઝા પર જઈને આરોપીનો કબજો લેવામાં આવ્યો હતો. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે આરોપી કશ્યપ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેને અગાઉ કોઇ ગુનો કર્યો નથી અને તેને કારમાં વૃદ્ધને એકલા બેસેલા જોઈ અને ચાવી કારમાં હોવાના કારણે કારની લૂંટ કરવાનું નક્કી કર્યુ હતું. તે કારની લૂંટ કર્યા પછી તેની ગર્લફ્રેન્ડને મુંબઈ લઈ જઈ રહ્યો હતો. સાથે જ પોલીસની સામે તને કબૂલાત કરી હતી કે, કારમાંથી મળેલા પૈસા તેના છે અને પોલીસને એવું પણ જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડને ફરવા લઈ જતી હોવાથી કારની જરૂર હતી પરંતુ કાર નહીં મળતા તેને કારની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિના દીકરાએ જણાવ્યું હતું કે, તેઓ તેના પિતાને સવારે ભટાર વિસ્તારમાં આવેલા એક દવાખાનામાં લઇ ગયા હતા અને ડૉક્ટરને બતાવીને તેઓ પરત આવી રહ્યા હતા. તે સમયે આગમ આર્કેડ નજીક તેમના ઘર પાસે તેઓ કાર ઊભી રાખીને દવા લેવા ગયા હતા અને તે સમયે કારની ચાવી તેમાજ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp