સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓક વિરુદ્ધ વધુ એક અરજી

PC: divyabhaskar.co.in

સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓક વિરુધ વધુ એક અરજી, જમીન હડપનારને કાયદાની હદ બહાર જઇ મદદ કર્યાનો આક્ષેપ. સરકારના જ પરિપત્રો અને પ્રસ્થાપિત કાયદાનું ઘોર ઉલ્લંઘન થયા હોવાનો આરોપ મુકતી અરજી તમામ ઉચ્ચ અધિકારીને મોકલવામાં આવી. સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાના સારોલી ગામ ખાતે આવેલ બ્લોક નં.19 ( સર્વે નં.3/2/1) વાળી જમીનમાં મુળ ધારક રામા કેશવના વારસદારો પૈકી કેટલાક વારસદારોનો સીધો અને પ્રત્યક્ષ હક્ક, હિસ્સો હોય તેમ છતાં જમીન મેળાપીપણામાં ત્રાહિત ઇસમોને વેચવામાં આવી.

જમીન સરકાર દ્વારા ભુતકાળમાં પોતાના હસ્તક લઇ શરતભંગની કાર્યવાહી કરવામાં આવેલ પરંતુ ત્યારબાદ રીગ્રાન્ટ કરી આપવામાં આવેલ. જે ફરીવખત સરકારના ધ્યાનમાં અન્ય શરતભંગ માટે આવતા ફરીથી કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં સરકાર દાખલ થયેલ અને થોડા સમય બાદ રીગ્રાન્ટ કરવામાં આવેલ. આ જમીનમાં વારસદારો કુટુંબ-વંશાવલી હક્ક, હિસ્સો સંયુકત રીતે ભોગવતા આવેલ હતા. જમીન સરકાર હસ્તક થઇ હોય ત્યારે કુટુંબના જ એક વારસદાર (ઇશ્વરભાઇ) એ સંયુકત અરજી દ્વારા રીગ્રાન્ટ માટે વિનંતી કરેલ. જે અરજી ચાલી જતા તત્કાલિન કલેક્ટર આયુષ ઓક એ જમીન રીગ્રાન્ટ કરી આપેલ પરંતુ માત્ર ઇશ્વરભાઇના નામે જ રીગ્રાન્ટ કરેલ. કાયદાની જોગવાઇઓ મુજબ કઇ રીતે કલેક્ટર આખી વંશાવલીમાંથી એક જ વ્યકિતના નામે આ જમીન રીગ્રાન્ટ કરેલ તે હકીકત આશ્વર્યજનક છે.

વધુમાં (ઇશ્વરભાઇ)એ રીગ્રાન્ટ થયેના બે મહિનાની અંદર જ જમીન વેચાણ કરવાના બદઇરાદે બિનખેતી કરવા માટે મંજૂરી મેળવવા માટે સુરત કલેક્ટર આયુષ ઓકને અરજી કરેલ અને ત્યારે તત્કાલિક કલેકટર આયુષ ઓક દ્વારા બિનખેતીની મંજૂરી પણ આપી દીધેલ. પ્રર્વતમાન કાયદાની જોગવાઇ અને નામદાર અદાલતો તથા સરકારના પરિપત્ર મુજબ કોઇપણ જમીન જયારે ગ્રાન્ટ કે રીગ્રાન્ટ કરવામાં આવે તો તે હેતુ (ખેતી) 15 વર્ષ સુધી ફેરવી શકાય નહીં એટલે કે ધારકને ગ્રાન્ટ થયેથી 15 વર્ષ સુધી તે જમીનમાં ખેતી વિષયક પ્રવૃતિ જ કરવાની રહે છે નહીંતર તે શરતભંગ થયેલ ગણાય. ખાસ કરીને જમીન કે જે 73-એએ એવી જોગવાઇથી સ્પેશિયલ સ્ટેટસ પામેલી જગ્યા છે તેમાં તો આવું કોઈપણ કૃત્ય તે શંકા ઉપજાવનારું અને ફોજદારી ગુના સમુહ કૃત્ય કહેવાય.

જમીનમાં અન્ય વારસદારોના અલ્પશિક્ષિત કે નિરક્ષર હોવાનો ગેરલાભ લઇ તેમની પાસે તેમના હિસ્સાવાળી જમીનમાં (ઇશ્વરભાઇ) એ આવી ગેરકાયદેસરની અને ખોટી કાર્યવાહી કરેલ તેમાં કહેવાતા ખરીદનારોએ પણ કાવતરાનો ભાગ બની અન્ય કોઇ જમીન આપી દઇશું તેમ કહી તેમને તેમની સાથે આબાદ છેતરપિંડી કરેલ.
જમીનના આવા ટ્રાન્ઝેકશનને લીધે હાલમાં જમીન હોવા છતાં આ તમામ અરજદારો જમીન વિહોણા અને પોતાનું ખેડુત ખાતેદારનું હક્ક ટકાવી રાખવા ખુબ જ ગંભીર દુવિધામાં પડેલ છે.

અરજદારોના આક્ષેપ મુજબ જમીન રીગ્રાન્ટ કરતી વખતે પોતે આયુષ ઓક પણ જમીન ખેતી હેતુ વિષયક ફાળવી છે તેવું ઠરાવેલ. તેમ છતાં બે મહિનાના ગાળાની અંદર જ જમીન તેમણે કઇ રીતે બિનખેતી માટે મંજુર કરેલ તે નવાઇ પમાડે તેમ છે. જમીનનાં અન્ય વારસદારો દ્વારા અરજદાર તરીકે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી કાયદાકીય પગલા લઇ તેમનો હક્ક, તેમની જમીન અને સ્પેશિયલ સ્ટેટસ અબાધિત રાખવા વિનંતી કરવામાં આવેલ છે અને તેમના દ્વારા અમુક પ્રશ્નો જેવા કે, શરતભંગ-રીગ્રાન્ટનો ઇતિહાસ ધરાવતી જમીનમાં કઇ પણ ઠરાવતા પહેલા કેમ કોઇ યોગ્ય પુર્તતા કરવામાં ન આવી? કાયદાના સિધ્ધાંત અને જોગવાઇ તથા પોતાના જ હુકમની વિરૂધ્ધ જઇ કઇ રીતે કહેવાતી પરવાનગીઓ આપવામાં આવેલ? ખરીદનારાઓ આવી સ્પેશીયલ સ્ટેટસ ધરાવતી જમીન કાયદાકીય ગુંચ ઉભી કરી અને નિરક્ષરતાનો ગેરલાભ લઇ પચાવી પાડવાના બદઇરાદે ખરીદેલ તેમાં સીધી રીતે દેખાતું કૃત્ય કેમ નજરઅંદાજ કરવામાં આવેલ?

તત્કાલિન કલેકટર આયુષ ઓક વિરૂધ્ધ હાલ ઘણા મોટા જમીન કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે આ વધુ એક પ્રકરણ સામે આવ્યું છે હવે આવા ભુમાફિયાઓ (ખરીદનારા), મદદ કરતા અધિકારીઓ અને મળતીયાઓ વિરૂધ્ધ શું પગલા લેવાશે તે જોવાની વાત છે અને આવા નિર્દોષ તથા અલ્પશિક્ષિત સમાજના પછાત વર્ગના જમીન ધારકોની જમીન અને હકક માટે શું કરવું જોઇએ તેની પણ ચર્ચા જરૂરી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp