આરોહી પટેલ-ભવ્ય ગાંધીની ફિલ્મ 'અજબ રાતની ગજબ વાત' ના પ્રમોશન અર્થે સુરતના મહેમાન

PC: Khabarchhe.com

સુરત: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ "અજબ રાતની ગજબ વાત" લઈને આવી રહ્યા છે. 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના પ્રોમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિર્ગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સુરતમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શૉ પણ યોજાયો.

આ પહેલીવાર છે જ્યારે, ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મ ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ્ય, યશ્વી મહેતા, આરજે હર્ષ તથા આરજે રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.

ડૉ. જયેશ પાવરા જણાવે છે કે, "એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની સમગ્ર ટીમ અદ્ભૂત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણકે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે." ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp