દારુની હેરાફેરી માટે બુટલેગરે એવી તરકીબ વાપરી કે પોલીસની પણ આંખ પહોળી થઇ ગઇ

PC: news18.com

પોલીસ પકડથી દુર રહેવા માટે બુટલેગરો અનેક તરકીબો અજમાવતા હોય છે. પોલીસને અવળે પાટા ચઢાવવા માટે બુટેલગરો ઘણી વખત એમ્બ્યુલન્સ કે, શાકભાજીની વચ્ચે દારૂની હેરાફેરી કરતા હોય છે, કોઇક વખત વાહનોમાં બનાવેલા ચોરખાનામાં દારૂ લઇ જતા હોય છે.પરંતુ વલસાડ એલસીબીની એક બુટલેગરની તરકીબથી આંખ પહોળી થઇ ગઇ હતી. બુટલેગરો દમણ કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ લાવતા હોય છે.

વલસાડ એલસીબીએ પારડીમાં એક રોકડની ડીલીવરી કરતી કેશવાનને અટકાવી હતી. કેશવાનમાં રોકડ રૂપિયાને બદલે લાખો રૂપિયાનો દારુ ભરેલો હતો. પોલીસે કેશવાનનો દારૂ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.

જાણવા મળેલી વિગત મુજબ વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક કેશવાન ત્યાંથી પસાર થઇ રહી હતી. પોલીસે શંકાના આધારે કેશવાનને થોભાવી હતી અને એની અંદર દારૂનો મોટો જથ્થો જોઇને પોલીસ ચોંકી ગઇ હતી. વલસાડ LCBની ટીમના આશિષભાઈ, રાકેશભાઈ, અજયભાઈ, વિવેકભાઈ, દશરથભાઈ સહિતની દિવાળીના તહેવારને અનુલક્ષીને પારડી નેશનલ હાઈવે ઉપર ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. અને એક ટીમ બગવાડા ટીલ પ્લાઝા પાસે શંકાસ્પદ.વાહનોને અટકાવી વાહન ચેકીંગ કરી રહી હતી.

કેશવાનમાંથી દારૂની બોટલ નંગ 840 જેની કિંમત રૂ 1.02.000 રૂપિયાનો જથ્થો રૂ 3.00.000ની વાન મળી પોલીસે 4.07.000 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. અને ચાલક શૈતાનારામ ગણપતરામ સોનારામ બિશ્નોઈ ઉવ 28 રહે મહારાષ્ટ્ર પાલઘર, મનોરગામ ની ધરપકડ કરી હતી. અને આ હેરાફેરીમાં સંડોવાયેલા પવનકુમાર જાલારામ બિશ્નોઈ, અવિનાશ તેમજ ભવરલાલ, ત્રણેય રહે રાજસ્થાન જાલોર તેમજ અંકલેશ્વરનો કુસુમભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે

આરોપીએ કહ્યુ હતું કે પોલીસને શંકા ન જાય એટલા માટે કેશવાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.એલસીબીની ટીમને તો બગાસા ખાતા પતાસું હાથમાં આવી ગયું છે.

ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર વારંવાર કડક કાયદાની વાત કરતી રહે છે, પરંતુ બુટલેગરો ખુલ્લેઆમ દારુનો વેપલા કરતા રહે છે. ખાસ કરીને દમણથી, રાજસ્થાન બોર્ડરથી કે મહારાષ્ટ્ર બોર્ડરથી ગુજરાતમાં બિન્દાસ્ત દારુ ઠલવાતો રહે છે. ઘણી વખત પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં રેસ પણ લાગતી હોય છે અને બુટલેગરો ગાડી મુકીને ભાગી પણ જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp