સુરતઃ ચેમ્બરના ઇતિહાસમાં પહેલીવાર કાર્યકારી પ્રમુખ નીમવા પડ્યા, આબરૂના ધજાગરા

PC: google.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( એસજીસીસીઆઇ)ના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાને 31 જુલાઇથી કાર્યકારી પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવી છે.ચેમ્બરના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જે વ્યકિત સત્તાવાર પ્રમુખ બનવી જોઇએ તેમને 1 વર્ષ માટે કાર્યકારી પ્રમુખ બનાવવા પડયા છે.તત્કાલીન પ્રમુખ કેતન દેસાઇની જીદને કારણે આખો મામલો વણસ્યો અને ચેમ્બરની આબરૂના ઘજાગરા ઉડી ગયા, એવું માજી પ્રમુખોનું કહેવું છે.ચેમ્બરના બંધારણની કેટલીક ગુંચને કારણે પ્રમુખ તરીકે નાવડીયાને સહન કરવાનો વારો આવ્યો છે.

એસજીસીસીઆઇમાં હોદ્દા માટે સામાન્ય નિયમ એવો છે કે જે વ્યકિત ઉપપ્રમુખ હોય તે એક વર્ષ પછી આપોઆપો પ્રમુખ બની જાય. સિવાય કે અન્ય કોઇ પ્રમુખ તરીકેની દાવેદારી કરે.વર્ષ 2019-20ના પ્રમુખ તરીકે કેતન દેસાઇની વરણી થઇ હતી અને ઉપપ્રમુખ પદે દિનેશભાઇ નાવડીયાને પસંદ કરાયા હતા.ચેમ્બર પ્રમુખની અવધિ 1 વર્ષની હોય છે એટલે સામાન્ય રીતે જૂન મહિનામાં તેમનો કાર્યકાળ પુરો થતો હોય છે. એટલે કેતન દેસાઇનું વર્ષ પુરુ થયું અને ઉપપ્રમુખ દિનેશ નાવડીયા સીધે સીધા પ્રમુખ બની જાય. પણ આ વખતે કોરાનાની મહામારીને કારણે લોકડાઉન આવી જતા દિનેશ નાવડીયા પ્રમુખ બની ન શકયા.

ચેમ્બરના ઇતિહાસમાં આવું કયારેય બન્યું નહોતું, પણ બંધારણના નિયમ મુજબ આવા સંજોગોમાં મેનેજિંગ કમિટીની ચુંટણી થાય અને કમિટી પછી પ્રમુખ તરીકેની પસંદગી જાહેર કરે. પણ લોકડાઉનને કારણે એ પણ શકય ન બન્યું.સત્તાવાર રીતે જૂન મહિનાથી દિનેશ નાવડીયા પ્રમુખ બની જવા જોઇતા હતા.પણ પ્રમુખ કેતન દેસાઇએ બંધારણનો નિયમ લાવીને નાવડીયાને પ્રમુખ તરીકે આવતા અટકાવ્યા. આ બાબતે 30 જુલાઇએ મળેલી મિટીંગમાં હોબાળો થયો અને માજી પ્રમુખોએ સહી કરાવીને દિનેશ નાવડીયાને કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કરી દીધા.

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ કહ્યું હતું કે ચેમ્બરની આબરૂના ઘજાગરા મે નથી ઉડાવ્યા, પણ માજી પ્રમુખોએ જ ઉડાવ્યા છે.ચેમ્બરના પ્રમુખ તરીકે મારી ટર્મ 31 મે 2020ના દિવસે પુરી થતી હતી. પણ લોકડાઉન હતું તો હું ચાર્જ કોને સોપું? ચેમ્બરના બંધારણ મુજબ નિયમ એવો છે કે પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજીંગ કમિટીની ચુંટણી થાય. ચેમ્બર પ્રમુખ તરીકે પણ ફોર્મ ભરવું પડે અને જો કોઇ બીજા ઉમેદવારનું ફોર્મ ન આવે તો પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવે.લોકડાઉનમાં સત્તાવાર રીતે પ્રમુખ કોઇ બન્યું જ નથી તો હું ચાર્જ કોને સોપું?.

બીજુ કે હજુ મારી છેલ્લી વાર્ષિક સાધારણ સભા બાકી છે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો સત્તાવાર કાર્યભાર સોંપવામાં આવતો હોય છે.મેં ઘણી વખત ચેમ્બરના માજી પ્રમુખો સાથે વાત કરવાની તૈયારી બતાવી હતી પણ તેઓ તો મારી સામે કાવતરાં ઘડવામાં જ પડયા હતા.મેં સજજનતા દાખવીને એવો રસ્તો કાઢયો કે હું એક મહિનાની રજા પર ઉતરી જાઉં અને દિનેશ નાવડીયા કાર્યકારી પ્રમુખ તરીકે સામ સંભાળી લે તો ચેમ્બરનું કામ અટકે નહીં. પણ તેનો મતલબ એ નથી કે નાવડીયા આખા વર્ષ તરીકે પ્રમુખ તરીકે કામ કરશે.જયારે પણ સંજોગો આવશે ત્યારે વાર્ષિક સાધારણ સભા તો હું કરીશ જ તે પછી જ દિનેશ નાવડીયા સત્તાવાર પ્રમુખ બનશે. દિનેશ નાવડીયા માટે આ વર્ષ કપરું રહેશે, કારણ કે ચેમ્બરની ઓળખ એકિઝિબિશન માટે વધારે જાણીતી છે.સ્પાર્કલ, ઉદ્યોગ, ઓટો, ટેકસટાઇલ જેવા પ્રદર્શનને કારણે ચેમ્બરની શાખ વિશ્વભરમાં ફેલાયેલી છે. પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે કેટલાં પ્રદર્શન થઇ શકશે તે કહેવું મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp