26th January selfie contest

સ્વામિનારાયણ સંપ્રદાયે રાજ્યના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે: CM રૂપાણી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૂરતના આંગણે રૂસ્તમબાગ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની પૂર્વસંધ્યાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સુરતના રૂસ્તમબાગ ખાતે તાપીકિનારે સાકાર થયેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત મોટા વરાછા ખાતે સ્વામિનારાયણ મંદિરના તા.2 થી 9 ડિસેમ્બર સુધી આયોજિત ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’ અંતર્ગત વિદ્વાન સંસ્કૃતાચાર્ય પૂ.સતના વક્તાપદે આયોજિત ‘સ્વામિનારાયણ ચરિત્ર કથા’માં ઉપસ્થિત રહી કથાશ્રવણનો પણ લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિરના ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’ પ્રસંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્‍વામિનારાયણ ભગવાને હરિકૃષ્‍ણ ભગવાન અને લક્ષ્‍મીનારાયણ દેવની મૂર્તિઓની સ્‍થાપના કરવા સાથે વડતાલ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પવિત્ર શિક્ષાપત્રી પણ તેમણે સ્વહસ્તે વડતાલમાં જ લખી હતી. જેથી સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે વડતાલ તીર્થસ્‍થાન છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરી જનસેવા, સામાન્ય જનના શિક્ષણ, આરોગ્‍ય સેવા, વ્‍યસનમુકિત જેવા સામાજિક કાર્યોને ધર્મ કાર્ય સાથે જોડી ગુજરાતના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. છેવાડાના ગામો અને આદિવાસી વિસ્તારો સુધી સેવાયજ્ઞ દ્વારા ગુજરાતને પ્રતિષ્ઠિત બનાવ્યું છે. ‘સ્વામિનારાયણ ચરિત્ર કથા’માં પૂ.સત દ્વારા ધર્મની સાથે દેશપ્રેમ-દેશભક્તિ મજબૂત કરવાની શીખ અપાઈ રહી છે, ત્યારે કથાપાનના માધ્યમથી તેમની સમાજનિર્માણની ભાવનાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. મુખ્યમંત્રીએ સ્વ.અટલબિહારી વાજપેયીના અતૂટ અને અખંડ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનું સ્મરણ પણ કર્યું હતું.

વિશાળ સભામંડપમાં મુખ્‍યમંત્રીએ ‘જય શ્રીસ્વામિનારાયણ’ના જયઘોષ સાથે વધુમાં જણાવ્યું કે, આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમા મંદિરો દ્વારા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહ્યા છે. તાપી કિનારે સાકાર થયેલું સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓમાં આધ્યાત્મિક ચેતના જગાવશે. આ મંદિર ધર્મભાવના અને સત્કાર્યોથી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી અખૂટ શ્રદ્ધા પ્રગટાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગરીબી, ભ્રષ્ટાચાર, જાતિવાદથી મુક્ત એવા અભય અને નવા ભારતના સંકલ્પમાં આપણે સૌ ખભે-ખભા મિલાવી સહયોગ આપીએ. સંતોના આશીર્વાદથી રાજ્યના વિકાસ માટે અવિરત કાર્ય કરવાનું બળ મળે છે એમ જણાવી વિજય રૂપાણીએ ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’ માટે હ્રદયથી શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળાએ આચાર્ય રાકેશપ્રસાદજીએ મુખ્યમંત્રીને પ્રસાદીરૂપ સાફો અને સૂકામેવાથી સજાવેલો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. વક્તા પૂ.સતએ મુખ્યમંત્રીને નવનિર્મિત મંદિરની તસ્વીર અર્પણ કરી હતી.

નોંધનીય છે કે, આચાર્ય રાકેશપ્રસાદજીના આશિર્વાદથી અને પ.પૂ.સતના માર્ગદર્શન હેઠળ રૂસ્તમબાગ ખાતે મહાપ્રસાદીભૂત સ્થાનમાં ભારતીય શિલ્પકથાઓથી ભરપૂર શહેરના ગૌરવ સમાન અદ્દભૂત ભવ્ય મંદિરનું નિર્માણ નિર્માણ થયું છે. બંસીપહાડપુર પથ્થરમાંથી નિર્મિત થયેલા આ મંદિરની વિશેષતા એ છે કે, મંદિરમાં 60,000 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે. 105 ફૂટ લંબાઈ, 95 ફૂટ પહોળાઈ અને 85 ફૂટ ઉંચાઈ ધરાવતાં આ મંદિરમાં 5 શિખર, 9 ઘુમ્મટ, 18ર સ્થંભ, 1600 મયુર, 44 કમાન, 1100 પશુ પક્ષી, 38 તોરણ, 209 પાટ, 5 સિલીંગ, 12 દ્વાર, 900 મૂર્તિઓ, 10 ઝરૂખા, 1800 હાથીની કોતરણી કરવામાં આવી છે.

 આ વેળાએ પૂ.સતએ સંગીતમય અને સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવતાં જાતિવાદ અને પ્રાંતવાદને ભૂલાવી દેશપ્રેમી બનવાનો અનુરોધ કર્યો હતો. પાણી બચાવવાના આગવા ઉદ્દેશથી રાજ્યમાં યોજાયેલા જળ સંચય અભિયાનને તેમણે બિરદાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી વડતાલધામને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી ગત દેવદિવાળીના દિવસે વડતાલધામની મુલાકાત પ્રસંગે પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા અને પાલિતાણાની જેમ હવે વડતાલનો પણ યાત્રાધામ બોર્ડ અંતર્ગત સર્વાંગી વિકાસ કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી સંતો તથા હરિભકતોમાં આનંદની લાગણી વ્યાપી છે એમ સતએ ગૌરવથી ઉમેર્યું હતું.

આ મહોત્સવ અંતર્ગત લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા મંદિરનું ભવ્ય ઉદઘાટન, અન્નકૂટ, 108 કુંડી મહાવિષ્ણુયાગ, ભવ્ય મહિલામંચ, રક્તદાન કેમ્પ તથા અનેકવિધ આધ્યાત્મિક તેમજ સામાજીક કાર્યક્રમો સમયાંતરે યોજાઈ રહ્યા છે.

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સર્વ મુકેશભાઈ પટેલ, વી.ડી ઝાલાવાડીયા, હર્ષ સંઘવી, વિવેક પટેલ, સંગીતાબેન પાટીલ, મેયર ડૉ.જગદીશભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, પોલિસ કમિશનર સતીષ શર્મા, સંત જ્ઞાનજીવનદાસજી સ્વામી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો અને હરિભક્તો-સંતગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp