સુરત: AAPમાંથી BJPમાં ગયેલા કોર્પોરેટરને કાપોદ્રામાંથી ભાગવું પડ્યું

PC: divyabhaskar.co.in

ભાજપ દ્રારા અત્યારે સુરત શહેરમાં દરેક વોર્ડમાં ‘મારી માટી, મારો દેશ’ હેઠળ રેલીઓ કાઢવામાં આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા એક કોર્પોરેટરને કાપોદ્રામાં શરમજનક સ્થિતિમાં મુકાઇ જવું પડ્યું હતું. એવી સ્થિતિ પેદા થઇ કે આ કોર્પોરેટરે ભાગવું પડ્યું હતું.

‘મારી માટી,મારો દેશ’ કાર્યક્રમ હેઠળ ભાજપે ઘરે ઘરે જઇને માટી લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં આમ આદમી છોડીને ભાજપમાં સામેલ થયેલા ઘનશ્યામ મકવાણા કાપોદ્રામાં વોર્ડ નં 4માં ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે ભાજપનો ખેસ પહેરીને ગયા હતા. એ વખતે વોર્ડ નં. 4 ના આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ નિશાંત પાંચાણીએ બધાની હાજરીમાં પક્ષપલટો કરનાર ઘનશ્યામ મકવાણાને પુછ્યુ હતું કે, મારા મતનો સોદો કર્યો તેનો પહેલા જવાબ આપો. પાંચાણીએ અચાનક સવાલ પુછી નાંખતા ઘનશ્યામ મકવાણા શરમજનક સ્થિતમાં મુકાઇ ગયા હતા. એ પછી ભારે વાદવિવાદ ચાલ્યો હતો.

ઘનશ્યામ મકવાણા ભાજપના કાર્યકરોને કહ્યુ હતું કે, આને કોઇ સમજાવો, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પણ સાથે હતા, પરંતુ કોઇએ દખલગીરી કરી નહોતી. વાતનુ વતેસર થતા ઘનશ્યામ મકવાણાએ ત્યાંથી ભાગવું પડ્યું હતું એવું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ એક સમયના સાથી નિશાંત પાંચાણીએ ઘનશ્યામ મકવાણા જ્યારે વોર્ડ નં-4માં ભાજપનો ખેસ પહેરીને આવ્યા ત્યારે નિશાંતે સોશિયલ મીડિયા લાઇવ કરીને મકવાણાને સવાલો પુછવાના શરૂ કરી દીધા હતા. મકવાણાને સવાલ પુછવામાં આવ્યો કે મારા મતનો સોદો કેમ કરી દીધો?

મીડિયા સાથેની વાતચીતમાં ઘનશ્યામ મકવાણાએ કહ્યુ કે, નિશાંત પાંચાણીનું કામ જ પબ્લિસીટી સ્ટંટ કરવાનું છે. તેમણે કહ્યું કે, જ્યારે મારા વિસ્તારની અલગ અલગ સોસાયટીમા જતો હતો ત્યારે નિશાંત પાંચાણીએ મોબાઇલ ચાલું કરીને મને જાહેરમાં સવાલો પુછવાનું શરૂ કર્યુ હતું. નિશાંતે મારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે. મકવાણાએ કહ્યુ કે, મારા વિસ્તારની પ્રજા મને આવકારે છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ જીત મેળવી હતી. આમ આદમી પાર્ટી માટે આ ઐતિહાસિક જીત હતી, કારણકે પહેલી જ વારમાં આટલા બધા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ એ પછી એક પછી એક કોર્પોરેટરોએ AAP છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. લગભગ બારેક જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp