શું કોંગ્રેસ અહેમદ પટેલનો વારસો ખતમ કરી નાખવા માગે છે? ભાજપે શું કહ્યું?

PC: grownxtdigital.in

BJP ને 2024 માં સતત ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે બનાવવામાં આવેલા ગઠબંધન I.N.D.I.A. માં સીટ વહેંચણી અંગે આમ આદમી પાર્ટી AAP અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઇ છે. આ અંતર્ગત કોંગ્રેસે ગુજરાતની ભરૂચ બેઠક AAPને ફાળે આપી છે. આ બેઠક કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પરંપરાગત બેઠક છે. જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

એક તરફ અહેમદ પટેલની પુત્રીએ બળવાખોર વલણ અપનાવ્યું છે તો બીજી તરફ ભાજપે પણ આડે હાથ લીધા છે. બીજેપી પ્રવક્તા જયવીર શેરગીલે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કરતા કહ્યું કે આ રાજકુમારનો બદલો છે. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટી માટે પોતાનો જીવ આપનાર અહેમદ પટેલનો લાંબા સમયથી ગઢ AAPને સોંપવો એ "રાજકુમાર" નો બદલો છે.

તો બીજી તરફ BJP IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભરૂચની સીટ AAPને આપવીએ અહેમદ પટેલના વારસાને ખતમ કરવાનો અને તેમના પરિવારને અપમાન કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસની હમેંશા યૂઝ એન્ડ થ્રોની નીતિ રહી છે.માલવિયાએ લખ્યું છે કે અહેમદ પટેલ અને રાહુલ ગાંધી વચ્ચેના મતભેદો વિશે બધા લોકો જાણે છે.

ભરૂચ લોકસભા બેઠક પરથી દિવંગત અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને દીકરો ફૈઝલ પટેલ તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ગઠબંધનની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસે લડવાનું નક્કી કર્યું અને ભરૂચ અને ભાવનગરની બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી.

મુમતાઝ પટેલે કહ્યું હતું કે, ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ ન મેળવી શકવા બદલ હું અમારા જીલ્લા કેડરની દિલથી માફી માંગુ છું. હું તમારી નિરાશા શેર કરું છું. કોંગ્રેસને મજબુત કરવા માટે આપણે ફરી એક થઈશું. આપણે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ. ભરૂચની દીકરી.

કોંગ્રેસના સંકટ મોચક તરીકે ગણાતા અહેમદ પટેલે રાજ્યસભા અને લોકસભા બંનેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહેમદ પટેલ 3 વખત ભરૂચથી સાંસદ રહ્યા હતા અને 2 વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ 2001થી સોનિયા ગાંધીના અંગત સલાહકાર રહ્યા હતા.વર્ષ 2020માં તેમનું કોરોનાને કારણે નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp