સુરત: ઘી પણ નકલી, સોયાબીનનું તેલ, હળદળ, કેમિકલ નાખી બનાવાતું, જુઓ વીડિયો

PC: twitter.com/khabarchhe

સમય સમય પર ખાવા-પીવાની ભેળસેળવાળી વસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતત કામ કરતો હોય છે. એ જ રીતે સુરતમાં રાંદેર પોલીસે બાતમીના આધારે જકલી ઘી બનાવતું એક કારખાનું ઝડપી પાડ્યું છે. આ ઘી ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. શંકાસ્પદ પનીર બાદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી 225 કિલો નકલી ઘીના જથ્થા સાથે એક કારખાનું ઝડપાયું છે.

અહીં દાલ્દા ઘીમાં સોયાબીનનું તેલ, હળદળ, કેમિકલ નાખી ઘી બનાવવામાં આવતું હતું. આ ઘી વિભિન્ન ડેરીમાં વેચવામાં આવતું હતું. આ બધા ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લોગો હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે જ રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું એક કારખાનું ઝડપી પાડ્યું હતું. સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીમાંથી આ ઘી બનાવવાનું કામ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.

પકડાયેલો આરોપી કેટલા સમયથી આ ધંધો કરતો હતો, તેને લઈ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગોગા ચોક નજીક સાઈનાથ સોસાયટીના પ્લોટ નંબર-15મા રાજેશકુમાર હરગોવનભાઈ પટેલ નામનો વ્યક્તિ નકલી ઘીની ફેક્ટ્રી ચલાવે છે. ત્યારબાદ આરોગ્ય વિભાગની એક ટીમ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઘી બનાવવાની સાધન સામગ્રી, વનસ્પતિ ઘીનો 15 કિલોના ડબ્બા સાથે રિફાઇન સોયાબીન તેલનો મોટો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઘીના નમૂના પણ લીધા હતા. આ વ્યક્તિ કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરે છે અને ક્યાં-ક્યાં સપ્લાઇ કરે છે? તે બાબતે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ, નકલી ઘી બનાવવાના ગોરખધંધાનો રાંદેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલિકાએ જાણવા જોગ કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. અહીં આરોપીએ નકલી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો આપીને ગણતરીની મિનિટોમાં બનાવટી ઘી બનાવીને બતાવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં જ નકલી ઘી બનાવવાની સામગ્રી પોલીસની સામે ટેબલ પર મુકવામા આવી હતી. જ્યાં આરોપીએ પહેલા એક બાઉલમાં સોયાબીન તેલ લીધું અને મિક્સ કરી દીધું હતું. તેની અંદર થોડું હળદર નાખ્યું હતું. તેમાં એસેન્સ નાખ્યા બાદ વનસ્પતિ તેલ નાખવામાં આવ્યું હતું. તેનું મિશ્રણ કરીને ઘી બનાવ્યું હતું. ગણતરીની મિનિટોમાં વિવિધ વસ્તુનો ઉપયોગ કરીને નકલી ઘી બનતું જોઈને પોલીસ પણ દંગ રહી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp