26th January selfie contest

સચીન GIDCમાં પાણી પુરવઠાનો વિરોધ કરનારાઓનું' દુખે છે પેટ અને કૂટે છે માથું'

PC: timesofindia

સચીન GIDCમાં પાણી પુરવઠા યોજના માટે ટેન્ડરની પ્રક્રીયા હાથ ધરવામાં આવતા કેટલાક વાંકદેખા લોકો વિરોધનો ઝંડો લઈ કૂદી પડ્યા છે. GIDCના નાના મોટા તમામ ઉદ્યોગકારોના સર્વાધિક હિત અને પાણીની ભારે માંગને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠાની યોજના બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારના વ્યક્તિગત લાભાલાભને જરાય પ્રોત્સાહન ન મળે તે માટે પારદર્શી રીતે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે.

આરોપ મૂકનારા લોકો દુખે છે પેટ અને કૂટે છે માથું. તેમને એટલું કહેવાનું છે કે સચીન GIDCના આર્થિક હિતો અને ધંધાકીય હિતોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પાણી પુરવઠા માટે અેક વખત સુરત મહાનગરપાલિકા અને અન્ય સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરી યોજનાને મૂર્તિમંત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ GIDCના નાના મોટા ઉદ્યોગકારોને ગેરમાર્ગે દોરી અને ખોટી માહિતી અને ભ્રમણા, અફવા ફેલાવી પાણી પુરવઠા યોજનાને સાકાર કરવાની આડે રોડા અને અવરોધ ઉભા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે વાતો અને રજૂઆતો છે તેમાં અતાર્કિક દલીલો રજૂ કરવામાં આવી છે. પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જેનો કોઈ પુરાવો કે આધાર વિરોધ કરી રહેલા લોકો પાસે નથી.

ક્યાંય કોઈ કચાશ રાખવામાં આવી નથી. સચીન વિવર્સ એસોસિએશનને હાથો બનાવી કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે પાણી પુરવઠા યોજનાને ખોરંભે પાડવા મેદાને પડ્યા છે. ભૂતકાળમાં પણ આવા પ્રયાસો થયા હતા અને વિરોધીએ GIDCના વિશાળ હિતને પારાવાર નુકશાન પહોંચાડ્યું હતું અને આજે પણ પહોંચાડી રહ્યા છે.

સચીન GIDCમાં પાણી પુરવઠા યોજના અંગે અવરોધ ઉભો કરવા પાછળ કેટલાક લોકો સક્રીય થયા છે અને તેમાં પૂર્વ પ્રમુખ સહિત તેમના અન્ય એક રામાણી બંધુ સાથે મળીને પાણી પુરવઠા યોજના વિરુધ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. રામાણી બેલડી દ્વારા પડદા પાછળથી દોરીસંચાર કરી સચીન GIDCના ઉદ્યોગકારોને ગેરમાર્ગે દોરી સદંતર ગૂમરાહ કરવામાં આવી રહ્યા છે. સચીન GIDCના ઉદ્યોગકારો રામાણી બેલડીના કારનામાઓથી સુપેરે પરિચિત છે. મૂળ વાત તો એ છે સચીન GIDCમાં હાલ જે પાણી ચોરી કરવામાં આવી રહી છે તે પાણી ચોરી આ પાણી પુરવઠા યોજના સાકાર થતાં સંપૂર્ણપણે બંધ થઈ જશે એટલે વિરોધીઓએ બૂમરાણ મચાવી છે.

આ પાણી પુરવઠા યોજનાથી સચીન GIDCના ઉદ્યોગકારોને બાનમાં લેવાની કોઈ યોજના નથી. કોઈ વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી નથી.

સચીન નોટીફાઈડ એરિયાના ચેરમેન દિપક અકબરીએ આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યું કે GIDC પાસે પાણી નથી. પાછલા બે વર્ષથી પાણી માટે માગણી કરવામાં આવે છે. સચીન GIDCમાં વોટર બેઝ ઈન્ડસ્ટ્રીઝ છે, પાણી વગર જરાય ચાલે એમ નથી. જેથી કરીને GIDCનાં નિયમો પ્રમાણે પાણી આપવા માટે ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે 24 કલાકમાંથી માત્ર એક કલાક પાણી મળે છે. ઈન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા માટે પાણી જોઈએ પછી GIDC ગમે ત્યાંથી પાણી લાવીને આપે.

તેમણે કહ્યું કે ટેન્ડરમાં કોઈ વહાલા દવલાની નીતિ અપનાવાઈ નથી. ઓન લાઈન ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવી છે જેને ટેન્ડર ભરવું હોય તે આ ટેન્ડર ભરી શકે છે. બીજું એ કે એવા લોકો વિરોધ કરવા નીકળ્યા છે જેમને પાણીની બહુ જરૂર રહેતી નથી અને વિવર્સ વાપરે તેટલું પાણી તેમને મળી રહે છે પરંતુ જે મેજર ઈન્ડસ્ટ્રીઝને પાણી યોજના સામે વાંધો નથી.જેઓ ખોબા ભરી પાણીનો વપરાશ કરે છે તેઓ વિરોધ કરે છે તો આની પાછળ કશુંક મોટું રંઘાયું હોવાની ગંધ આવ્યા વગર રહેતી નથી. પ્રોસેસર્સની પાણી માટે ભારે ડિમાન્ડ છે. પાણીના અભાને યુનિટો બંધ થવાની અણીએ આવી ગયા છે જેથી કરીને GIDCના ભાવે પાણી મળે તો યોજનાને સાકાર કરવા માટે પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp