વ્યારામાં કળીયુગી પુત્રએ પત્નીની મદદથી વૃદ્ધ માતાને માર્યો માર

PC: news18.com

માતા-પિતા બાળકોને નાનપણથી ઉછેરીને બાળકોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરીને તેમને પગભર બનાવે છે. પરંતુ જ્યારે બાળક પગભર થઈ જાય છે અને પછી માતા-પિતાને સાચવવાનો વારો આવે છે ત્યારે તે પોતાની ફરજને ભૂલી જાય છે અને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે અથવા તો પોતાના ઘરમાં જ રાખીને તેમને અલગ અલગ રીતે ત્રાસ આપે છે, ત્યારે આવો જ એક કિસ્સો વ્યારાના સોનગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધાએ તેના પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાએ તેમની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પાણી બાબતે પુત્ર અને પુત્રવધુએ તેને માર માર્યો હતો. પોલીસે સમગ્ર મામલે વૃદ્ધાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર, સોનગઢ તાલુકામાં આવેલા ખરસી ગામમાં 75 વર્ષના લલીતા ગામીત તેમના પરિવારની સાથે રહે છે. લલીતા ગામીતને જીતેન્દ્ર અને જયેશ નામના બે સંતાનો છે. જેમાં મોટો પુત્ર જયેશ તેના પરિવારની સાથે માતાથી અલગ રહે છે અને લલીતા ગામીત નાના પુત્ર જીતેન્દ્ર અને પુત્રવધૂની સાથે રહે છે.

જયેશ માતાથી અલગ રહેતો હોવા છતાં પણ તે માતાને અવાર નવાર ધમકાવતો હતો અને ગત શનિવારે જ્યારે વૃદ્ધા લલીતા ગામીત તેમના ઘરે બેઠાં હતા તે સમયે જયેશ હાથમાં લાકડી લઈને તેની પત્ની સાથે માતા પાસે આવ્યો હતો. જયેશે માતાને કહ્યું હતું કે, મારા બોરમાંથી તમે બીજાને પાણી આપવાની વાત શા માટે કરો છો અને બોરમાંથી પાણી આપવા બાબતે પુત્ર જયેશે માતા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તે સમયે માતા લલીતા ગામીતે જણાવ્યું હતું કે, તે જે પાણીનો બોર કરાવ્યો છે તેના પૈસા અમે આપ્યા છે, જેથી તું અમને પાણી શા માટે વાપરવા આપતો નથી.

માતાની આ વાત સાંભળીને પુત્ર જયેશ અને તેની પત્ની ચંદ્રિકા રોષે ભરાયા હતા. જયેશ માતાને મન ફાવે તેવા અપશબ્દો બોલવા લાગ્યો હતો. તો બીજી તરફ ચંદ્રિકાએ તેના સાસુને પકડ્યા હતા અને પુત્ર જયેશે માતાને માર માર્યો હતો. આ ઉપરાંત તેણે માતાનો હાથ વાળીને તેમને જમીન પર પટકી દીધા હતા. આ ઘટનામાં લલીતા ગામીતને ઇજા થતાં તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. જેથી આસપાસના સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

પુત્રએ માતાને માર મારતા વૃદ્ધા લલીતા ગામીતે 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કર્યો હતો. તેથી 181નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ લલીતા ગામીત જમીન પર પટકાયા હોવાથી તેમને કોણીના ઉપરના ભાગે હાથમાં ફ્રેકચર થઈ ગયુ હતું. તેથી તેમને સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં લલીતા ગામીતે પોતાના પુત્ર જયેશ અને પુત્રવધુ ચંદ્રિકા સામે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp