સુરત ડાયમંડ બુર્સ માં 10મેથી 500થી વધારે ઓફિસ ધમધમતી થઇ જશે, કોણે કર્યો આ દાવો?

PC: livehindustan.com

સુરત ડાયમંડ બુર્સ 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું પછી એક ડેવલપમેન્ટ એ થયું કે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લખાણીની કંપની કિરણ જેમ્સના જે કર્મચારીઓ મુંબઇથી સુરત આવ્યા હતા તે બધા પછા મુંબઇ પરત ફર્યા, જેને કારણે બુર્સનો જે ઉત્સાહ હતો તે થોડો ઠંડો પડતો દેખાયો.

આ બધા કારણોને લીધે એક એવી ચર્ચા શરૂ થઇ કે શું સુરત ડાયમંડ બુર્સ ભૂતિયા બિલ્ડીંગ બની જશે? શું સુરત ડાયમંડ બુર્સ ધોળો હાથી બની જશે? સુરતની શાન બનવાની જે આશા હતી તેની પર પાણી ફરી વળશે? આ બધી બાબતોની અમે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે આગામી 10 મે 2024થી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 500થી વધારે ઓફિસો ધમધમતી થઇ જવાની છે. ઘણી બધી ઓફિસોમાં ફર્નિચરનું કામ શરૂ થઇ ગયું છે.

એક વાત સમજવા જેવી છે કે, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું જેને બિરુદ મળ્યું છે, જ્યાં 4500થી વધારે ઓફિસ બની છે અને અંદાજે 4500 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, એવા સુરતની શાન સમા સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટને સફળતા માટે સમયની રાહ જો જોવી પડશે. આટલો મોટો પ્રોજેક્ટ હોય તો રાતોરાત કઇ ધમધમવા ન માંડે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સને બનતા 20 વર્ષ લાગેલા અને અને ત્યાં પણ ઓફિસો શરૂ થવામાં વાર લાગેલી. એની સામે સુરત ડાયમંડ બુર્સતો માત્ર 4 વર્ષમાં જ તૈયાર થઇ ગયું હતું.

અમે સુરત ડાયમંડ બુર્સના મીડિયા કન્વીનર દિનેશભાઇ નાવડીયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, 10 મે 2024થી 500થી વધારે ઓફિસો શરૂ થઇ જશે. સુરત ડાયમંડ બુર્સ ભૂતિયા થઇ જશે એ માત્ર ભ્રામક પ્રચાર છે. SDBના તમામ હોદ્દેદારો ખુભ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. નિયમિત મીટિંગો મળી રહી છે અને ઓફિસ ધારકોનો ફિલ્ડમાં જઇને સમજાવવામાં આવી રહ્યા છે, કે બોલો તમે ક્યારે સુરત ડાયમંડ બુર્સમાં આગમન કરો છો? એટલે ઘણા બધા લોકોએ હવે તૈયારી બતાવી છે.

સુરત ડાયમંડ બુર્સમાં જેમણે 500 સ્કેવર મીટરની ઓફિસ 24 લાખ રૂપિયામાં ખરીદી હતી તેની વેલ્યુ આજે 50 લાખ રૂપિયા થઇ ગઇ છે. જો બુર્સ ધમધમતું થશે તો 6 મહિનામાં વેલ્યુ વધારે વધી જશે. જેમણે ઓફિસ રાખેલી છે એમણે એ વાત સમજવાની જરૂર છે કે તેમણે ઓફિસની વેલ્યુએશન વધારવી છે કે ઘટાડવી છે.?

તાજેતરમાં લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના એક ગેટ ટુ ગેધર કાર્યક્મમાં સુરત ડાયમંડ બુર્સના ડિરેકટર લાલજીભાઇ પટેલે પણ કહ્યું હતું કે, 10 મે 2024થી 500થી 600 ઓફિસો શરૂ થઇ જશે. ફર્નિચરનું કામ ઝડપથી પતાવવા અમે ઓફિસ ધારકોને વિનંતી પણ કરી છે એવું પટેલે કહ્યું હતું.

સુરત ડાયમંડ બુર્સ માત્ર સુરતની જ શાન નહી, પરંતુ ગુજરાત, દેશ અને દુનિયાની શાન બનવાનું છે. સુરત ડાયમંડ બુર્સ સુરત માટે તો એક ઇજ્જતનો સવાલ છે જ, પરંતુ પાટીદારોની પણ ઇજજતનો સવાલ છે. સુરત ડાયમંડ બુર્સમાં મોટાભાગના હોદ્દેદારો પાટીદાર સમાજના છે અને પાટીદારોનો ઇતિહાસ એવો છે કે તેઓ જે કામ હાથ પર લે તેને સફળતા સુધી પહોંચાડ્યા વગર કેડો મુકતા નથી.

બીજું કે સુરત ડાયમંડ બુર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ નામ જોડાયેલું છે. તેમનો આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેઓ જાતે ઉદઘાટન કરવા માટે આવ્યા છે. હવે જો સુરત ડાયમંડ બુર્સ સફળ ન થાય તો ડાયમંડના ઉદ્યાગકારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી વખત કયા મોઢે મળવા જાય? ડાયમંડ ઉદ્યોગકારોમાં એટલી તો તાકાત છે જ કે PM મોદીનું નામ ખરાબ થાય એવું તો ન જ થવા દે.

ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું અત્યાર સુધી રાજકારણમાં પ્રતિનિધ્તવ નહોતું, પરંતુ હવે જ્યારે ભાજપે ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકીયાને રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે ત્યારે સુરત ડાયમંડ બુર્સ પાસે એક ગોલ્ડન ઓર્પોચ્યુનિટી છે. ગોવિંદભાઇ પોતે ડાયમંડ ઉદ્યોગને અને ડાયમંડ ઉદ્યોગની સમસ્યાને સારી રીતે સમજે છે.

ટુંકમાં સુરત ડાયમંડ બુર્સ ભૂતિયા થાય એવું અત્યારે લાગતું નથી. સમય લાગશે, પરંતુ દુનિયામાં સુરતનો ડંકો વગાડશે એ વાત નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp