નર્મદ યુનિવર્સિટીમાં 'પત્રકારત્વની આજ અને કાલ' વિષય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જી-૨૦ અંતર્ગત વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી અને શ્રી પ્રવિણકાંત રેશમવાલા પત્રકારત્વ વિભાગ દ્વારા અંગ્રેજી વિભાગના સેમિનાર હોલ ખાતે 'પત્રકારત્વ આજ અને કાલ' વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં સુરતના પ્રસિધ્ધ પ્રિન્ટ તથા ડિઝીટલ માધ્યમોના સંપાદકોએ બદલાતા જતા સમય અને પત્રકારત્વના નવા માધ્યમો સાથે સમાજમાં બદલાતી પત્રકારત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી યુવાઓ સાથે સંવાદ સાધ્યો હતો. સાથે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું. દિવ્ય ભાસ્કરના નિવાસી તંત્રી વિજયસિંહ ચૌહાણે બદલાતા સમયમાં પત્રકારત્વની પ્રાસંગિકતા અંગે જણાવ્યું હતું કે, પ્રિન્ટ મીડિયાની જેમ ડિઝીટલ મીડિયાનું પણ અલગ મહત્વ છે. પત્રકારત્વક્ષેત્રે પહેલાના સમયમાં રિપોર્ટરો હસ્તલિખિત સમાચારો અખબારોને આપતા હતા જયારે હવે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ જેવા આધુનિક ઉપકરણોના ઉપયોગથી સમાચારો લખીને આપે છે. જેથી સમયની સાથે પરિવર્તન નહી કરીયે તો પ્રાંસગિક રહી શકાશે નહી. તેમણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને કહ્યું કે, પત્રકારત્વ એક સંઘર્ષ છે.
પત્રકારે હંમેશા વાંચનની સાથે શીખતા રહેવું પડશે. વધુ સમય પત્રકારત્વક્ષેત્રે આપશો તો તમારી સ્કીલ વધશે. પરિસંવાદમાં વિદ્યાર્થીઓને 'જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન' બનવાની સલાહ આપતા ગુજરાત મિત્રના ન્યુઝ એડીટર ધર્મેશ કુકડિયાએ કહ્યું કે, દરેક સમયે પત્રકારત્વ પ્રાંસગિક છે અને રહેશે પણ તેનું સ્વરૂપ બદલાતું રહે છે. બદલતા સમય સાથે પત્રકારે દરેક વિષયથી માહિતગાર રહેવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે, બદલતા સમય સાથે પત્રકારોએ પણ પોતાની જૂની માનસિકતા બદલી માત્ર એક વિષયમાં જ્ઞાન મર્યાદિત ન રાખતા દરેક વિષયના જાણકાર બનવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, એક સફળ પત્રકાર બનવા માટે ભાષા પર પ્રભુત્વ, સચોટ જ્ઞાન, તેમજ આધુનિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એ સમયની માંગ છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા બદલાતુ રહેશે પણ સાથે પત્રકારે પણ પરિવર્તનશીલ અને સજ્જ રહેવું પડશે. પત્રકારે ફિલ્ડનું જ્ઞાન મેળવવું જરૂરી છે તો જ તે નિપુણતાથી લખી શકશે. ભારત યુવા અભિયાનના સહતંત્રી જસંવતસિંહ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા થકી સમાચારો તત્કાલ મળતા હોય છે પણ અખબારમાં તે સમાચારોનું સચોટ નિરૂપણ વાંચવા મળે છે. બદલાતા સમયની સાથે પત્રકારની જવાબદારી પણ વધી છે. ભારત જયારે વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે પત્રકારોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે.
આ અવસરે ધબકાર દૈનિકના તંત્રી નરેશ વરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતી પત્રકારત્વનો ઉદય સુરતથી થયો છે. પ્રથમ અખબાર એવા મુંબઈ સમાચાર શરૂ કરનાર ફરદુનજી મર્જબાન સુરતના રહેવાસી હતા. સુરતની સાચી ઓળખ સાહિત્ય અને પત્રકારત્વની છે. સુરતનું ખાનપાન સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આ સંસ્કૃતિને વિશ્વમાં વિખ્યાત કરવાનું કાર્ય અખબારોએ કર્યું છે. ભુતકાળમાં બહેરામજી મલબારીએ બાળ વિવાહ જેવા પરંપરાગત કુરિવાજોને તિલાંજલી આપવા માટે અખબારમાં ધારદાર લેખો લખ્યા હતા. વીર કવિ નર્મદ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ જેવા સુધારાવાદી અને સામાજિક જાગૃતિના પ્રહરી પત્રકારોએ સમાજને જાગૃત કરવાનું બિડુ ઉઠાવ્યું હતું. પત્રકારત્વ એ પાર્ટટાઈમ જોબ નથી. જે ૨૪ કલાક જાગૃત રહીને કાર્ય કરી શકે તેઓએ આ ફિલ્ડમાં આવવું જોઈએ એવો મત વ્યકત કર્યો હતો.
સામના દૈનિક વર્તમાનપત્રના તંત્રી મનોજ શિંદેએ સમાજમાં બનતી નાની મોટી ઘટનાઓના સુયોગ્ય પ્રચાર-પ્રસાર થકી લોકોને નિયમિત અવગત કરતા પત્રકારત્વનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આઝાદીની ચળવળ સમયે ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા સમાચારપત્ર 'ઇન્ડિયન ઓપીનિયન' અને 'નવજીવન'ના ઉદાહરણ દ્વારા દાયકાઓ પહેલા શરૂ થયેલા પત્રકારત્વ અને તેમાં આવેલા બદલાવ વિષે ચર્ચા કરી સામાજિક ક્ષેત્રે અખબાર/મીડિયાના વિશેષ પ્રભાવ વિષે જાણકારી આપી હતી. વધુમાં તેમણે લોકશાહીના મૂલ્યોનું ખરા અર્થમાં જતન કરતા પત્રકારની આગવી ભૂમિકા જણાવી સમાજનું હિત ઈચ્છતા યુવાઓને પત્રકારત્વના હકારાત્મક પાસાઓ પર ધ્યાન આપી તેમાં નિષ્ઠાપૂર્વક જોડાવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ અને ઝડપી યુગમાં પરંપરાગત સમાચારપત્રોની જનમત ઘડવાની મહત્વની ભૂમિકા બદલાઈ રહી છે. અધૂરું જ્ઞાન અને ભાષા પર અપૂરતી પકડને કારણે દિશાહીન થઈ રહેલા પત્રકારત્વ પર ચિંતા વ્યક્ત કરી તેમણે ભાવિ પેઢીને સત્યની પડખે ઊભા રહી ફિલ્ડ પર જઈ લોકો સાથે સંવાદ કરીને રિપોર્ટીંગ કરવાની હિમાયત તેમણે કરી હતી.
આ અવસરે Khabarchhe.comના સંપાદક વિરાંગ ભટ્ટએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં લોકોને ઝડપભેર સમાચારો પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અગત્યનું માધ્યમ બન્યું છે. આંગળીના ટેરવે દુનિયાના ખુણે બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા માટે ડિઝીટલ મીડિયા યુગનો પ્રારંભ થયો છે ત્યારે પત્રકારત્વ એ કારકિર્દી ઘડવા માટેનું પણ ઉમદાક્ષેત્ર છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે સીધી ખબર ડોટકોમના સંપાદક જવલંત નાયકે જણાવ્યું કે, ડિઝીટલ મીડિયાનો પ્રભાવ વધતા પ્રિન્ટ-ઈલેકટ્રોનિક માધ્યમોમાં સ્પર્ધા વધી છે. ઓછા શબ્દોમાં સમાચારને લોકો સુધી ઝડપભેર પહોંચાડવા માટે સોશિયલ મિડિયાની ભુમિકા અંગેની વિગતો તેમણે આપી હતી. આ અવસરે લોકતેજ હિન્દી દૈનિકના તંત્રી કુલદીપ સનાઢય તથા વોઈસ ઓફ ટ્રેડ હિન્દી દૈનિકના તંત્રી અશોક ખાખોલીયાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રની છાપ નિર્માણ માટે રાષ્ટ્રીય સમાચારપત્રોની ભુમિકા પર પોતાના વકતવ્યો રજુ કર્યા હતા. આ અવસરે યુનિ. કુલપતિ ડો.કે.એન.ચાવડા, યુનિ.ના કુલસચિવ રમેશદાન ગઢવી, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગના કો-ઓર્ડિનેટર ડો.ભરત ઠાકોર તથા પ્રો.ડો.કિરણ મિત્તલ તેમજ પત્રકારત્વક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ, પ્રિન્ટ તથા ડિઝીટલ મીડિયાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp