સુરતમાં ઉદ્યોગોનું ધૂમ પ્રદૂષણ, GPCB ઉંઘે છે

PC: static.toiimg.com

ઔદ્યોગિક નગરી ગણાતા સુરતના પાંડેસરા અને સચિન જીઆઇડીસી તથા હજીરા,કીમ,સાયણ પીપોદરા, કરંજ સહિતના વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદૂષણને કારણે ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત વ્યવસાયો તો કેટલાક ક્ષેત્રોમાં આસપાસના રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને માનવ વસાહતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુક પ્રેક્ષક બનીને મોટા ગજાનાં વાયુ પ્રદુષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે કોઈ અસરકારક કામગીરી કરતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોવાનું સામાજિક અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક આગેવાન દર્શન નાયક દ્વારા તંત્રને આડેહાથ લેતા જણાવ્યું છે કે ઔદ્યોગિક વિકાસ કોઈપણ વિસ્તારની પ્રગતિનું માપદંડ ગણાય છે ઉદ્યોગોના વિકાસ થકી જે તે વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસની સાથે રોજગારીની વિપુલ તકોનું સર્જન થતું હોય છે પરંતુ સ્થાનિક માનવ વસાહતો માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ મોટી પરેશાનીનું કારણ બને છે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા જળ-વાયુ -પ્રદૂષણ આસપાસની માનવ વસાહતો માટે નકારાત્મક અસરો કરતા હોય છે.

સુરતને અડીને આવેલા પાંડેસરા જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી અને હજીરા આને કીમ, સાયણ, માંડવી પીપોદરા,કરંજ સહિતના વિસ્તારમાં નાના મોટા અસંખ્ય ઉદ્યોગો સતત દિન રાત ધમધમી રહ્યા છે આ ઉદ્યોગોના કારણે સચિન, પાંડેસરા, ભેસ્તાન તથા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આસપાસના ગામોમાં વસવાટ કરતી માનવ વસાહતને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આસપાસમાં ધમધમતા ઉદ્યોગોમાં કારણે વાયુ પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે હવામાં ઝેરી વાયુનું પ્રમાણ વધતા લોકોને શ્વસન સંબંધીત બીમારીઓના ભોગ બનવું પડી રહ્યું છે ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ધુમાડા સહિતના પ્રદૂષણના કારણે વડીલો તેમજ બીમાર લોકોની હાલત વધુ કફોડી બની રહી છે ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી સુરતમાં કાર્યરત હોવા છતાં આવા ઉદ્યોગ ગૃહો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે અધિકારીઓની મીઠી નજર હોવાની આશંકા મજબૂત બની રહી છે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં બે- અસર રહી હોય તેમ ઉદ્યોગ ગૃહો સામે કોઈ જ અસરકારક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હોય તેમ જણાતું નથી ફેક્ટરીમાંથી જે ઝેરી ધુમાડો અને કોલસાની ભૂકી હવામાં ફેલાય છે તેનાથી આસપાસની ખેતીલાયક જમીનને નુકસાન થવાની સાથે ફળદ્રુપ જમીન પ્રદૂષણના કારણે બંજર બની રહ્યાની ફરિયાદો પણ ઉઠવા પામી રહી છે બીજી તરફ રહેઠાણ મકાનોની છત તેમજ છાપરા પર પણ કાળી ડસ્ટની ચાદર પથરાઈ જાય છે હવામાં ફેલાતી ઝેરી ડષ્ટથી લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગો થઈ રહ્યા છે ઉદ્યોગ ગૃહોની નજીકથી પસાર થતાં માર્ગો પર રાત્રિના સમયે વાહનચાલકોને પ્રદૂષણની વધુ અસરો જોવા મળી રહી છે સચિન જીઆઇડીસી પાંડેસરા જીઆઇડીસી તથા હજીરા વિસ્તારમાં દિવસ રાત ધમધમતી ફેક્ટરીઓ તથા એકમો સ્થાનિક લોકો માટે પરેશાનીનું કારણ બની રહી છે ત્યારે વારંવાર થતી રજૂઆતોને ગંભીરતાથી લઈ જીપીસીબી પ્રદૂષણને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરે તે ઇચ્છનીય હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp