ખેડૂતોને લોનના વ્યાજ દરમાં રાહત આપવા ખેડૂત આગેવાનની રજૂઆત
સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સાથે સંકળાયેલ સુરત-તાપી જિલ્લાની સુગર ફેકટરીઓના ખેડૂતો અને સભાસદો ઓવરડ્રાફ્ટ અને કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ દરમાં રાહત આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા, ડિરેક્ટર, સાયણ સુગર ફેક્ટરી, ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓ.બેંક લી, પ્રમોદભાઈ દેસાઈ સહકાર સદનને એક યાદીમાં જણાવ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને સહકારી સંસ્થાઓની કામધેનુ સમાન ધી સુરત ડી.કો.ઓ.બેંક લી.ની સેવા અંતરિયાળ ગામડા અને ઘરો સુધી વિસ્તરેલી છે. ગામડાની નાની દુધ મંડળી, સેવા સહકારી મંડળી, શાકભાજી, ખાતર વેચાણ કરનાર સહકારી મંડળી કે સુગર ફેક્ટરી બેંકના સહકારથી વિસ્તરી રહી છે. સુગર ફેક્ટરી અને ખેડૂતોને આપેલ લોનની રીકવરી બાબતે બેંક ને બહુ તકલીફ પડી નથી. ખેડૂતો લોન ના હપ્તા લગભગ નિયમિત ભરતા હોય છે ત્યારે ખેડૂતોને લોન પરના વ્યાજમાં રાહત આપવી જોઈએ.
વર્તમાન સમયમાં ખેડૂતો, સહકારી મંડળીઓ અને સુગર ફેક્ટરી અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે, જે ખેડૂતોએ લોન લીધી હોય, જે સુગર ફેકટરી લોન ઓવરડ્રાફટ લીધી હોય તેના વ્યાજ દરમાં ઘટાડો કરીને ખેડૂતો, મંડળીઓને, ફેક્ટરીઓને રાહત આપવી જોઈએ. ગત સિઝન 2023-24 કરતા ચાલુ સિઝન 2024-25 આશરે 14-15 દિવસ મોડી શરૂ થઇ રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખાંડ ઉપર વાર્ષિક 9 ટકા વ્યાજ લે છે. જેમાં ટર્મ લોન (મોડીફીકેશન) 8.25 % અને વર્કિંગ કેપીટલ લોન 8.25 % સમાવેશ થાય છે. માર્કેટમાં ખાંડ તેમજ આડપેદાશો ની પરિસ્થિતિ અનિશ્ચિત રહેવાને કારણે સુગર ફેક્ટરી ખેડૂતોને સારા ભાવ આપી શક્તિ નથી. દિવસે-દિવસે શેરડીના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. લેબરનો ઘણો વિકટ પ્રશ્ન છે અને તેમાં પણ મજુરી વધી છે. રાસાયણિક ખાતર તેમજ સિંચાઈ પણ મોંઘી થઈ છે. ખેડ કામથી લઈ દરેક ચીજ વસ્તુઓમાં મોંઘવારી છે. આમ લોનની ઉપર વ્યાજ ખાદ્ય વધુ રહેવાને લીધે સંસ્થા તેમજ ખેડૂતો ઉપર વધુને વધુ ભારણ પડતું રહે છે. જેથી વ્યાજદરમાં રાહત આપવામાં આવે તો આ રાહત ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે સંજીવની સમાન બની રહેશે.
સુરત જિલ્લાની સુગર મિલો/ખેડૂતોને સંસ્થા દ્વારા બેંકમાંથી લોન આપવામાં આવે છે. જેનો વ્યાજ દર ઘણો ઊંચો છે. જેને લીધે સંસ્થાઓને ઓવરડ્રાફટ પણ વધારે પ્રમાણમાં લેવો પડતો હોય છે. તે છતાં ખેડૂતો દ્વારા ડીફોલ્ટમાં આવ્યા સિવાય કોઈપણ સંજોગોમાં બેંકમાંથી લીધેલ ધિરાણ બાકી રાખ્યા સિવાય જેમ બને તેમ જલદી જમા કરાવી દે છે. હાલમાં બારડોલી, ચલથાણ, મઢી, મહુવા, સાયણ, કામરેજ અને કોપર સુગર સહિતની સુગર મિલોમાં આશરે રૂ.970 કરોડ રૂપિયા જેટલા ઓવરડ્રાફ્ટની રકમ આ મંડળીઓ મારફત લેવામાં આવે છે. સહકારી સંસ્થાઓ સ્થાપનાકાળથી નાણાકીય વહીવટની બાબતને લઇ સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક સાથે સીધી રીતે જોડાયેલી છે અને એની સધ્ધરતાનું કારણ પણ આ સુગર ફેકટરીઓ, આટલી બ્રાન્ચો કે આટલો નફો આ સહકારી સુગર ફેક્ટરીઓના કારણે શક્ય બન્યો છે. સ્થાવર કે જંગમ મિલકતો છે એમાં આ સુગર ફેક્ટરીઓનો સિંહ ફાળો રહ્યો છે. આ તમામ સુગર ફેકટરીઓ સાથે સંકળાયેલા સભાસદો અને ખેડૂતોને કરોડો રૂપિયાનું વ્યાજ આવકના રૂપમાં આપવામાં આવે છે અને આ સંસ્થાના આજદિન સુધી નોન પરફોમિંગ એસેટ રહેતો નથી. હાલની પરિસ્થિતિમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સુગર ફેક્ટરી કે સહકારી સંસ્થા ઉ૫૨ 9 % વ્યાજ લે છે તે સીધું 2 % ફ્લેટ બાદ ઘટાડી સુગર ફેક્ટરીઓના ખેડૂતો અને સુગરમીલોના હિતમાં 7 % ખેડૂતો અને સંસ્થાના હિતમાં બેંકના નફા માંથી કે અન્ય ફંડોમાંથી મળવું જોઈએ.
ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકનું વાર્ષિક ટર્ન ઓવર આશરે 10 હજાર કરોડથી પણ વધારે છે. જેમાં સુગર ફેકટરીઓ સાથે જોડાયેલા ખેડૂત અને સભાસદો ક્રોપ લોન, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય લોન મળી 20 થી 25 ટકા લોન લે છે ત્યારે બેંકની વિશેષ જવાબદારી છે કે,કપરા સમયે સુગર ફેકટરીઓની સાથે સંકળાયેલા ખેડૂતો-સભાસદોની પડખે રહે. ‘'વિના સહકાર, નહિ ઉધ્ધાર '’ના સૂત્ર સાથે સહકારી સંસ્થાઓ સહકારી ધોરણે કાર્યરત છે, પરંતુ ખાતરના ભાવ વધ્યા, મજુરીનો દર, મોંઘા બિયારણને કારણે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે શેરડી પકવતો ખેડૂત નાસીપાસ થઇ રહ્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર બીજી તરફ દિન-પ્રતિદિન શેરડીનું ઘટતું ઉત્પાદનને કારણે સંસ્થાઓ નબળી પડી રહી છે. આશરે એક હજાર કરોડના ધિરાણને કારણે આવનારા દિવસોમાં બેંકની સધ્ધરતાને પણ ચોક્કસ અસર થવાની છે. સુરત જિલ્લાની કાંઠા, સાયણ, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, ચલથાણ અને માંડવી સુગર મળી કુલ્લે આશરે 2 લાખ સભાસદો છે. એટલે કે બે લાખ કુટુંબોનો જીવનનિર્વાહ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારથી ચાલે છે ત્યારે ખેડૂતોના હિતમાં ચોક્કસ પગલાં લેવા જોઈએ એ જ સમયની માંગ છે. આથી ઉપરોક્ત બાબતો ધ્યાનમાં રાખીને ઓવરડ્રાફ્ટ રાહત અને કિસાન ક્રેડિટ કાર્ડ લોનમાં ૦૩ ત્રણ લાખની જગ્યાએ ૦૫ (પાંચ) લાખ રૂપિયા સુધીની લોનનાં વ્યાજમાં માફી આપી ખેડૂત-સભાસદોના હિતમાં નિર્ણય લેવા સુરત અને તાપી જિલ્લાના ખેડૂત-સભાસદોની લાગણી અને માંગણી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp