સંબંધોનું મૂલ્ય સમજો...સંબંધો નિભાવવાના હોય ઉપયોગ કરી લેવા માટે કદી ના હોય

PC: Khabarchhe.com

(Utkarsh Patel)

સંબંધો એ ઈશ્વરની આપેલી ભેટ છે. આપણે સૌએ જન્મ લીધો ત્યારે સૌથી પહેલા આપણને શું મળ્યું? આપણને સૌથી પહેલો સંબંધ મળે છે માતાપિતા નો, જે ઈશ્વરની આપણને જન્મતાની વેંત મળતી ભેટ છે. એ સાથે જ કુટુંબીજનો એટલે કે લોહીના સબંધો પણ આપણને માતાપિતા દ્વારા મળતી ભેટ છે. વધુમાં જે વધુ નસીબવાળા હોય એમને મોટા ભાઈ, મોટી બહેન મળે.

થોડા મોટા થઈએ એટલે બાળપણના ઢબૂકલા ભાઈબંધો મળે અને પછી શાળાએ જતા થઇએ ત્યાં આપણે ધમાલી હોઇએ તો ધમાલી અને શાંત હોઇએ તો શાંત ભાઈબંધી મળે. મોટા થતાં જઈએ તેમ તેમ નવા ભાઈબંધોની આવન -જાવન ચાલુ રહે. પછી કેટલીક ભાઈબંધી આજીવન સચવાઈ રહે તેવી મળે.

મોટા થઇએ એટલે વેપાર નોકરી કરીએ ત્યાં સંગતિ મિત્રો મળે અને એ સંબંધોમાં વધ ઘટ પ્રમાણમાં વધુ થતી રહે. લગ્નજીવનની શરૂઆત થાય એટલે બે કુળના સંબંધોનો વારસો જોડાય અને સંબંધો બેવડાય. બોલો આપણે કેટલા નસીબદાર. મને ઉત્કર્ષ નામની ઓળખ મળી પછી બધું સંસારી સંબંધોનું ચક્ર ચાલુ થયું અને સંબંધો મળતા ગયા, વધતા ગયા અને મોટેભાગે સચવાતા ગયા.

હવે સંબંધોનું મૂલ્ય સમજવાની વિગતે વાત કરું.

માતાપિતાનું ઋણ તો ક્યારેય ચૂકવાય જ નહીં એટલે એ સંબંધોનું મૂલ્ય તો આંકવાની વાત કરવી એ મર્યાદા બહારનો વિષય કહેવાય અને હું મારી મર્યાદા ક્યારેય ચૂકતો નથી. સંબંધોમાં હંમેશા ચાલશે, ફાવશે અને ગમશે આટલું વાણી અને વર્તનમાં રાખીએ તો સંબંધોમાં આપણા તરફથી આપણે ક્યારેય ખોટા પાડવાનો વારો આવતો નથી.

હું વેપાર સિવાય મારા જીવન વ્યવહારમાં ચાલશે, ફાવશે અને ગમશેને પ્રાધાન્ય આપુ છું એટલે જ હું સંબંધોની મજબૂત મૂડીનો માલિક છું. મારી પાસે વારસામાં મળેલા સંબંધો અને મારા બનાવેલા કેળવેલા સંબંધો એમ બેવડી મૂડી. વિશેષમાં હું ક્યારેય મારા કોઇ પણ સંબંધમાં સામેથી કોઇ અપેક્ષા કે આશા રાખતો જ નથી એટલે મને ક્યારેય દુઃખી થવાનો વારો આવતોય નથી. મારા દાદાએ હું નિશાળમાં હતો ત્યારે ભાઈબંધી માટેની શીખમાં અમને ભાઈબંધોને એકવાર કહ્યું હતું... "સંબંધો નિભાવવાના હોય ઉપયોગ કરી લેવા માટે કદિયે ના હોય."

સૌના જીવનમાં સંબંધોમાં સ્વાર્થ અને અપેક્ષા જ્યારે આવે છે ત્યારે જ ડખો થાય છે. સ્વાર્થ અને અપેક્ષા આવે એટલે પાછળ ઇર્ષ્યા અને સરખામણી આવે. આ બધા ભાવ એટલે પછી અનીતિ આવે અને પછી આવે ખુલાસા. સંબંધોમાં ખુલાસા આવે એટલે સમજી જવાનું કે તે સંબંધોનો અંતિમ અધ્યાય છે અને પછી સંબંધો પૂરા થાય કયા વેરભાવમાં પરિણમે.

સંબંધોમાં જ્યારે તમે આર્થિક નાંણાકીય વ્યવહાર કરો ત્યારે તમે પોતેજ સંબંધોને પૂરા કરવાનો નિમંત્રણ આપી રહ્યા હોવ છો. પૈસો હંમેશા સંબંધો બગાડે છે એવું વડીલો પાસે વારંવાર સાંભળવા છતા સૌ સામાન્યતઃ આ ભૂલ કરેજ છે અને પછી પસ્તાય છે. સંબંધોનું મૂલ્ય જાળવવું હોય ને તો લેતી દેતીના વ્યવહારથી બચવું જોઈએ.

ઉદાહરણ રૂપે સમજાવું તો...

આપનો કોઈ બાળપણનો વ્હાલો મિત્ર કે કોઇ વ્યવસાય સાથે જોડાયેલું કોઇ ને આપ એની તકલીફમાં ચોક્કસ સમય માટે આર્થિક સહયોગ કરો અને એ સહયોગ રૂપી રકમ કે મૂડી પરત નહીં થાય ત્યારે સંબંધોમાં ખટાશ આવશે, અંતર થશે અને બોલવાના મોઢું બતાવવાના સંબંધો ધીમે ધીમે પૂરા થઈ જશે.

થયું છેને આપના જીવનમાં આવું? થયું જ હશે.

મોટે ભાગે સૌના જીવનમાં થયું જ હશે. જો સમજો છો તો આવી ભૂલ ફરી ના કરશો. સંબંધો પણ જાય અને મૂડી પણ જાય. આવા વેચાતા સંબંધો રાખશો જ નહીં.
અને જો કોઇને નાનો મોટો સહયોગ કરવો જ હોય તો ખોટ ખમીને સંબંધને સાથ આપવાની તૈયારી સાથે સહયોગ કરજો. સંબંધો કરતા રૂપિયા અગત્યના થઈ જાય તેવો વ્યવહાર સંબંધોમાં કરશો જ નહીં.

આજે કળયુગ ચાલી રહ્યો છે અને આ યુગમાં તમસ, સ્વાર્થ, લોભ જેવા અવગુણ લોકવ્યવહારમાં વધી રહ્યા છે એટલે આપનેક થોડું કાળજીપૂર્વક જીવવું અને નિર્ણયો પણ થોડા ઉતાવળાના લેતા, સમજી વિચારીને લેવા. કેમ કે સંબંધો મજબૂત થતાં સમય જાય છે અને આપણને જીવન ઈશ્વર નિશ્ચિત સમય માટે જ મળ્યું છે.

છળ કપટ કરનારા, લોભ ઇર્ષ્યાના વિચારો વાળા લોકોથી દૂર રહીએ. ભગવાનની આપેલી ભેટ માતા-પિતા અને માતા-પિતા દ્વારા ભેટમાં મળેલાં કૌટુંબિક સંબંધોને માન આપીએ સાથે સાથે ભાઈબંધોને પણ સમજીને જીવન જીવીએ તો સંબંધોના બગીચામાં હંમેશા લીલોતરી રહેશે.

એટલું ચોક્કસથી કહીશ કે મારા માટે તો સંબંધોની મૂડી મારી બેન્ક એકાઉન્ટમાં રહેલી મૂડી કરતા હંમેશા વધુ અને અગત્યની છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિની ખાનદાનીની ઓળખ એની પાસે કેવા અને કેટલા જૂના સંબંધો છે એના પરથી કરવી જોઈએ. જેમના જીવનમાં સંબંધોની આવક ઓછી અને જાવક વધુ હોય તેમના મિત્રો સતત બદલાતા હોય એવા લોકો સાથે સબંધો રાખવાનું ટાળવું જોઈએ.

સંબંધોમાં દુઃખ તો ભગવાન શ્રી રામને પણ આવ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણને પણ આવ્યું હતું. અનેક ઉદાહરણો છે જેમને સમજીએ તો સંબંધોની અગત્યતા મૂલ્ય સમજી શીખી શકાય.

હું રહ્યો સંબંધોનો માણસ એટલે મારા વિચારો સંબંધો જોડનારા રહ્યા. આશા રાખું મારા ઉપરોક્ત વિચારો સૌને ઉપયોગી થશે.

॥ જય સીયારામ ॥

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp