સુરત: 3 વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવીને હત્યા કર્યા પછી માતાએ પણ ફાંસો ખાધો

PC: news18.com

સુરતના મોટા વરાછાથી અત્યંત ચોંકાવનારી અને દુખદ ઘટના સામે આવી છે. 3 વર્ષની વ્હાલસોયી દીકરીનું ગળું દબાવીને હત્યા કર્યા પછી માતા પણ ફાંસો ખાઇને જીવન ટુંકાવી લેવાની ઘટનાએ ભારે ચકચાર મચી ગઇ છે. તમે તસ્વીર જોશો તો વિહવળ થઇ જશો કે કેટલી માસૂમ દીકરી છે અને છતા સગી જનેતાએ બાળકીને મોતને ઘાટ ઉતારી પોતે પણ સ્વધામ પહોંચી ગઇ. બાળકીની જન્મજાત બિમારીને કારણે માતા કંટાળી ગઇ હતી અને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી એવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ મોટાવરાછા વિસ્તારમાં આવેલા શિવાન્ત બિલ્ડીંગમાં રહેતા કેયુર કથિરિયા કન્સ્ટ્રકશનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમના પત્ની રિંકલ કથિરિયા, 3 વર્ષની દીકરી વિવા,નાનો ભાઇ અને માતા-પિતા સાથે રહે છે.શનિવારે બપોરે જ્યારે ઘરમાં કોઇ નહોતું, બધા પોતપોતાના કામે ગયા હતા અને રિંકલ અને વિવા ઘરમાં એકલા હતા. રિંકલે પોતાની 3 વર્ષની માસૂમ દીકરી વિવાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી અને પછી પોતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રિંકલના સાસુ મંદિરેથી જ્યારે પાછા આવ્યા ત્યારે વહુ અને પૌત્રીની લાશ જોઇને હેબતાઇ ગયા હતા. એ પછી તેમણે પોતાના દીકરા કેયુર અને બાકીના પરિવારજનોને જાણ કરી હતી.  ઉત્રાણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

ઉત્રાણ પોલીસે કહ્યું કે, મોટા વરાછા વિસ્તારમાં રહેતા રિંકલ કથિરિયાની દીકરી વિવાને જન્મજાત કિડનીની બિમારી હતી અને રિંકલને પણ લાંબા સમયથી પિત્તની બિમારી ચાલતી હતી. બંનેની સારવાર પાછળ  મોટા રૂપિયા ખર્ચાયા હતા, છતા કોઇ પરિણામ મળતુ નહોતું. વિવાની અને પોતાની બિમારીથી કંટાળીને આખરે તેમણે આત્યાંતિક પગલું ભર્યું હતું. કથિરિયા પરિવાર માટે આ આઘાત જનક ઘટના હતી, કારણકે ઘરની બંને લક્ષ્મીએ એક સાથે વિદાય લીધી હતી.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આગળની તપાસ ચાલી રહી છે.

ઘરમાં બે મોતથી કથિરિયા પરિવાર પર તો આભ તુટી જ પડ્યું છે, પરંતુ મોટા વરાછા વિસ્તારમાં પણ આ ઘટનાથી લોકો વ્યથિત થયા છે, કારણકે  આજે આધુનિક મેડિકલ ટેકનોલોજી હોવા છતા બિમારીમાં અનેક લોકો ખુંવાર થઇ જાય છે અને આખરે આવા જીવલેણ પગલાં ભરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp