સુરત એ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે, અન્ય શહેરો પ્રેરણા લે છેઃ રૂપાલા

PC: twitter.com

વરાછાના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જરખીયા-ગોવિંદપરા-સુરજપરા જન જાગૃતિ પ્રગતિ મંડળ’ દ્વારા રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયા અને દ.ગુજ.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાનું ભવ્ય સન્માન કરાયું હતું. ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દક્ષેશભાઇ, ભરતભાઇ અને રમેશભાઇ જેવી ત્રણ હસ્તીઓ મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે. તેઓને ગામ, શહેર, રાજ્ય અને દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવાની સુર્વણ તક મળી છે. મહત્વની જવાબદારી સાથે પ્રજાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તન મનથી લોકોની સેવા કરવામાંથી ચૂકવું ન જોઈએ. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ એ જનપ્રતિનિધિની મહત્વની જવાબદારી છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

https://khabarchhe.com/uploads/mc_path/16992775447.jpg

પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, સુરત એ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે, જેનાથી અન્ય શહેરો પણ પ્રેરણા લઈ રહ્યાં છે. મિની ભારત સુરતમાં ભાત-ભાતના લોકો સૌ સાથે મળી પ્રેમપૂર્વક રહે છે. આવા સુરતના પ્રથમ નાગરિક તરીકે સેવા કરવાનો મોકો સમાજ ગૌરવ સમાન મેયર દક્ષેશ માવાણીને મળ્યો છે, ત્યારે સુરતના વિકાસ સાથે સમાજનો પણ વિકાસ કરે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન થકી દેશમાં થઈ રહેલા કાર્યોની નોંધ દેશ-દુનિયામાં લેવાઈ રહી છે. જી-20 દ્વારા વિશ્વની આપણા ભારત પર નજર પડી છે. આજે અન્ય દેશો ભારત સાથે મૈત્રી માટે હાથ આગળ વધારી રહ્યા છે. કોરોના કાળ પછી દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામ્યું હતું, ત્યારે ભારત દેશનું અર્થતંત્ર અડીખમ રહ્યું છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, સન્માન એ સંસ્કાર સાથે જોડાયેલો શબ્દ છે. સમાજમાંથી ડોક્ટર, એન્જિનિયર અને ઉદ્યોગપતિ ઘણા બને છે, પણ લીડર કોઈ એક જ વ્યક્તિ બને છે, સમાજના દરેક વર્ગો માટે નિ:સ્વાર્થભાવે કામ કરતો વ્યકિત એક સફળ લીડર બને છે. જે સમાજના દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી સેવાના ભાવથી કાર્યો કરે છે, એવા લીડરનું સન્માન થવું સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સમાજના યુવાનો આગવી પદપ્રાપ્તિથી આગળ વધી રહ્યા છે, ત્યારે સમાજ દ્વારા થતા સન્માનથી તેમના ઉત્સાહ અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp