એકનું ડબલ કરવાની લાલચમાં પરિણીતા પહોંચી તાંત્રિક પાસે, પછી શું થયું જાણો

PC: masterfile.com

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તાંત્રિકે હવસનો શિકાર બનાવી પરિણીતા સાથે છેતરપિંડી કરી હતી. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો પતિ માંદગીના કારણે બીમાર રહેતો હતો અને પરિણીતાની માથે વધી ગયેલા દેવાની સમસ્યાનો ઉકેલ લાવવા પરણિત મહિલા તાંત્રિક પાસે ગઈ હતી. નડિયાદ ખાતે રહેતી બહેનના કારણે પરિણીતા તાંત્રિકના સંપર્કમાં આવી હતી. મહિલા સામે તાંત્રિકે ઘણા લોકોના દુઃખોને દૂર કરવાની મોટી વાતો કરી હતી. તાંત્રિકની વાતોમાં આવીને પરિણીતાને તાંત્રિક પર ભરોસો થઈ ગયો જેના કારણે તાંત્રિકે સુરત આવી મહિલાના ઘરે વિધિ કરી હતી. વિધિ દરમિયાન રૂપિયા અને સોનાના દાગીના વિધિમાં મૂકાવી ડબલ કરી દેવાની લોભામણી લાલચ આપી હતી. તાંત્રિકની આ વાત સાંભળીને પરિણીતા અને તેનો પતિ તાંત્રિકની વાતોમાં આવી ગયા હતા. તાંત્રિકે પતિની બીમારી સારી કરવાનું અને દેવું માફ કરી માલામાલ કરી દેવાની વાત કરી હતી. પરિણીતા અને તેનો પતિ લાલચમાં આવીને તાંત્રિક પાસે આ વિધિ કરાવવા તૈયાર થઈ ગયા હતા.

વિધિ દરમિયાન તાંત્રિકે પરિણીતાના ઘરમાં રહેલા લાખો રૂપિયા અને સોનાના તમામ દાગીના એક માટલીમાં મૂકવાનું કહ્યું અને માટલી જમીનમાં દાટી દીધી હતી અને ત્યારબાદ તાંત્રિકે પરિણીતાને કહ્યું કે માટલી ચાલીસ દિવસ સુધી જમીનમાં રહેવા દેવાની રહેશે. જો ચાલીસ દિવસ પહેલા માટલી ખોલી દેવામાં આવી તો બધું માટી બની જશે.

ત્યારબાદ તાંત્રિકે પરિણીતાને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. તાંત્રિકે પરિણીતા પર વશીકરણ કર્યું હોવાના કારણે પરિણીતા ભાનમાં આવતી ન હતી. વશીકરણની હાલતમાં તાંત્રિકે અવાર નવાર પરિણીતા જોડે દુષ્કર્મ કર્યું હતું. પરિણીતાને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક મકાનમાં ગોંધી રાખી ફરી મહિલા પર તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના પછી ચાલીસ દિવસ પૂરા થઈ જતા મહિલાએ તાંત્રિકની માટલી ખોલી ત્યારે માટલીમાંથી નકલી નોટો અને ખોટી ઇમિટેશન જ્વેલરી નીકળી હતી. મહિલાને ત્યારે ભાન થયું કે તે તાંત્રિકના જાળમાં ફસાઈને પોતાની રકમ અને ઘરેણાં ગુમાવી ચૂકી છે. તેથી છેતરપિંડીનો ભોગ બનેલી પીડિતાએ તાંત્રિક વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp