સુરતમાં ખરા સમયે જ સમાજ શ્રેષ્ઠીઓ ગાયબ થઈ ગયા...!

PC: khabarchhe.com

(હરેશ ભટ્ટ)સુરતમાં સમાજ શ્રેષ્ઠીઓ એટલા પાવરફુલ છે કે જો તમામ એક થઈ કામગીરી કરે તો સરકારની સમાંતર વ્યવસ્થા ખડી કરવા માટેની તાકાત ધરાવે છે. પણ, ખાટલે મોટી ખોટ એ છે કે સમાજે જેમને ખૂબ માન સન્માન અપાવ્યું તે તમામ અત્યારે સમાજને જરૂર છે ત્યારે ગાયબ થઈ ગયા છે.

સમાજ શ્રેષ્ઠીઓની વાત કરીએ તો ગણતરીના સમયગાળામાં સમાજની વાડીનું સર્જન કરી શકે, હોસ્પિટલનું સર્જન કરી શકે, અભ્યાસ માટેનું સંકુલ બનાવી શકે એ તમામ લોકો સાથે મળીને કોરોનાના કપરા કાળમાં લોકોને મદદરૂપ કેમ ન બની શકે?

કેટલાક અગ્રણી સમાજસેવકોની વાત કરીએ તો એક ઉદ્યોગપતિએ સૌથી વધુ વ્યવસ્થા ગોઠવવામાં માસ્ટર ગણાય છે અને આશરે રૂ. 30થી 35 કરોડના ખર્ચે એક હોસ્પિટલનું સંચાલન કરે છે તેમનું વ્યક્તિત્ત્વ એવું છે કે કોઇ પણ આગેવાન તેમનું કહ્યું માને નહીં તેવું બને નહીં. પ્રત્યેક માટે તે સર્વમાન્ય માણસ છે. કોરોનાના કાળમાં તેઓનું યોગદાન નજરે પડતું નથી.

આવા જ એક અન્ય સર્વમાન્ય વ્યક્તિ છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા આ વ્યકિતએ થોડા સમય પૂર્વે જ રામ જન્મ ભૂમિ માટે રૂ. 11 કરોડનું દાન અર્પણ કર્યું હતું. ગુજરાતના પ્રમુખ પણ બન્યા. રૂ. 11 કરોડ આપ્યા તે ખૂબ સારી વાત છે. વળી, પટેલ સમાજ અને કિરણ હોસ્પિટલમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર છે. આવા સર્વમાન્ય વ્યક્તિ પણ અત્યારે જાણે કે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું ચિત્ર ખડું થયું છે.

એક સમાજ સેવક જે સમાજે સ્ત્રી ભ્રૂણ હત્યાની જાગૃતિ માટે લાડવો પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચાડ્યા એ જ સમાજને અત્યારે જ્યારે ખરેખર જરૂરિયાત છે ત્યારે તે પણ ક્યાંય જોવા મળતા નથી. આ ઉપરાંત સંખ્યાબંધ સમાજ શ્રેષ્ઠીઓ કોરોના કાળમાં કોઇ જગ્યાએ જોવા મળતા નથી.

પ્રત્યેક આગેવાનો પોત પોતાની રીતે કોઈને કોઈ સંસ્થાને મદદરૂપ બનતા હશે એ વાત સાચી છે પણ તમામ એક થઈ મોટા પાયા પર કામગીરી કરી સમાજને મહામારીમાંથી ઉગારવાના પ્રયાસો કરે તેવું હજુ સુધી બન્યું નથી. આ તમામ એટલા ખમતીધર છે કે સરકારની સમકક્ષ વ્યવસ્થા ખડી કરી શકે તેમ છે. વાત ઓક્સિજનની હોય, ઇન્જેક્શનની હોય, બેડની હોય કે દવાની હોય આ આગેવાનો ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કોઇ ને કોઇ વ્યવસ્થા સો ટકા કરી શકે તેમ છે. ત્યારે સમાજનું ઋણ ચૂકવવા તમામ આગેવાનો એક થઈ મોટા પાયા પર કામગીરી કરે તે અત્યંત આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp