પદ્મશ્રી મથુર સવાણી સામે સુરત ડાયમંડ બુર્સમાં નારાજગી કેમ છે?
સુરત ડાયમંડ બુર્સ અત્યારે ચર્ચામાં છે. અમે ઘણા બધા લોકો, ડાયમંડના વેપારીઓ અને સુત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો સાથે વાત કરી તો એક વાત બહાર આવી કે પદ્મશ્રી મથુર સવાણીના તેવર સામે લોકોને ઘણી નારાજગી છે.
અમે પદ્મશ્રી મથુર સવાણીને 3 સવાલ પુછ્યા હતા. (1) તમે અત્યારે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નથી તો સુરત ડાયમંડ બુર્સમાં મહત્ત્વના હોદ્દા પર કેમ છો? (2) જ્યારે PM,CM આવવાના હોય ત્યારે તમે આખો કાર્યક્રમ કંટ્રોલ કરી લો છો અને કોઇનું સાંભળતા નથી? (3) જે ચેક ડેમ માટે તમને પદ્મશ્રી મળ્યો તે કામ તમે હવે બંધ કરી દીધું છે.
પદ્મશ્રી મથુર સવાણીએ પહેલાં સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, હું 1980 ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયલો છું અને મારી કતારગામમાં સવાણી ડાયમંડ નામથી ફેકટરી પણ છે, હું દરરોજ એક કલાક ફેકટરીએ જાઉં છું. અત્યારે મારા ભાઇઓ અને પુત્રો ફેકટરી સંભાળે છે. બીજા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, હું એવું માનું છું કે મને કુદરત નવા નવા વિચાર આપે છે અને દરેક કામ હું દીલથી કરુ છું. સ્વાભાવિક છે તમે જાહેર જીવનમાં હો તો આક્ષેપો તો થવાના જ. પણ આ બધા આક્ષેપો પાયા વિહોણા છે. ત્રીજા સવાલના જવામાં તેમણે કહ્યું કે, 1995થી 2013 સુધી મેં સૌરાષ્ટ્રમાં ચેક ડેમ માટે ઘણા કામો કર્યા. 20 વર્ષ સુધી લોકોને જગાડવા હું ગામડે ગામડે ફર્યો હતો. હવે મોટાભાગના કામ પતી ગયા છે તો જવાની જરૂર ન પડે. છતા જ્યારે પણ જરૂર પડે ત્યારે હું સૌરાષ્ટ્ર જાઉં જ છું.
પદ્મશ્રી મથુર સવાણી માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતા છે, પરંતુ સુરત ડાયમંડ બુર્સ એ કંપની કે ફેકટરી નથી. જયારે ઇન્ટરનેશનલ લેવલનું બુર્સ બન્યું હોય અને 5,000 કરોડનું રોકાણ હોય ત્યારે મેનેજમેન્ટ પ્રોફેશનલ લોકોના હાથમાં હોવું જોઇએ. વિદેશની કંપનીઓમાં ભારતીયો CEO તરીકે કામ કરે છે. બુર્સ માટે પણ પ્રોફેશનલ CEO પાસે કામ કરાવવું જોઇએ.
દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તરીકે જેની નામના છે તેવું સુરત ડાયમંડ બુર્સ અત્યાર જબરદસ્ત ચર્ચામાં છે. તેનું કારણ એવું છે કે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને દુનિયાની અગ્રણી ડાયમંડ કંપની કિરણ જેમ્સના માલિક વલ્લભ લખાણીએ મુંબઇની ઓફિસ ફરી શરૂ કરી છે. સુરત ડાયમંડ બુર્સમાં જૈન વર્સીસ પાટીદારની લડાઇ ચાલી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
સુરત ડાયમંડ બુર્સનું જ્યારે 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સના ડ્ર્રીમ પ્રોજેક્ટના મન મુકીને વખાણ પણ કર્યા હતા. તે વખતે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ સ્ટેજ પરથી એવું કહ્યુ હતું કે, મેં મુંબઇની મારી ઓફીસને તાળા મારીને મારા બધા કર્મચારીઓને સુરત બોલાવી દીધા છે અને તેમના માટે 1200 ફલેટ પણ તૈયાર રાખ્યા છે. આ વાતને લગભગ મહિના જેવો સમય થયો ત્યાં કિરણ જેમ્સની મુંબઇ ઓફિસ ફરી શરૂ કરવાના સમાચાર સામે આવ્યા અને મુંબઇથી આવેલા કેટલાંક કર્મચારીઓ સુરતથી પરત ગયા.
સુરત ડાયમંડ બુર્સના મીડિયા ક્ન્વીનર દિનેશ નાવડીયાએ એક પત્ર લખીને જાણ કરી હતી કે, SDBની કમિટીએ જ વલ્લભભાઇને વિનંતી કરી હતી કે, અત્યારે સુરત ડાયમંડ બુર્સમાં હજુ ઓફીસો આવી રહી છે તો એવા સમયે તેમણે મુંબઇની ઓફિસ ફરી શરૂ કરવી જોઇએ. કમિટીની વિનંતી પછી વલ્લભ લખાણીએ મુંબઇની ઓફિસ શરૂ કરી છે.
સુરત ડાયમંડ બુર્સ એ સુરતની શાન છે અને રહેશે એમાં કોઇ મીન મેખ નથી, અમે સુરત ડાયમંડ બુર્સ વિશે જરાયે નેગેટીવ વિચારતા નથી, પરંતુ જે સત્ય હોય તે કહેવાની એક પત્રકાર તરીકે અમારી ફરજ છે. બીજું કે તમે જ્યારે કોઇ ધંધો લઇને બેઠા હોય અને નુકશાન થતું હોય તો નિર્ણ બદલવો પણ પડે, તેમાં પણ કશું ખોટું નથી. વલ્લભ ભાઇએ જે નિર્ણય લીધો એ યોગ્ય હોય શકે છે.
અમને સૂત્રો પાસેથ જાણવા મળ્યું કે, કિરણ જેમ્સની મુંબઇ ઓફીસ બંધ થવાને કારણે વલ્લભ લખાણીને ડોમેસ્ટીક બિઝનેસમાં મોટું નુકશાન સહન કરવું પડ્યું હતું. તેમનો ઇન્ટરનેશનલ બિઝનેસ તો યથાવત છે, પરંતુ ડોમેસ્ટીક બિઝનેસમાં તેમને લગભગ 150 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આવી ચર્ચા છે. તો વલ્લભ લખાણીએ મુંબઇ ઓફીસ શરૂ કરી તેમાં કશું ખોટું નથી.
પરંતુ અમને સાથે એ પણ જાણવા મળ્યું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગના એક પ્રતિષ્ઠીત જૈન વેપારી અને સુરત ડાયમંડ બુર્સના મોટા માથા વચ્ચે એક મીટિંગમાં ભારે બોલાચાલી થઇ હતી. જેને કારણે જૈન સમાજના લોકોમાં નારાજગી છે. બીજું કે મુંબઇમાં જે ડાયમંડનો વેપાર છે તેમાં જૈન સમાજનું વર્ચસ્વ છે. તમને ખ્યાલ હશે કે જ્યારે સુરતમાં એરપોર્ટનું અભિયાન ચાલતું હતું ત્યારે આ જ જૈન વેપારીઓને ફાળ પડી હતી કે મુંબઇનો ડાયમંડનો ધંધો સુરત ચાલ્યો જશે એટલે સુરત એરપોર્ટ શરૂ ન થાય તેના માટે એક લોબીએ ભારે જોર લગાવ્યુ હતું. વર્ષો સુધી સુરત એરપોર્ટ શરૂ થઇ શક્યું નહોતું.
હવે જ્યારે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ડાયમંડ બુર્સ બન્યું છે તો ફરી મુંબઇના જૈન વેપારીઓ ઉંચા નીચા થયા છે. જે દિવસે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનની જાહેરાત થઇ તેના થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રમાં દુનિયાના મોટો જ્વેલરી પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી.
સુરત ડાયમંડ બુર્સમાં પાટીદાર ઉદ્યોગકારોનું વધારે વર્ચસ્વ છે. એ વાત કદાચ જૈન વેપારીઓને પચતી નથી. બીજી એક વાત પણ છે કે જ્યાર તમે કોઇ જાયન્ટ પ્રોજેક્ટ શરૂ કરો તો તેને વાયેબલ થવામાં 5-6 વર્ષ તો લાગે જ છે. ભારત ડાયમંડ બર્સને બનતા 20 વર્ષ લાગ્યા હતા, જ્યારે સુરત ડાયમંડ બુર્સ તો માત્ર 4 વર્ષમા જ બની ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp